પ્રસંગ : ૪૮

અનાદિમુક્તને મહારાજ સાથે તાદાત્મકભાવ હોવાથી શ્રીજીમહારાજની શું મરજી છે? શ્રીહરિ શેમાં રાજી થશે? તે બધાથી સુપેરે અવગત હોવાથી દરેક કાર્ય શ્રીજીમહારાજની મરજી જાણીને જ કરે છે. ઘણી વખત આ લોકના જીવને તેમના નિર્ણયો યોગ્ય ન લાગ્યા હોય, પરંતુ અંતે તો ખ્યાલ આવે જ કે મુક્તએ લીધેલ નિર્ણય જ યોગ્ય હતો. અનાદિમુક્ત અખંડ શ્રીજીમહારાજના સુખમાં રસબસ રહે છે. કોઈ પણ કાર્ય કરતા તેઓ એ સુખમાંથી બહાર આવતા નથી. શ્રીજીમહારાજની વ્યતિરેક મૂર્તિના સુખનો અનુભવ તેઓ અખંડ ભોગવતા હોય છે.

એક વખત એક સંસ્થાની મીટિંગ વખતે અમુક નિર્ણયો લેવાના હતા. મામાએ તેમાં અમુક સૂચનો કર્યા તે હાજર રહેલા અમુક અગ્રણીઓને માન્ય ન હતા. મામાએ કોઈ વિરોધ ન દર્શાવ્યો કે કોઈ નારાજગી પણ ન દાખવી. પછી સેવકો સાથે બેઠા હતા ત્યારે મામાએ કહ્યું, "અત્યારે આ લોકોને સમજાતું નથી, પણ પાછળથી માનશે. મુક્ત દ્વારા શ્રીજીમહારાજ પોતે બોલતા હોય છે. આમાં શ્રીજીમહારાજની મરજી હોવાથી મેં એ સૂચનો કર્યા હતા. છતાં કેટલાક સમજી શકતા નથી. હશે ભગવાનને જ્યારે કાર્ય કરાવવું હશે, ત્યારે તેઓમાં પ્રેરણા કરશે ને તેઓ આ વાત માનશે. હું ક્યારેય શ્રીજીમહારાજની મરજી વિરુદ્ધનું કોઈ કાર્ય કરતો નથી. આ એકદમ સત્ય હકીકત તમને કહું છું. પર્વતભાઈએ જે રીતે સમ ખાઈને કહ્યું હતું કે, "મહારાજ, આ લોકમાં મને સાંઈઠ વર્ષ થયા તેમ લોકો કહે છે, પરંતુ તમારી મૂર્તિ વિના મેં બીજું કાંઈ જોયું હોય તો મને પાંચસો પરમહંસના સમ છે."એવી જ રીતે હું પણ સમ ખાઈને કહી શકું છું કે, મેં મહારાજની મૂર્તિ વિના કાંઈ જોયું નથી."

આ કેટલી બધી ઉચ્ચ કક્ષાની વાત કહેવાય! જીવનમાં મહારાજ સિવાય કોઈ બીજો સંકલ્પ નહિ. અખંડ મહારાજનું દિવ્ય સુખ ભોગવવું તે સુખમાં રહ્યા થકા સર્વે ક્રિયા કરવી અને દરેક કાર્ય મહારાજની મરજી જાણી કરવું. જેમને ખરેખર અનુભવ હોય, આ વસ્તુ જેમણે સિદ્ધ કરી હોય તેમના થકી જ આમ કહી શકાય. બીજા કોઈથી આમ છાતી ઠોકીને કહી શકાય નહિ.

આ છે અનાદિમુક્તપણું અને અનાદિમુક્તની સ્થિતિ.