પ્રસંગ : ૩૧
સર્વમંગલ સોસાયટીની નજીક જ એક વયોવૃદ્ધ હરિભક્ત રહે. મામાનો તેમને અતિશય મહિમા. તેમને મનમાં એવી દ્રઢ શ્રદ્ધા કે મામા દ્વારા શ્રીજીમહારાજ બધું કરે છે. તેમની સેવા તે મહારાજની સેવા બરાબર જ છે. તેમને કીર્તન ભક્તિનું અંગ સારું. કેટલાય કીર્તનો તેમણે કંઠસ્થ કર્યાં હતાં. તેઓ માનતા કે કીર્તન ભક્તિથી મહારાજ રાજી થાય છે. તેઓ દિવસમાં એક વખત ફરવા નીકળતા. સવારે અથવા સાંજે. પણ જ્યારે ફરવા નીકળે, ત્યારે મામાના દર્શને અચૂક આવે. દર્શન કરી મામાને એક કીર્તન અવશ્ય સંભળાવે. કીર્તન સંભળાવ્યા પછી જ મામાની રજા લઈ પાછા જાય. ઘણી વખત મામા અગત્યના કામ કરતા હોય કે બહાર જવાનું હોય એવે સમયે આવી ચડે. ત્યારે સેવકોને તેમના પ્રત્યે થોડો અણગમો થાય કે, હવે સમય બગડશે. કામની અગત્યતાને લીધે સેવકો કહે કે, "દાદા, કીર્તન કાલે સંભળાવજો. આજે મામાને કામ છે." ત્યારે તેઓ જરા ઉદાસ ભાવે મામા સામે જુએ ને મામા તરત કહે, "ના...ના તમે બેસો કામ તો થયા કરશે. પછી કરીશું." એમ કહી પ્રેમે સહિત આદર આપી તેમને બેસારે અને કીર્તન સંભળાવવા કહે. આથી તેઓ બહુ રાજી થાય. સેવકોને કહે, "ભાઈને તો કોઈ વાંધો નથી. તેમને વાંધો હોત તો હું ચોક્કસ ચાલ્યો જાત, પરંતુ તેમને તો કોઈ વાંધો દેખાતો નથી. આથી હું કીર્તન સંભળાવ્યા પછી જ જઈશ." આમ કહી ભગવાન સંભારી એક કીર્તન તેઓ ગાય અને મામા શાંતિથી ધીરજપૂર્વક તેમનું કીર્તન સાંભળી તેમને પૂર્ણ સંતોષ પમાડીને રજા આપે. આ ક્રમ ઘણો લાંબો સમય સુધી ચાલ્યો હતો, છતાંય મામા તેમને ક્યારેય નિરાશ કરતા નહિ. ગમે તેવું અગત્યનું કામ કેમ ન હોય હરિભક્ત આવે એટલે તેમને સમય આપી તેમનું કીર્તન અચૂક સાંભળતા. ઘણી વખત સેવકો મામાને કહેતા, "મામા, અત્યારે કામ છે તો તેમને કાલે આવવાનું કહો તો ન ચાલે? આપના દર્શન તો તેમણે કરી લીધા છે." મામા સેવકોને સમજાવતાં કહે, "હું આ બધા જે કંઈ પણ કાર્યો કરું છું કે ક્યાંય જાઉં છું તે બધું જીવોના કલ્યાણ માટે જ કરું છું ને! મારા કીર્તન સાંભળવાથી એ જીવનું ઘણું રૂડું થાય તેમ છે. તેમને એવો દ્રઢ વિશ્વાસ છે કે, મુક્ત દ્વારા મહારાજ કાર્ય કરે છે. હું ભાઈને જે કીર્તન સંભળાવું છું તે તેમનામાં રહીને મહારાજ સાંભળે છે. મહારાજને કીર્તન ભક્તિ ગમે છે આથી મારું કીર્તન સાંભળી તેઓ મારા પર પ્રસન્નતા જણાવશે. આવો સુંદર તેમનો ભાવ છે. હવે જ્યારે મહારાજને સંભળાવવાના ભાવ સાથે તેઓ આવતા હોય, ત્યારે ના કઈ રીતે પડાય? અને ભગવાન તો ભાવ જ જુએ છે. કોણ કેવા ભાવ સાથે મારી ભક્તિ કરે છે. મંદિરમાં અનેક જાતના સંકલ્પ-વિકલ્પ સાથે દર્શન કરવા કરતાં મહારાજના દર્શન કરું છું અને મહારાજને કીર્તન સંભળાવું છું, તેવો ભાવ વધુ સારો કે નહિ? તેઓનો ભાવ ઊંચો છે ને ભગવાનમાં વૃત્તિ રાખી ભાવ સહિત કીર્તન ગાય છે, આથી હું તેમનું કીર્તન સાંભળું છું. અહીં આવી ગાવાથી તેમને મનમાં શ્રદ્ધા બેસે છે કે મારું કીર્તન મહારાજે સાંભળ્યું છે અને તેઓ મારા પર પ્રસન્નતા વરસાવશે. તેવો ભાવ ખોટો પણ નથી. અહીં પ્રતિમા સ્વરૂપમાં શ્રીજીમહારાજ સાક્ષાત્ બિરાજે છે. મુક્ત દ્વારા મહારાજ કાર્ય કરે છે તે સત્ય હકીકત છે. માટે જ સમય ફાળવીને પણ તેમનું કીર્તન સાંભળું છું. તેમને જેવો કીર્તન સંભળાવવાનો ભાવ છે તેવો ભાવ તમારે બધાએ દરેક કાર્ય માટે કેળવવાનો છે કે આ કાર્ય મહારાજનું સોંપેલું છે ને તેમની પ્રસન્નતા માટે મારે કરવાનું છે. પછી જુઓ જીવનમાં કેવો આનંદ ભરાઈ જાય છે."
મામાના આવા વચનો સાંભળી સેવકોના મનમાં હરિભક્ત પ્રત્યે ભાવ થયો અને મામાનો વિશેષ મહિમા સમજાયો.