પ્રસંગ : ૩૩
વૃષપુર બળદિયા છત્રી સ્થાનમાં સમૈયો હતો. હજારો હરિભક્તો સમૈયાનો લાભ લેવા ઉમટ્યા હતા. આખું છત્રી સ્થાન લોક સમૂહથી ઊભરાતું હતું. મંદિરમાં ને ઉતારામાં જ્યાં જુઓ ત્યાં હરિભક્તોની ભીડ દેખાય. સમૈયામાં મુક્તરાજ મામા અને માસી પણ આવ્યા હોવાથી લોકોમાં અનેરો આનંદ જોવા મળતો હતો. સભામંડપમાં ભાઈઓની સભા થઈ હતી. અને બહેનો મંદિરમાં દર્શન કરતાં હતાં. પૂજ્ય લીલામાસી પણ મંદિરમાં જ હતાં અને અચાનક હનુમાનજી પાસે એક બહેન ધૂણવા મંડ્યાં અને જમીન પર હાથ પછાડે અને મોટે-મોટેથી બૂમો પાડે. માસીએ ત્યાં જઈ તેની ઉપર પાણી છાંટ્યું ને કહ્યું રાડો ન પાડો ભગવાનનું નામ લો. માસીના વચનો સાંભળી બહેન રાડો પાડતા બંધ થઈ ગયાં. શાંત થઈ બેસી ગયાં. માસી કહે, "આ શાંત બેઠી છે, પણ હજી ભૂત નીકળ્યું નથી." એ બહેનના સગા ત્યાં જ હતા. તેઓએ માસીને વાત કરી, "માસી એને ઘણા વખતથી વળગાડ છે. પોતે હેરાન થાય છે અને ઘરનાને હેરાન કરે છે. અહીં સમૈયામાં તેને એટલા માટે જ લઈ આવ્યા છીએ કે, મોટા મુક્તો અહીં પધાર્યા છે તો તેને આ દુઃખમાંથી છોડાવે. અહીં તમારા બધાની હાજરીમાં તેનું દુઃખ ન ટળે તો પછી ક્યાં ટળે? આપ અને મામા તેના પર દયા લાવી તેને વળગાડના કષ્ટમાંથી મુક્ત કરો એવી મારી પ્રાર્થના છે. અમે બધા ઘણા વખતથી હેરાન થઈએ છીએ." આ વાતો થતી હતી ને કોઈ પૂ. જાદવજીબાપાને બોલાવી લાવ્યું. બાપાને જોઈ બહેન પાછા રાડો પાડવા લાગ્યા. બાપાએ તેના પર પાણી છાંટ્યું તો વધારે રાડો પાડે અને જોરથી જમીન પર હાથ પછાડે. થોડીવાર બાપાએ પાણી છાંટ્યું, પણ બહેન પર ખાસ અસર થઈ હોય તેવું જણાયું નહિ. જાદવજીબાપા કહે, "નારાયણભાઈને બોલાવો." છોકરાઓ સભામંડપમાંથી મામાને બોલાવી લાવ્યા. હજી તો મામા સભામંડપમાંથી મંદિરના દરવાજા પાસે પહોંચ્યા ને બહેન બળુ છું - બળુ છુંની રાડો પાડતા ત્યાંથી ઊઠીને હૉલના ખૂણામાં નાસી ગયા. લીલામાસી ત્યાં જ ઊભા હતા. તેમની સાથે રહેલા બહેનને કહે, "બહેનને અહીં લઈ આવો. અહીં બેસે પછી તમારા મામા કાંઈ કરી શકે ને?" સાથે રહેલા બહેને તો ના પાડી દીધી. માસી હસ્યા કહે, "બીક લાગે છે? મને તો જરાય બીક ન લાગે, પણ જેને વળગાડ હોય તેનામાં જોર બહુ હોય. હું પકડવા જાઉં અને ધક્કો મારે તો હું પડી જાઉં બાકી હું તો લઈ આવું." માસી જેવા મુક્તને તો ક્યાંથી બીક લાગે? બે જણા થઈ માંડ-માંડ ખેંચીને તે બહેનને હનુમાનજી પાસે લાવી બેસાડ્યા. મામા ત્યાં આવ્યા. જાદવજીબાપા કહે, "ભાઈ, આ વળગાડ જૂન્નડ છે. આપ સિવાય બીજા કોઈથી નીકળે તેમ નથી. તમારે જ તેને આ કષ્ટમાંથી છોડાવવી પડશે." મહારાજ સંભારી મામાએ બહેન પર પાણી છાંટ્યું. બહેને થોડીવાર ખૂબ બૂમો પાડી. મામાએ તેને પૂછ્યું, "કોણ છે? તારે શું જોઈએ છીએ? આવા પવિત્ર સ્થાનમાં તું છે ભગવાનને પ્રાર્થના કર. તેઓ તારો મોક્ષ કરશે. આ યોનીમાંથી તું છૂટી જઈશ." એમ કહી ફરી પાણી છાંટ્યું. બહેન હવે એકદમ શાંત થઈ ગયાં. થોડીવાર પહેલાના બધા ધમપછાડા બંધ થઈ ગયા. જાણે એ બહેન હતા જ નહિ. જાણે તે આવું કરી જ ન શકે તેવું વ્યક્તિત્વ તેમનું બદલાઈ ગયું. સાથે આવેલા બહેનના સગા મામાને કહેવા લાગ્યા, "આ વખત બહેનનો ફેરો સફળ થયો. આપ અહીં પધાર્યા તેનો એને લાભ મળી ગયો. કેટલાય વખતથી અમે બહુ હેરાન થતા હતા. આપના પ્રતાપે આજે એ કષ્ટમાંથી છૂટી." આમ કહી વારંવાર મામાને પગે લાગ્યા. જેને વળગાડ હતો એ બહેન પણ મામાને પગે લાગ્યા. મામા કહે, "મને નહિ અહીં મહારાજ-બાપાની મૂર્તિ છે તેને પગે લાગો. તમારું દુઃખ તેમણે દૂર કર્યું છે. મહારાજ અને બાપાનો આશરો દ્રઢ રાખવો. એક અડગ નિશ્ચય રાખવો. મહારાજ સિવાય બીજા કોઈમાં શ્રદ્ધા અને નિષ્ઠા રાખવી નહિ. તો મહારાજ સદાય આપણી ભેળા જ છે."
આમ એક બહેન વળગાડના કષ્ટમાં કેટલાય વખતથી પીડાતા હતાં તેની પીડા મુક્તરાજે દૂર કરી. હાજર રહેલા અનેક લોકો તેના સાક્ષી બની રહ્યા.