પ્રસંગ : ૪

પ્રસંગ ત્યારનો છે જ્યારે મામા સ્કૂલમાં પોતાની ફરજ બજાવતા હતા. એ વખતે ચીફ મોડરેટર તરીકે તેમને વડોદરા આવવાનું થયું. પૂજ્ય લીલામાસી પણ એ વખતે તેમની સાથે હતાં. મામા આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતા અને માસી મામાની સેવામાં રોકાયેલા રહેતાં. એમ કરતાં વડોદરાનું કામ પતવા આવ્યું અને એકાદ-બે દિવસનું જ કામ બાકી હતું. અને અચાનક માસીને એપેન્ડિક્સનો દુ:ખાવો શરૂ થયો. શરૂઆતમાં તો માસીએ કોઈને જાણ થવા દીધી નહિ. સહન કર્યા કર્યું. માસીનો સ્વભાવ એવો કે પોતાનું દુ:ખ જલદી કોઈને જણાવે નહિ. સહન કર્યા કરે. જ્યારે બીજાનું દુ:ખ જોઈને પોતે ગળ-ગળા થઈ દિલગીર થઈ જાય. પોતે ભગવાનને તેમનું દુ:ખ મટાડી દેવા પ્રાર્થના કરે. મામાને તરત વાત કરે કે આપ પણ તેને મટી જાય તેવી પ્રાર્થના કરો. જ્યારે પોતાનું દુ:ખ પોતાના સહન કરવાના સ્વભાવને કારણે મામાને પણ જણાવ્યું નહિ. તેમને એમ કે મામા આખો દિવસ કામ કરી થાકી જાય છે. તેમાં હું મારા મંદવાડની ક્યાં વાત કરું! આમ વિચારી કોઈને કહ્યા વગર દુ:ખાવો સહન કરતા રહ્યાં. પરંતુ પછી તો દુ:ખાવો વધવા લાગ્યો અને અસહ્ય બન્યો. ત્યારે મામાને વાત કરી. મામા કહે, "અહીંનું કામ પતવા આવ્યું છે. તમે જો થોડુંક દુ:ખ સહન કરો તો અમદાવાદ જઈને ડૉક્ટરને બતાવીશું." માસીની જગ્યાએ કોઈ બીજું હોય તો કેટલાય ઉધામા કર્યા હોય, પણ આ તો માસી સંપૂર્ણ પતિવ્રતા ક્યારેય પતિનું એક પણ વચન ઉથામે નહિ તેવા, તો પછી આ વચન પણ કઈ રીતે ઉથામે? દુ:ખાવા છતાં માસીએ હા પાડી.

જેને એપેન્ડિક્સનો દુ:ખાવો થયો હોય તેઓને જાણ હશે જ કે એ કેટલો અસહ્ય હોય છે. માસી જેવા મુક્ત જ એ દિવસો સુધી સહન કરી શકે. દુ:ખાવો એટલો અસહ્ય થાય કે માસીથી કાંઈ ખાઈ શકાય નહિ. દુ:ખાવામાં ને દુ:ખાવામાં માસી સમય પસાર કરવા લાગ્યાં. મામાનું કામ પત્યા પછી તેઓ અમદાવાદ આવવા નીકળ્યા. એ વખતે મુક્તરાજ દીવાળીબા પણ તેઓની સાથે હતાં. સ્ટેશને પહોંચ્યા અને ટ્રેન તો આવી ગઈ. આખો પુલ ચડી બીજી બાજુ જઈ પ્લેટફોર્મ પાર કરી ટ્રેનમાં બેસવાનું. માસીને એક તો દુ:ખાવો તેમાં દુ:ખાવાને કારણે કાંઈ ખવાયું ન હોવાથી અશક્તિ પણ ઘણી આવી ગઈ હતી. માસીએ મામા અને દીવાળીબાને કહ્યું, "ટ્રેન આવી ગઈ છે અને મારાથી ઝડપથી ચાલી શકાય તેમ નથી, હવે શું થશે? ટ્રેન ઉપડી જશે અને આપણાથી ટ્રેન નહિ પકડી શકાય તો?" મામા કહે, "કાંઈ ચિંતા કરતા નહિ હું આગળ જઈ ટ્રેનમાં જગ્યા રાખું છું. તમે અને બા શાંતિથી ધીમે-ધીમે આવો." માસી કહે, "પણ આટલું બધું અંતર કાપવાનું હજી બાકી છે. મારાથી સાવ ધીમે-ધીમે ચલાય છે, શું થશે?" મામા કહે, "તમે મારી વાત પર વિશ્વાસ રાખો. હું કહું છું ને કે તમે ધીમે-ધીમે શાંતિથી આવો. મહારાજ, બાપા આપણી સાથે જ છે. તમે આવશો પછી જ ટ્રેન ઉપડશે ત્યાં સુધી નહિ ઉપડે." મામાએ એકદમ દ્રઢતાપૂર્વક આ કહ્યું અને માસી જેઓએ જીવન એમની સાથે વિતાવ્યું હતું અને મામાના કેટલાય વચનસિદ્ધિના પ્રસંગોના જેઓ સાક્ષી હતાં, એમને મામાના વચનોમાં હંમેશાં સંપૂર્ણ વિશ્વાસ હતો, પરંતુ આજે દેહના દરદને કારણે તેમને આવા સંકલ્પ થતા હતા. મામા ઝડપથી ગયા અને ટ્રેનમાં સારી જગ્યા શોધી રાખી. માસી અને દીવાળીબા હજી અર્ધાપુલ પર પહોંચ્યા હશે ત્યાં ટ્રેનની વિસલ પણ વાગી ગઈ. માસી અને બા બંને મામાના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવનારા. આથી ધીમે-ધીમે ચાલતા મહારાજ સંભારતા પુલ ઉતર્યા મામા દૂરથી હાથેથી ઈશારો કરી કહે શાંતિથી આવો. ધીમે-ધીમે ચાલો ઉતાવળ ન કરો. માસી અને બા પહોંચતા મામાએ માસીને ટ્રેનમાં ચડાવ્યા, બાને ચડાવ્યા, સામાન બધો ગાડીમાં મૂક્યો અને જેવો પોતે ટ્રેનમાં પગ મૂક્યો અને તરત ટ્રેન ઉપડી. મામા કહે, "મેં કહ્યું હતું ને કે મહારાજ- બાપા આપણી સાથે જ છે. તમે આવશો પછી જ ટ્રેન ઉપડશે." માસી અને બાએ વાતની સંમતિ આપી કહે, "તમે કહો તેમ જ થાય છે. તે વાતની અમને જાણ છે. અમને તમારા વચનમાં વિશ્વાસ હતો જ. તમારા ઘણા પરચા જોયા છે, પણ મને દુ:ખાવો ઘણો હોવાથી આમ બોલાઈ ગયું.'' મામા કહે, "મેં મહારાજને પ્રાર્થના કરી હતી. તેથી તમે આવ્યા પછી જ ટ્રેન ઉપડી."

મામા ઘણી વખત સેવકોને વાત કરતા ત્યારે કહેતા, "તમારા માસીમાં સહનશક્તિ ઘણી છે. તેમના સિવાય આવો દુ:ખાવો કોઈથી સહન ન થાય. કંઈ પણ ખાધા-પીધા વગર તેમણે દુ:ખાવો સહન કર્યે રાખ્યો હતો."