પ્રસંગ : ૨૧

અનાદિમુક્તને જગતના મહાન સાઈકિયાટ્રીસ્ટ (મનોચિકિત્સક) કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. કઈ વ્યક્તિને કેવી રીતે સાંભળવી, કયા વચનો તેના જીવનમાં શક્તિનો સંચાર કરશે, કયા શબ્દો જીવન જીવવાનું નવું બળ પ્રેરશે તે અનાદિમુક્ત બહુ જ સારી રીતે જાણતા હોય છે. વચનોની સાથે તેમના આશીર્વાદ ભળે એટલે નિરાશ, નાસીપાસ થયેલી કે જીવનથી હારી ગયેલી વ્યક્તિ પણ મામા પાસે આવતાં આશાનું સુંદર નવું કિરણ, જીવનના સાચા મૂલ્યો, મુશ્કેલીનો તોડ મેળવીને જ જાય. મામાના વચનોમાં એટલી શક્તિ રહેતી કે વ્યક્તિને જીવમાંથી "હા" પડી જતી.

મામાના દર્શને એક વખત કેટલાક હરિભક્તો આવ્યા હતા. તેઓને વ્યાવહારિક મુશ્કેલી હતી. મામાએ શાંતિથી તેમની વાતો સાંભળ્યા પછી મધુર સ્વરે ધીરે રહીને સમજાવતાં બોલ્યા, "સંસારી જીવોને સંસારમાં રહ્યા હોવાથી નાની-મોટી વ્યાવહારિક મુશ્કેલીઓ તો આવ્યા જ કરે, તેનું નામ જ જીવન. દુઃખ ન હોય તો સુખનું મૂલ્ય રહેતું નથી, પરંતુ બીજા જીવોને આવતી મુશ્કેલીઓ અને આપણને આવતી વ્યાવહારિક મુશ્કેલીઓમાં ફરક છે. ફરક એ છે કે આપણે મહારાજના મુક્ત છીએ એટલે જે મુશ્કેલીઓ આવે તે મહારાજ કસોટી કરવા આપે છે તેમ સમજવાનું. કસોટી કરનાર કોણ છે? શ્રીજીમહારાજ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. હવે જ્યારે સર્વોપરિ ભગવાન પોતે આપણી કસોટી કરે તે આપણા મોટા ભાગ્ય ન કહેવાય? કહેવાય જ. અને જ્યારે પ્રભુ સ્વયં કસોટી કરવા બેસે પછી તેમાં મણા શા માટે રાખે? પૂર્ણરૂપે કસોટી કરે. પણ પાછા દયાળુ એવા છે કે તે કસોટીમાંથી પાર પણ પોતે જ ઊતારે છે. પ્રભુ ચકાસે કે હું ગમે-તેવી કસોટી કરું મારો ભક્ત મુસીબતમાં મને ભૂલી તો નથી જતો ને? મારી નિષ્ઠામાંથી ચલિત તો નથી થતો ને? તો જ્યારે સ્વયં હરિ કસોટી કરતા હોય અને તેઓ જ તેનો મારગ પણ બતાવવાના હોય પછી શા માટે મૂંઝાવું?" હરિભક્ત કહે, "પરંતુ ભગવાન સહન ન થઈ શકે એવડી કસોટી શા માટે કરતા હશે?" મામાએ જવાબ આપ્યો, "ના-ના ભગવાન ક્યારેય કોઈથી સહન ન થાય તેવી કસોટી કરતા જ નથી. અને તેઓ એવા દયાળુ છે કે કસોટી કરે ત્યારે તેને સહન કરવાની શક્તિ પણ આપી દે છે. આપણે તો ફક્ત ધીરજ ગુમાવ્યા વગર તેમને સંભારી પ્રાર્થના કર્યા કરવી કે આમાંથી ઉગરવાનો માર્ગ બતાવજો. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ધીરજ ખોવી નહિ." હરિભક્ત કહે, "વધુ મુશ્કેલી આવે ત્યારે ધીરજ ખૂટવા લાગે છે." મામા હસતા-હસતા બોલ્યા, "શ્રીજીમહારાજની અનાદિની એવી રીત છે કે, જ્યારે ભક્ત ગળા સુધી આવી જાય, તેની ધીરજ ખૂટવા લાગે, ત્યારે અભયવચન આપતાં તત્કાળ સહાય કરે છે. જેમ તેમની આ રીત છે તેમ આપણે ધીરજ ખૂટવા ન દેવાની રીત રાખવી. આ ઘાંટી અકળિત છે. ધીરજ ખૂટવા ન દેવી અને ધીરજ ખૂટે ત્યારે પ્રભુ સહાય કરે. એટલે એમાં બહુ ઊંડા ઊતર્યા સિવાય આપણે તેમને પ્રાર્થના કરવી અને પુરુષાર્થ કરવામાં જરાય કચાશ ન રાખવી. એટલું જ કરવાનું છે. મુશ્કેલીમાંથી ક્યારે પાર ઊતરાશે તે ભગવાન પર છોડી દેવું.

તમારી મુશ્કેલી માટે તમે ભગવાનને પ્રાર્થના કરજો. અમે પણ પ્રાર્થના કરીશું. તમે પુરુષાર્થ બરોબર ખંત રાખી કરજો શ્રીજીમહારાજ જરૂર સહાય કરશે." મામાની વાતોથી હરિભક્તને નવી હિંમત આવી અને પુરુષાર્થ કરવાનું નવું બળ પ્રાપ્ત થઈ મનમાં વિશ્વાસ દ્રઢ થયો હતો કે મુસીબતનો જરૂરથી માર્ગ મળશે.