પ્રસંગ : ૬

આ લોકમાં ગમે તેવી મહાન સિદ્ધિ હાંસલ કરી હોય, ગમે તેટલાં માન-મોટપ પ્રાપ્ત કર્યાં હોય, પોતાનો કોઈક ગુણ પછી ભલે તે ભગવાનના નામને લીધે વૃદ્ધિ પામ્યો હોય. આવું હોવા છતાં અંતઃશત્રુઓ ટળતા નથી. એ તો એવાને એવા જ કષ્ટદાયી બની રહે છે. એવા સમયે અનાદિમુક્તના આશીર્વાદ અને તેમની પ્રાર્થનાથી જ સાચો રસ્તો હાથ આવે છે અને અંતઃશત્રુઓ દૂર થાય છે.

એક સાધક હતા. તેઓ આધ્યાત્મિક પ્રવચન બહુ સારા કરે. તેમની વાણીનો એવો પ્રભાવ કે તેઓ જ્યારે પ્રવચન શરૂ કરે પછી તેમનું પ્રવચન છોડી કોઈ જઈ શકે નહિ. તેમની વાણી બધાને જકડી રાખતી. જન સમુદાય તેમના પ્રવચનથી ખૂબ પ્રભાવિત થતો. પ્રવચન કરવાની તેમની આગવી શૈલીથી સમાજમાં ખૂબ ખ્યાતનામ હતા. તેમને કીર્તિ-પ્રસિદ્ધિ પણ સારી એવી મળી હતી. એ માન-મોટપથી પોતે પણ વાકેફ હતા કે હું આવા સારા પ્રવચનો કરું છું તેના લીધે જ મને આટ-આટલું માન મળે છે.

એક વખત તેઓ મામાના દર્શને આવ્યા. એ વખતે મામાની રૂમમાં એક સેવક જ હાજર હોવાથી તેમણે મામાને પ્રાર્થનાના સ્વરૂપમાં પોતાની મૂંઝવણ રજૂ કરી કહે, "ભાઈ, હું પ્રવચનો સારા કરું છું. મારું પ્રવચન સાંભળવા બેઠા પછી ત્યાંથી કોઈ ખસી શકે નહિ એવું પ્રવચન કરવામાં મને સિદ્ધિ હાંસલ છે, છતાં કામાદિક અંતઃશત્રુઓ મને પીડે છે. એ દોષ દૂર થાય તેવા મને આપ આશીર્વાદ આપો. વરસના મોટા ભાગના દિવસો પ્રવચનો આપવામાં જ પસાર થાય છે. એટલે એ બધો સમય ભગવાનનું નામ જ લઉં છું છતાં આમ કેમ થતું હશે? સાધક જીવનમાં આવા દોષો રહે તે યોગ્ય ન કહેવાય. આપ આશીર્વાદ આપો તો એ દોષો પીડતા બંધ થાય."

સાધકની વાત સાંભળ્યા પછી મામાએ કહ્યું, "તમે પ્રવચનો ખરેખર બહુ જ સારા કરો છો તે વાત સાચી છે, પરંતુ એ પ્રવચનો ફક્ત પ્રભુપ્રસન્નતા માટે નથી થતાં. કીર્તિ-પ્રસિદ્ધિનો રાગ એમાં સમાયેલો હોય છે. એટલે પ્રવચનો દ્વારા ભગવાનનું જ નામ લેવાય છે એવી જે વાત કરો છો તે પ્રવચનો આપતી વખતે લોકો કેમ વધુ આકર્ષાય તેમના પર કેમ વધુ પ્રભાવ પડે એવા પ્રકારની વાતો તમારા મનમાં રમ્યા કરતી હોય છે નહિ કે પ્રભુ પ્રસન્નતા. જ્યાં સુધી કીર્તિ-પ્રસિદ્ધિ, સત્તા, અધિકાર વગેરેના રાગ મનમાં રહેલા છે, તે મળતા મન આનંદિત થાય છે, એવું રહ્યા કરે ત્યાં સુધી કામાદિ દોષો પીડવાના જ છે. એકાગ્રચિત્તે ભગવાનનું નામ સ્મરણ, તેમની સ્મૃતિ જ આવા દોષો બાળી શકે. તમારો બધો સમય પ્રવચનો કરવામાં અને લોકોને આકર્ષવામાં જતો રહે છે. પ્રભુભજન, ધ્યાન, માનસીપૂજા તેનું મનન-ચિંતન એવા પ્રભુપ્રસન્નતાના એકે સાધનો થતા નથી પછી દોષો કઈ રીતે બળે? દોષો બાળવા માટેનો પુરુષાર્થ કરો ત્યારે દોષો બળે ને? પ્રવચનો કરવાની સિદ્ધિ હાંસલ થવાથી દોષો ન બળે. પ્રભુપ્રસન્નતાના સાધન થવા જોઈએ ત્યારે ભગવાન રાજી થાય અને તેમની નજીક પહોંચાય."

તે સાધક મામાના પગમાં પડી ગયા. ગદગદ કંઠે મામાને પ્રાર્થના કરી. મામાએ રાજી થઈ તેમને આશીર્વાદ આપ્યા અને પ્રભુપ્રસન્નતાનો સાચો રાહ દર્શાવ્યો અને અંતઃશત્રુઓ દૂર કરવા માટેના કેટલાક સૂચનો પણ કર્યા. સાધક મામાનો આભાર વ્યક્ત કરી ત્યાંથી વિદાય થયા.

મનુષ્ય જીવનમાં જીવ સંસારમાં રહી જીવન વ્યતિત કરતો હોય કે પછી સાધક જીવન વિતાવતો હોય, પણ જો પ્રભુપ્રસન્નતાના સાધનો યોગ્ય રીતે ન થાય, સાચી દિશામાં ન થાય તો કોઈ પ્રાપ્તિ થતી નથી ને કાંઈ હાંસલ થતું નથી. ઠેરના ઠેર જેવી પરિસ્થિતિ સજાર્ય છે. આખો દિવસ કથા કરવી કે પુસ્તકો વાંચવા કે કીર્તનો ગાવાં કે વ્રત-ઉપવાસો કરવા એ બધું પ્રભુપ્રસન્નતા અર્થે થાય તો જ તેની યોગ્ય ફળશ્રુતિ પ્રાપ્ત થાય, બાકી લોકોની વાહ-વાહ માટે કરાતું ભજન કે કથા-પ્રવચનો કે વ્રત-ઉપવાસ વગેરે કાંઈ પણ તે લોકોની પ્રશંસા મળતાં તેની ફળશ્રુતિ મળી ગઈ. ભજન-કીર્તન-વ્રત-ઉપવાસ બધું પૂરું. પાછું નવેસરથી શરૂ કરવું પડે. અને પછી વિચારે કે કેટલા વ્રતો કરું છું, ભગવાન ભજું છું, પણ કેમ કોઈ પ્રાપ્તિ નથી થતી? કેમ કોઈ અનુભૂતિ નથી થતી? પણ લોકોની પ્રશંસાની ઇચ્છાથી કરેલી ભક્તિથી લોકોની વાહ-વાહની અનુભૂતિ તો થઈ ગઈ. જેવા આશયથી કાર્ય થાય તેવી પ્રાપ્તિ થાય.

મામા હંમેશાં દરેકને શીખવતા કે કોઈ પણ કાર્ય કરો તે પહેલાં મનમાં પ્રશ્ન પૂછવો કે આ કાર્ય મહારાજને ગમશે? જો જવાબ હા આવે તો તે કાર્ય કરવું અને ના આવે તો ન કરવું. દરેક કાર્ય ભગવાનનું સોંપેલું છે અને તેમની પ્રસન્નતા અર્થે કરવાનું છે તેમ માની કરવાથી કાર્યમાં ચોક્કસાઈ આવે અને કાર્ય જ ભક્તિ બની જાય. કાર્ય જ ભક્તિ બને એટલે ધીરે-ધીરે જીવનમાં મૂડી ભેગી થતી જાય અને પ્રભુપ્રસન્નતાના સાધનો એ મૂડીમાં વધારો કરતા જાય. એમ થતાં અંતઃશત્રુઓ પીડતા બંધ થાય અને ભગવાનની નજીક પહોંચવાની પાત્રતામાં વધારો થતો જાય.