પ્રસંગ : ૪૯
ભાવિક ભક્તોને કોઈ કષ્ટ પડે કે મુશ્કેલી આવે ત્યારે પૂર્ણમુક્ત દયા લાવી તેને દૂર કરી દે છે. એ માટે પોતે કષ્ટ સહન કરવું પડે તો કરે છે અને તેને ગણકારતા નથી. આપણે તો ક્યારેક કોઈકને જરાક મદદરૂપ થયા હોઈએ તો તેનો અહેસાસ મદદ લેનારને કરાવી દેતા હોઈએ છીએ. ભલે તેની પાસેથી એ વખતે કોઈ અપેક્ષા ન હોય, પણ હું મદદરૂપ થયો છું તેવી જાણ તો કરીએ જ છીએ. અને આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં તે પણ મને જરૂર પડે મદદરૂપ થશે. જ્યારે અનાદિમુક્તને જીવો પાસેથી કાંઈ લેવાનું હોતું નથી. તેઓ તો સદાય આપતા જ રહે છે. કૃપાદ્રષ્ટિ વરસાવતા જ રહે છે. અને ઘણી વખત જીવોને તેની જાણ પણ થવા દેતા નથી. આવા અનેક ગુણોને લઈને તેઓ અનાદિમુક્તની પંક્તિમાં સ્થાન પામ્યા હોય છે. નિઃસ્વાર્થતા તો ખરી જ, પરંતુ મદદરૂપ થવા પોતે કષ્ટ વેઠવા પણ તૈયાર. એ કેવડી મહાનતા!
એક વખત એક ભાવિક હરિભક્ત મામાને મળવા આવ્યા. મામા પાસે થોડીવાર બેઠા અને કોઈ સેવા હોય તો બતાવવા મામાને કહ્યું. મામા કહે, "કામ તો છે, પણ તમે જમીને બપોરે એક વાગે તમારું સ્કૂટર લઈને આવજો. આપણે પુસ્તકો ખરીદવા જવાનું છે. મોડું નહિ કરતા." આવું સાંભળતાં ત્યાં ઊભેલા સેવકે કહ્યું, "મામા, સામે સેવકની ગાડી ઊભી જ છે. તમે તેમાં જજો અત્યારે મે મહિનામાં બપોરે સ્કૂટર પર બહુ તડકો લાગશે ને ગરમી ઘણી થશે." મામા કહે, "તેનો કાંઈ વાંધો નહિ. ભલે ગરમી લાગે. આજે તેમની સાથે જ જવું છે." સેવક કહે, "દયાળુ! આપ ભલે તેમની સાથે જ જજો પણ ગાડીમાં જેથી તડકો ઓછો લાગે." મામા કહે, "ના, તેમના સ્કૂટર પર જ જવું છે." આવો આગ્રહ સેવકને સમજાયો નહિ. આ વિશે મામાને પૂછતાં મામાએ જણાવ્યું, "એમાં તને સમજ ન પડે. હું જે કરું છું તે બરાબર કરું છું. મારે કેમ કરવું તે મને ન ખબર હોય?" સેવક કહે, "મામા, આપને તો બધી ખબર જ હોય આપ બરાબર જ કરતા હો." મામા કહે, "બસ ત્યારે. તેમને વ્યાવહારિક મુશ્કેલીઓ છે. અત્યારે મને પુસ્તકો લેવા લઈ જશે એટલી અલ્પ સેવાથી પણ તેમની એ મુશ્કેલી દૂર થઈ જશે. મુક્તની સેવામાં મહારાજની સેવા આવી જાય છે. આટલી અમથી સેવાથી મહારાજ તેમની તકલીફ દૂર કરશે." સેવક સાંભળી રહ્યો કહે, "મામા, મને આવી ખબર નહિ. મને તો એમ કે, આવા તડકામાં તમે સ્કૂટર પર એટલે દૂર સુધી જશો તો લૂ લાગી જશે, તેથી હું ગાડી લઈ જવાનું કહેતો હતો. આવા રહસ્યની તો મને કઈ રીતે ખબર પડે? પણ તેમની તકલીફ દૂર કરવા આપ તકલીફ ઉઠાવશો?" મામા કહે, "આ તો કાંઈ નથી. ભક્તોની તકલીફ દૂર કરવા મહારાજ પોતે કષ્ટ વેઠતા તો આપણે શું? આ અલ્પ સેવાથી તેનું સારું થશે." સેવક કહે, "આ વાતની તેમને જાણ છે?" મામા કહે, "જાણ નથી અને જાણ કરવી પણ નથી. એવું જણાવવાની આવશ્યકતા નથી. સેવા થશે એટલે આપોઆપ તકલીફ દૂર થઈ જશે."
હરિભક્ત સમયસર આવી ગયા ને મામા તેમની સાથે ભર ઉનાળામાં સ્કૂટર પર બેસીને ગયા. હરિભક્તને જાણ પણ ન થઈ કે આ એક અલ્પ સેવામાં પોતાની મોટી તકલીફ દૂર થઈ જવાની છે. સેવક આવી કરુણા નિહાળી મામાને વંદી રહ્યો. ત્યાર બાદ તે હરિભક્તની તકલીફ દૂર થઈ ગયેલી.