પ્રસંગ : ૩૬
મુક્તરાજ મામા વલ્લભવિદ્યાનગર પધાર્યા છે. સેવકો ખાલી પ્લોટ્સ મામાને બતાવે છે. મામા જ્યાં પધાર્યા છે, ત્યાં ઘણી ખાલી જમીન છે. અને એ ખાલી જમીનના પ્લોટ્સમાં મામા વારાફરતી ફરી રહ્યા છે. જમીનને બરોબર જુએ છે. કેવડી જમીન છે? રોડ કઈ દિશામાં છે? વગેરે વિશે સેવકો સાથે ચર્ચા કરે છે. જમીન જોવાનો આશય મામાનો વિચાર વિદ્યાનગરમાં સંસ્થાનું કેન્દ્ર સ્થાપવાનો છે. અને એ વિચારના અમલીકરણ માટે જમીનો જુએ છે. કેટલાય પ્લોટ્સમાં આંટા મારે છે. કોઈ પ્લોટમાં જઈને થોડીવાર બેસે છે, મહારાજ સંભારે છે, ધૂન બોલે છે. ફરી બીજો પ્લોટ જોવા જાય છે. આમ ઘણા પ્લોટ્સ મામાએ જોયા. તેમાંથી કોઈક પ્લોટ પસંદ પણ પડે છે, પરંતુ પાછું બધું મુલતવી રહે છે. જો કે પછી વિદ્યાનગરમાં સંસ્થાનું કેન્દ્ર કરવાનો વિચાર બંધ રહ્યો. અત્યારે એ પ્લોટ્સમાંના ઘણામાં મકાનો થઈ ગયા છે અને એ મકાનોમાં જે રહે છે તેઓ બધા સુખી અને સમૃદ્ધિવાન છે. ત્યાં રહેનારાઓને તો જાણ પણ નહિ હોય કે આ જમીન પર અનાદિમુક્તના પાવન ચરણો પડ્યા છે. તેઓએ આવી શુભ સંકલ્પ કર્યા છે. જેને કારણે આપણે સુખી સમૃદ્ધિવાન છીએ. ત્યાં જઈને પૂછવાથી કેટલાક લોકો કહે પણ છે કે આ જગ્યામાં ખૂબ જ શાંતિ લાગે છે.
અનાદિમુક્ત પોતે જે જમીન પર ફર્યા હોય જે જમીન પર પોતાના પાવન પગલાં પાડ્યાં હોય તે જમીનના ભાગ્યની તો શું વાત કહેવી? જ્યાં અનાદિમુક્તના પગલાં પડે તે જમીન શુદ્ધ, પવિત્ર બને તેમાં શું કહેવું? પછી તે જમીનના શુદ્ધિકરણ માટે કોઈ પણ પ્રકારના હોમ-હવન કે વાસ્તુ કરાવવાની આવશ્યકતા રહેતી નથી. તેમાં રહેનારા સુખી, સમૃદ્ધિવાન થાય જ તે નિઃસંશય વાત છે. એવું સાંભળવામાં આવ્યું છે કે સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી ઘણાના મુહૂર્ત કાળીચૌદશને દિવસે પણ કરતા, છતાં પણ તેમનો ધંધો કે જેનું પણ મુહૂર્ત કરાવ્યું હોય ત્યાં સહુ ખૂબ સુખી થતા. આથી અનાદિમુક્તના પાવન પગલાં પડે એ જ શુભ મુહૂર્ત અને એ જ શુભ ચોઘડિયું કહેવાય. અનાદિમુક્ત પધારે ત્યારે દિવસ, ચોઘડિયા કે મુહૂર્ત જોવા ન બેસાય. તેઓ આવે તે જ શુભ દિવસ, તે કરે ત્યારનું જ શુભ મુહૂર્ત અને જે સમયે કરે તે જ શુભ ચોઘડિયું બની જાય છે. તેમના આગમન માત્રથી ચોતરફ શુભ જ શુભ થઈ જાય છે.