પ્રસંગ : ૩૮

સંપ્રદાયમાં બંને ગાદી સ્થાનમાં મામાને મોટેભાગે બધા ઓળખે. મામા મોટા મુક્ત છે અને મહારાજને જેમ છે તેમ ઓળખે છે. અને મહારાજનું અખંડ સુખ ભોગવે છે તેવું મોટાભાગના જાણે. અમદાવાદ ગાદી સ્થાનમાંથી સ્વામિનારાયણ નામનું સામાયિક બહાર પડે છે. તેમાં એક વખત સર્વોપરી ઉપાસના પર લેખ લખવાનો વિચાર થયો. પ.પૂ.ધ.ધૂ. આચાર્યશ્રી તથા કમિટી મેમ્બરની મીટિંગ બોલાવાઈ અને ચર્ચા થઈ કે આ વિશે સારામાં સારો લેખ કોણ લખી શકે? વિચાર કરતાં સર્વાનુમતે એવું નક્કી થયું કે અનાદિમુક્ત નારાયણભાઈ સિવાય ઉપાસના વિશે કોઈ સારામાં સારો લેખ લખી નહિ શકે. આથી બધાએ મામાને વિનંતી કરી. મામાએ વિનંતી સ્વીકારી અને 'સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને વિશ્વધર્મ' એ શીર્ષક હેઠળ સુંદર લેખ લખી આપ્યો. જે તેઓએ વિશેષાંકમાં છાપ્યો. પૂર્ણ મુક્ત જ્યારે કાંઈ લખે, ત્યારે તે પરફેક્ટ જ હોય. દરેક વાક્ય અને દરેક શબ્દ યથાસ્થાને મૂકાયેલો હોય. કોઈ પણ એક વાક્ય કે શબ્દ વિશે વિચારીએ તો ખ્યાલ આવે કે અહીં તેમણે વાપરેલો શબ્દ જ યોગ્ય છે. તેના સિવાય બીજો શબ્દ હોઈ જ ન શકે! આવું મામા દ્વારા લિખિત બીજા પુસ્તકોમાં પણ જણાશે. એ લેખ વાંચી પૂ. આચાર્ય મહારાજશ્રી પણ ઘણા રાજી થયા હતા. એ લેખ લખાયા બાદ બંને દેશોમાં ઉપાસના શુદ્ધિ થઈ અને હરિભક્તો મહારાજને સર્વોપરી સમજતા થયા.

આ લેખ અત્યંત સુંદર અને સર્વેને ઉપયોગી થાય તેમ હોવાથી શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા 'સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને વિશ્વધર્મ'એ શીર્ષક હેઠળ જ તેને પુસ્તિકારૂપે બહાર પડાયું, જેથી અનેક લોકો તેનો લાભ લઈ શકે.

કેવળ કૃપા કરી જીવોના ઊર્ધ્વીકરણ અને કલ્યાણ માટે જ જેમનું પૃથ્વી પર આગમન હોય તેઓ જીવોના કલ્યાણ અર્થે કાંઈ લખે તે જીવોને અસર કરે જ.તેમનો સંકલ્પ કાર્ય કરે જ. ઉપાસના વિશે અનાદિમુક્ત દ્વારા લખાયેલા લેખથી ઉપાસના શુદ્ધ થઈને ફેલાય જ તે સહજ છે.