પ્રસંગ : ૧૭

પોતાની રૂમમાં મામા શાલ ઓઢીને સૂતા હતા. મામાને ઘણો તાવ હતો. એક સેવક બાજુમાં બેઠો હતો. થોડીવારે એક હરિભક્ત ગાડી લઈને આવ્યા. રૂમમાં આવતા મામાને શાલ ઓઢી સૂતેલા જોઈ અચરજ પામતાં પૂછ્યું "શું થયું અચાનક? હજી સવારે તો કાંઈ ન હતું." મામા કહે, "મને એકદમ તાવ ચડ્યો છે. મારાથી આવી શકાશે નહિ. તમે જઈ આવો." હરિભક્ત દિલગીર થઈ ગયા. કહે, "મામા, તેઓ બહુ સારી કથા કરે છે. હું આપને માટે આગળ સારી બેસવાની વ્યવસ્થા કરીને આવ્યો હતો." મામા કહે, "બધું બરાબર, પરંતુ આવા તાવમાં મારાથી કઈ રીતે નીકળી શકાય? તમે ખુશીથી જઈ આવો." હરિભક્ત ખિન્ન મને ત્યાંથી વિદાય થયા. મામા સેવક સાથે આધ્યાત્મિક વાતો કરવા લાગ્યા. ઓઢેલી શાલ પણ કાઢી નાખી. મામા વાતો કરતા થાકી જશે, તેમને આરામની જરૂર છે તેમ વિચારી સેવકે મામાને આરામ કરવા કહ્યું. મામા કહે, "જો મને ક્યાં તાવ છે?" સેવકે મામાના શરીરને અડી ખાતરી કરી તેણે આશ્ચર્ય સાથે પૂછ્યું, "આ શું! હજી થોડીવાર પહેલાં આપને પાંચથી છ ડિગ્રી જેટલો તાવ હતો. શરીર આખું તાવથી ધગતું હતું અને અત્યારે એટલી જ વારમાં કોઈ પણ જાતની દવા વગર તાવ ઉતરી ગયો!!"

મામા હાસ્ય વરસાવતા બોલ્યા, "એ તાવ તો મારી મરજીથી આવ્યો હતો. મેં તેને સ્વેચ્છાએ ગ્રહણ કર્યો હતો અને આદેશ આપ્યો, જતો રહે એટલો જતો રહ્યો. બધા રોગો મૂર્તિમાન હોય છે અને તેમણે મહારાજ અને મહારાજના મુક્તના કહ્યામાં રહેવું પડે છે." સેવક અવાચક થઈ સાંભળતો રહ્યો. મામા કહે, "આજે પેલા હરિભક્ત મને ભાગવતની કથા સાંભળવા લઈ જવા માંગતા હતા. મેં ના પાડી છતાં અતિશય આગ્રહ કરવા લાગ્યા. સર્વોપરી ઉપાસનાવાળાને ભાગવત કથા શ્રવણનું શું પ્રયોજન? એટલે આ તાવ ગ્રહણ કર્યો હતો. તાવ હોય પછી આગ્રહ કરી શકે નહિ. હવે જુઓ મને ક્યાં તાવ છે?" સેવક તો મામાનું આવું સ્વતંત્રપણાનું સામર્થ્ય નિહાળી દિગ્મૂઢ થઈ ગયો. તેને આજે મામાના સામર્થ્યમાંના વધુ એક ગુણનું દર્શન થયું હતું, મામાના સ્વતંત્રપણાનું સામર્થ્ય.

અનાદિમુક્તની સ્થિતિને પામેલા મુક્ત સર્વશક્તિમાન હોય છે. અનાદિની સ્થિતિ એટલે પૂર્ણ સ્થિતિ. આધ્યાત્મિકતામાં છેલ્લું પગથિયું. એના પછી પ્રાપ્ત કરવાનું કાંઈ શેષ રહેતું નથી. આવી સ્થિતિને વરેલા મુક્ત માટે અશક્ય જેવું કાંઈ જ હોતું નથી. દરેકે દરેક વસ્તુ કે સ્થિતિ હસ્તામળ. પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે આ લોકની રીતિ પ્રમાણે રહે, સામર્થ્ય ઢાંકીને વર્તે, સમર્થ થકા ઝરણા કરે, છતાંય પ્રસંગોપાત્ પ્રભુની ઇચ્છાથી પોતાનું સામર્થ્ય દાખવે પણ ખરા.