પ્રસંગ : ૩૪
મુંબઈ શહેરમાં ભગવાનના એક સારા હરિભક્ત રહે. તેમણે ઘણા વર્ષોથી ધ્યાન કરવાનો અભ્યાસ કર્યો હતો. અનાદિ મુક્ત પૂજ્ય સોમચંદબાપાની કૃપાથી તેમને ધ્યાનની મૂર્તિ સિદ્ધ થઈ હતી. જ્યારે ઇચ્છે ત્યારે, હરતા-ફરતા, બેસતા-ઊઠતા ધ્યાનની મૂર્તિ જોઈ શકતા, ગમે ત્યારે અને ગમે ત્યાં ધ્યાન કરી શકતા. પ્રારબ્ધકર્માનુસાર તેમને લોહીનું કેન્સર થયું હોવાથી બીજી પ્રવૃત્તિ બંધ થઈ હતી. પથારીમાં પડ્યા રહેવું પડતું. પથારીમાં પડ્યા-પડ્યા ભગવાન સંભાર્યા કરે, પરંતુ વારંવાર તેમને દેહમાં કોઈ ને કોઈ તકલીફો થયા કરતી. ક્યારેક ચક્કર આવે તો ક્યારેક અચાનક ઝાડા થઈ જાય, તો કોઈવાર ઝાડામાં લોહી પડવા લાગે, તો વળી ક્યારેક અચાનક એકાદ કલાક સુધી બેશુદ્ધ થઈ જાય. આવું ચાલ્યા જ કરતું. દેહની આવી તકલીફો હોવા છતાં ભક્ત ભગવાનને ક્યારેય મટાડવા માટેની પ્રાર્થના કરતા નહિ. બસ ભગવાન ભજ્યા કરે. દેહની પીડા ક્યારેક બહુ વધી જાય ત્યારે મહારાજને એવી પ્રાર્થના કરે કે, ઘરના સર્વે મારા લીધે હેરાન થાય તેના કરતાં મને ધામમાં તેડી જાવ તો આ બધાને નિરાંત થાય.
આવા જ કોઈ એક સમયે હરિભક્ત ઘણા લાંબા સમય સુધી બેશુદ્ધ અવસ્થામાં રહ્યા. ડૉક્ટરો કાંઈ કરી શકતા નહોતા. ઘરના સભ્યો ચિંતિત મને તેમને નિહાળ્યા કરતા હતા. ભાનમાં આવ્યા બાદ ભક્ત ભગવાનને તેડી જવા વિનંતી કરતા હતા. આવી વિનંતીથી ઘરના સર્વે પણ બહુ દિલગીર થઈ ગયા. બહેનો આંસુ વહાવવા લાગી. વાતાવરણ એકદમ ગમગીન થઈ ગયું હતું. અને એવામાં જ સૌના તારણહાર, સૌના બેલી મુક્તરાજ મામા પધાર્યા. મામાના દર્શન થતાં જ ઘરના સભ્યોની ચિંતા દૂર થઈ ગઈ. સૌના ચહેરા પર હરખ વર્તાઈ રહ્યો. મામા સીધા ભક્તના રૂમમાં ગયા. ભક્ત ઊભા થઈ પગે લાગવા ગયા, પરંતુ તેમની અવસ્થા બરાબર ન હોવાથી મામાએ તેમને રોકી લીધા. ઘરના સર્વે મામાની આગતા-સ્વાગતામાં પડ્યા અને મામા ભક્ત પાસે બેઠા. ભક્તને હરખના આંસુ છલકાઈ આવ્યાં. હાથ જોડી વારંવાર મામાને કહેવા લાગ્યા, "આજે મહારાજે જ આપને મોકલ્યા છે. આપને મારી અવસ્થાની જાણ થઈ અને મારો હાથ ઝાલવા દોડી આવ્યા એવું થયું છે. આજે દેહમાં ઘણી પીડા જણાય છે. હું મહારાજને તેડી જવા પ્રાર્થના કરતો હતો અને એવામાં આપ પધાર્યા હૈયામાં શાંતિ-શાંતિ થઈ ગઈ. આપના દર્શન માત્રથી દેહની બધી પીડા જાણે શમી ગઈ છે. અત્યારે દેહમાં કોઈ કષ્ટ નથી જણાતું." મામા મીઠું હાસ્ય રેલાવતા બોલ્યા, "મહારાજને ખબર છે આપને ક્યારે ધામમાં તેડી જવા અને તમને તો વગર આયુષ્યે રાખ્યા છે. તેથી તેમની મરજી હશે ત્યારે તેડી જશે. આપણે શા માટે કાંઈ કહેવું પડે? દેહની પીડા તો મહારાજની મૂર્તિ સંભારીએ એટલે વિસરાઈ જાય. આપને તો ધ્યાનનો સારો અભ્યાસ છે. ધ્યાનમાં ઊંડા ઉતરી જવું." ભક્ત કહે, "એ વાત તો બરાબર, પરંતુ મને ધ્યાનમાં ફક્ત ધ્યાનની મૂર્તિ જ દેખાય છે એથી વિશેષ કાંઈ નહિ." મામા કહે, "એનું ધ્યાન કરતાં-કરતાં જ પછી વ્યતિરેક સ્વરૂપના દર્શન થાય. ધામની મૂર્તિનું તો શું કહેવું?"
મામાએ ભક્તનો હાથ પોતાના હાથમાં લીધો અને આંખો બંધ કરી. ભક્તે પણ પોતાની આંખો બંધ કરી. મામા બોલવા લાગ્યા. "અક્ષરધામમાં જે મૂળવ્યતિરેક સ્વરૂપ છે તેની સુંદરતા આગળ બીજા બધા જીવો, મનુષ્યો, દેવો, ધામાધિપતિ, મુક્તો વગેરે બધાની સુંદરતા અતિ તુચ્છ લાગે છે. એવું અતિ સ્વરૂપવાન, અતિ સુંદર મહારાજનું દિવ્ય સ્વરૂપ છે. એ ચૈતન્યનું સ્વરૂપ છે. ઘન તેજની મૂર્તિ છે. એ કિશોરવયની હોય તેવી જણાય છે. એ મૂર્તિનું મુખારવિંદ બહુ ગોળ નહિ, તેમ જ લંબગોળ નહિ તે બંનેની વચ્ચેનું ખૂબ પ્રમાણસર મુખારવિંદ છે. મહારાજની શિરે દિવ્ય તેજોમય શિખા છે. આંખો અણિયાળી છે. અને બંને આંખોના ખૂણાઓ નાસિકા પાસે સુંદર ઘાટવાળા અણિયાળા છે. બહારની તરફના ખૂણા પણ અણિયાળા સુંદર ઘાટવાળા છે. કપોળ ઉન્નત છે. નેણ સુંદર વળાંકવાળા અને લાંબા છે. નાસિકાગ્રથી શરૂ થઈ કાન તરફ લંબાયેલા છે. બંને કાન ખૂબ પ્રમાણસર છે. બંને સરખા શ્રવણ છે. તેમનો ઘાટ ખૂબ જ સુંદર છે. કાન ઉપરથી સુંદર ગોળાકાર છે અને નીચે સાંકડા થાય છે. એટલે કાનની બૂટ સુંદર ઘાટવાળી નમણી છે. નાસિકા અણિયાળી સુંદર ઘાટવાળી છે. મહારાજના હોઠ પાતળા છે અને તે મુખારવિંદને અત્યંત શોભાવે છે. મહારાજની મૂર્તિને મૂછો નથી, તેમ જ બીજા વાળ કે રોમ નથી. કારણ કે આ મૂર્તિ ચૈતન્યની દિવ્ય મૂર્તિ છે. હાડકા-ચામડાની કે લોહી-માંસની મૂર્તિ નથી. અમાયિક છે. માટે મૂર્તિના બધા જ અંગો ચૈતન્ય પ્રકૃતિના દિવ્ય છે. મહારાજના જેવો કોઈનો ચૈતન્ય નથી."
મામાના ચહેરા પર એ વખતે પણ તેઓ સુખ ભોગવતા આનંદ અનુભવી રહ્યાના ભાવ સ્પષ્ટ જણાઈ આવતા હતા. તેમનું મુખ મંદ-મંદ હાસ્ય રેલાવતું હતું અને ભક્ત તે...મ...ને તો જે અનુભવ હતો તે તેઓ માણતા હતા. મામાએ ધામની વ્યતિરેક મૂર્તિનું વર્ણન આગળ ચાલુ રાખ્યું. ઘરના સર્વ સભ્યો એ વર્ણન ફક્ત સાંભળી રહ્યા હતા. ભક્તના અનુભવને કોઈ કળી શક્યું નહિ.
મામા કહે, "મહારાજના ખભા વિશાળ થોડા ઢળતા છે અને ખૂબ સપ્રમાણ છે. વક્ષ પણ વિશાળ છે. બંને સ્તન બહુ સુંદર ઘાટવાળા છે. હાથ સુંદર લાંબા છે. હાથના આંગળા પ્રમાણમાં લાંબા, પાતળા, સુંદર અને કોમળ છે. નખ પણ ઉપડતા તેજસ્વી છે. મહારાજની કમર પાતળી છે. ઉદર બહુ મોટું નથી. સુંદર સપ્રમાણ ઘાટવાળું છે. છાતીના મધ્યમાં ઊર્ધ્વપુંડ્ર તિલક જેવું સુંદર ચિન્હ જણાય છે. બંને સાથળ સરખા સપ્રમાણ છે. પીંડીઓ પણ સરખી સપ્રમાણ છે. બંને ચરણારવિંદો સુંદર ઘાટવાળા અતિ કોમળ છે. મહારાજની મૂર્તિમાંથી બ્રહ્મ જે પ્રકાશ નીકળે છે તેને લીધે બીજા ચિહ્ન બહુ નથી જણાતા, પરંતુ ક્યારેક-ક્યારેક જે જગ્યાએ તલ કે ચિહ્ન હોય તેમાંથી અત્યંત પ્રકાશ નીકળે છે અને પાછો લીન થાય છે. તે સમગ્ર મૂર્તિમાંથી પ્રકાશના બીંબ છૂટતા હોય તેવું મુક્તોને જણાય છે. જો કે પ્રકાશ છે તે હાલે ચાલે તેવો નથી નહિ તો વધારે-ઓછો થાય. એ અમર્યાદિત પૂર્ણ છે. શ્વેત, શીતળ અને શાંત છે. એ તેજની ઉપમા આપી શકાય તેમ જ નથી. એ શ્વેત એવું છે કે, બીજા કોઈ પણ શ્વેત પદાર્થને તેની સાથે સરખાવી શકાય જ નહિ. આ તેજને જ બ્રહ્મ, અક્ષરધામ-ચિદાકાશ વગેરે પર્યાયોથી સંબોધ્યું છે. આ પ્રકાશ તે પ્રભુનું અન્વય સ્વરૂપ. જેમાંથી અનંત બ્રહ્માંડોમાં અણુએ અણુનું નિયમન થાય છે. આ દિવ્ય પ્રકાશ મુક્તોને અતિ સુખરૂપ છે તે મૂર્તિમાંથી નીત-નવીન સુખ પ્રગટ થયા જ કરે છે તેને અનાદિમુક્તો મૂર્તિમાં રસબસભાવે લીન રહી સુખ ભોગવ્યા જ કરે છે, પરંતુ ક્યારેય પાર પામતા નથી.
મહારાજની મૂર્તિ દિવ્ય સિંહાસનમાં છે. એનો અર્થ એમ નથી કે કોઈક સિંહાસન જેવું છે ને એમાં મહારાજ બેઠા છે એમ નથી, પરંતુ પ્રભુનો જે પ્રકાશ છે તે જ દિવ્ય સિંહાસનરૂપે શોભે છે. વસ્ત્રોરૂપે અને આભૂષણોરૂપે પ્રકાશે છે. અર્થાત્ મહાપ્રભુજીનું દિવ્ય સ્વરૂપ નિર્વસ્ત્ર છે. તેજરૂપી જ વસ્ત્રો અને અલંકારો છે. પરભાવમાં મહારાજની વ્યતિરેક મૂર્તિમાં અને તેના સાર્ધમ્યપણાને પામેલા મુક્તોમાં સ્ત્રી પુરુષને દર્શાવતા કોઈ અંગો નથી. ત્યાં ખાવું-પીવું દૈહિક ક્રિયાઓ વગેરે કોઈ ક્રિયાઓ પરભાવમાં નથી. પરભાવમાં માયાનો કોઈ જ ભાવ નથી. મહારાજ અને મુક્તો દિવ્ય ચૈતન્યમય સ્વરૂપો છે. કાળ-કર્મ અને માયાથી પર છે. નિર્ગુણ એટલે રજ-તમ-સત્ત્વગુણોથી પર છે. સ્થૂળ-સૂક્ષ્મ-કારણ અને મહાકારણથી પર છે. જેને મહારાજના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે ત્યારે અનાદિમુક્તની સ્થિતિવાળાને મૂર્તિમાં પ્રવેશ થાય છે. અને તે મૂર્તિમાં રસ-બસ નખથી શિખા પર્યંત લીન રહે છે. તેમ છતાં એ કિશોરવયની સુંદર મૂર્તિ અનંત મહાસાગર જેવી વિશાળ-અનંત-અગાધ જણાય છે. અને તે મૂર્તિમાં અનંત અનાદિમુક્તો રસ-બસભાવે સુખ લે છે. મુક્તોને એ સુખમાં કંટાળો નથી આવતો (Monotony) એકસૂરતા નથી. દરેક પળે વિવિધ પ્રકારનું સુખ મૂર્તિમાંથી નીકળ્યા જ કરે છે અને મુક્તો સુખ લીધા જ કરે છે. તે સુખભોક્તાપણામાં ક્યારેય તૃપ્ત નથી થવાતું. ક્યારેય (Saturation Period) નથી આવતો. અનંત કાળ સુધી અનંત સુખમાં મુક્તો કિલ્લોલ કરે છે. અનંત કલ્પ સુધી મૂર્તિનું સુખ ભોગવવા છતાં પણ એ સ્વરૂપ કેવું છે તેમ બરોબર કળી શકાતું નથી. આવું અત્યંત સુંદર, સુખરૂપ મહારાજનું વ્યતિરેક સ્વરૂપ છે."
મામાએ બોલવાનું પૂરું કર્યું ને આંખો ઉઘાડી. મહારાજના વ્યતિરેક સ્વરૂપના આવા સુંદર વર્ણનથી બધા મૂર્તિમંત થઈ ગયા હતા. ભક્તની પીડા તો ક્યારની શાંત થઈ ગઈ હતી. આટલા વખતનો તેમનો ધ્યાનનો અભ્યાસ આજે સફળ થયો હતો. મામા મૂર્તિનું વર્ણન કરતા હતા તે દરમ્યાન મામાના પ્રતાપે ભક્તને તેમની ધ્યાનની મૂર્તિના તેજોમય દર્શન થયા. આવા દર્શન થતાં તેઓ અત્યંત રાજી થઈ ગયા. ભાવ-વિભોર થઈ પગમાં પડી ગયા. ગદગદ કંઠે મામાને પ્રાર્થના કરી, "આજે તો આપે બહુ દયા કરી મને ન્યાલ કરી દીધો. મારા પર અગણિત ઉપકાર કર્યો છે. આપે આજે જે સુખનો અનુભવ કરાવ્યો છે એ અવર્ણનીય છે. મારી સાધનાનું સાફલ્ય આજે આપે આપી દીધું." મામાએ ભક્તને એ વિશે વધુ બોલતાં અટકાવી કહ્યું, "એ વિશે બહાર બધાને બહુ વાતો કરવી નહિ. અંદર અંતરમાં એ સુખનો અનુભવ કરી સુખ ભોગવજો." ભક્ત કહે, "સારું, પરંતુ અંતકાળે આવી રીતે દયા કરી ધામમાં તેડી જજો." મામાએ સંમતિ આપી. પછી બધાને આશીર્વાદ આપી અને વિદાય થયા. ભક્ત વિચારવા લાગ્યા ઓ...હો! મારી ધ્યાનની મૂર્તિ આવી તેજોમય પ્રકાશિત છે તો ધામની વ્યતિરેક મૂર્તિ તો અવર્ણનીય હોય જ. આજે મામાએ મારા પર બહુ જ દયા લાવી કૃપા વરસાવી. તેઓએ દયા ન કરી હોત તો મને આવા અલૌકિક દર્શન કોણ કરાવત? કહે છે ને કે આધ્યાત્મિક માર્ગમાં એ જ મદદ કરી શકે જે અનુભવી હોય. મામા આજે ભક્ત માટે ભોમિયા બની આવ્યા હતા અને ભક્તની પાત્રતા પ્રમાણેનું સુખ આપી આગળનો માર્ગ બતાવી ગયા હતા. ભક્તને મામાનો મહિમા હતો તેનાથી અનેક ગણો વધી ગયો.
અનાદિમુક્તમાં એ સામર્થ્ય છે કે પોતે જે સુખ અખંડ ભોગવે છે તેનો અનુભવ બીજાને કરાવે, પરંતુ જીવ પાત્ર ન હોવાથી તે આપતા નથી. બાકી અનાદિમુક્તનું પૃથ્વી પર આગમન જ બીજા જીવોને એ સુખ પમાડવા સહાય કરવા માટે હોય છે. આથી જે જીવની જેવી અને જેટલી પાત્રતા તેને તેવું અને તેટલું સુખ આપે છે. પાત્રતા વગર આપે તો જીવથી જીરવાય નહિ. અનાદિમુક્ત શું ન કરી શકે? તેઓ તો મહારાજનું સુખ પીરસવા જ દ્રષ્ટિગોચર થયા હોય, પણ આપણે જીવો આ લોકનું માંગી અને તે મળતા રાજી થઈ મુક્ત મહાન છે તેમ કહીએ છીએ, પરંતુ મુક્તની ખરી મહાનતા તેમનું સામર્થ્ય તો ભગવાનની મૂર્તિનું સુખ આપવામાં છે. આપણે બધા જ્યારે એ સુખ પામવા માટેના પ્રયત્નોમાં ખરા અર્થમાં સક્રિય થઈશું ત્યારે મામાના ખરા શિષ્યો કહેવાઈશું.