પ્રસંગ : ૮

મામા જેવા પૂર્ણ સ્થિતિને પામેલા મુક્ત પુરુષનું વ્યક્તિત્વ એવું તો પ્રભાવશાળી હતું કે જીવોને તેમના પ્રભાવ હેઠળ આવવા એક વખતની મુલાકાત જ પૂરતી થઈ પડે.

સેવકના એક સંબંધી હઠયોગી હતા. તેમણે હઠયોગ સિદ્ધ કરેલો. એ સિદ્ધિને કારણે તેઓ બીજા જીવોના ભૂતકાળ તેમજ વર્તમાનકાળ વિશે જાણકારી મેળવી શકતા અને કેટલેક અંશે ભવિષ્યકાળની માહિતી પણ કહી શકતા. આવી સિદ્ધિ હસ્તગત હોવાથી ઘણા લોકો તેમને માનતા. ઘણી વખત સેવક તેમને મુક્તરાજના મહિમાની વાતો કરે, પરંતુ તેમને મનમાં એ વાતની બહુ ખાતરી ન થાય. તેઓ એવું વિચારતા કે, દરેકને પોતાના ગુરુ સમર્થ જ લાગતા હોય છે. સમાજમાં કેટલાય લોકો ગુરુ થઈને ફરે છે, પરંતુ મોટા ભાગનાની વાણી-વર્તનના પણ ઠેકાણા હોતા નથી. મને આવા લોકો પ્રત્યે ભાવ ન થઈ શકે. સેવકને તો આવું કહી ન શકે. મનમાં વિચાર્યા કરે. સેવક તેમને સમજાવે કે, તેઓ અનાદિમુક્ત છે, પૂર્ણ સ્થિતિને પામેલા છે, સાધના કરવામાં હવે તેમને કાંઈ બાકી રહ્યું નથી. અનાદિમુક્તની સ્થિતિ સમજવાની તેમની ગતિ ન હતી, છતાંય જ્યારે તેમણે મામાના દર્શન કર્યા, ત્યારે મામાના વાણી-વર્તન અને તેમના વ્યક્તિત્વથી તેઓ ઘણા પ્રભાવિત થયા. અને મામાને નીચે નમીને વંદન કર્યા. પોતાને કોઈના આશીર્વાદની આવશ્યકતા નથી એવું તેઓ માનતા. તેમને એમ હતું કે સાચા ગુરુ અત્યારે હોતા નથી આથી તેઓ કોઈ પાસે આશીર્વાદ માંગતા નહિ, પણ મામા પાસે તેમણે નમન કરી આશીર્વાદ માંગ્યા જેથી તેમની આધ્યાત્મિક પ્રગતિ થાય. પ્રગતિના પંથે તેમને મૂંઝવતા અમુક પ્રશ્નો વિશે તેમણે મામા પાસેથી માર્ગદર્શન મેળવ્યું. એ વિશે સંતોષકારક સમાધાન પ્રાપ્ત થતાં તેમને લાગ્યું કે, જે પૂર્ણ મુક્ત હોય તેમની પાસે જ આવા સચોટ ઉત્તર હોય બીજા કોઈથી ઉત્તર આપવા શક્ય નથી. પ્રશ્નોનું સમાધાન મળતાં તેઓ રાજી થઈ મામાની રજા લઈને ગયા. રૂમની બહાર નીકળી તેમણે સેવકને કહ્યું, "તારી વાત સંપૂર્ણ સત્ય છે. તારા ગુરુજી બહુ જ મોટા સિદ્ધપુરુષ છે. તેઓ બહુ ઉચ્ચ કક્ષાએ પહોંચેલા છે. આવા પ્રભાવશાળી અને તેજસ્વી પુરુષ મેં ક્યારેય જોયા નથી. મનમાં મામાનો મહિમા જાણી તેઓ વિદાય થયા.

અનાદિમુક્તના વાણી-વર્તનની એકતા, તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ, આધ્યાત્મિક જ્ઞાન સરળ અને સચોટ રીતે સમજાવવાની તેમની કળા એવી જબરદસ્ત હોય છે કે કોઈ પણ વ્યક્તિ તેમના વ્યક્તિત્વથી અંજાયા વગર રહી શકે નહિ.