પ્રસંગ : ૪૬

અનાદિમુક્તને મહારાજે પોતાની ઇચ્છાથી પૃથ્વી પર મોકલ્યા હોવાથી અને પોતે અનાદિની સ્થિતિને પામેલા હોવાથી પૂર્ણ જ હોય છે. તેઓનું દરેક કાર્ય બધાને પ્રેરણાદાયી હોય છે. આ લોકના જીવો સીમિત બુદ્ધિના હોવા છતાં મુક્તને પોતાની મર્યાદિત બુદ્ધિ દ્વારા, પોતે બનાવેલી વ્યાખ્યા પ્રમાણે મુક્તની ચકાસણી કરવા મથીને પછી તેઓ મુક્ત છે તેવું સર્ટિફિકેટ આપે છે. અને પાછું દરેક જીવોની પોતાની બુદ્ધિ મર્યાદા પ્રમાણેની મુક્ત હોવાની વ્યાખ્યા જુદી-જુદી અને દરેક પોતાની રીતે મુક્તને મુલવવાના પ્રયત્ન કરે.

અનાદિમુક્તનું જીવન સત્શાસ્ત્રોમાં કહેલી મુક્તની વ્યાખ્યા પ્રમાણેનું હોય છે. કારણ કે તેઓ પૂર્ણ છે. અપૂર્ણ એવા જીવો વિચારી-વિચારીને પણ શું વિચારવાના? અનાદિમુક્તને એ પ્રમાણેનું જીવન સહજ હોય છે. જીવોની વ્યાખ્યા મુજબનું થવા તેમણે કોઈ યત્ન કરવા પડતા નથી. ધારો કે જીવે ક્ષુલ્લક એવું કાંઈ વિચાર્યું હોય અને એ પ્રમાણે ન થતાં કે ન દેખાતાં જીવ તરત સંકલ્પ કરવા મંડી પડે છે અને પોતાના જીવનું બગાડી બેસે છે. માટે જ બાપાશ્રીએ મુક્ત પાસે પરચા-ચમત્કાર જોવા ઇચ્છવા નહિ એમ કહ્યું છે. આ લોકના જીવોને મુક્તની મહાનતા અમુક ક્ષુલ્લક પરચા-ચમત્કારો જોઈને જ નક્કી થતી હોય છે. એ પરચા-ચમત્કાર પણ પોતે નક્કી કરેલા હોય તેમાંથી કોઈ એક કરે ત્યારે મુક્ત મહાન, નહિ તો નહિ! આવી ઓછી બુદ્ધિ હોવા છતાં મુક્ત એવા દયાળુ છે કે તેઓના એવા ક્ષુલ્લક સંકલ્પો પણ સત્ય કરે છે, જેથી જીવને તેમનામાં વિશ્વાસ બેસે અને તેનું રૂડું થાય અને તે પ્રભુના પંથે આગળ વધે. કારણ કે મુક્તનો મહિમા સમજાય એટલે મહારાજનો મહિમા સમજાય અને મહારાજનો મહિમા સમજે તેથી તેના જીવની પ્રગતિ થવાની જ છે.

બળદિયા છત્રી સ્થાનના ઉતારા નંબર ચારમાં મામા હરિભક્તો અને સેવકો સાથે બેઠા હતા. તેવામાં કેટલાક હરિભક્તો બહારગામથી મામાના દર્શને આવ્યા. મામાને પગે લાગી બેઠા એટલે મામાએ તેમને કહ્યું, "પહેલાં તમે ઠાકોર જમાડી આવો. પછી રસોડે મોડું થશે. તેઓને પણ પરવારવાનું હોય. ઠાકોર જમાડી પછી અહીં આવજો." હરિભક્તો રસોડે જમવા ગયા. જમતાં-જમતાં એક હરિભક્તને મનમાં સંકલ્પ થયો કે પહેલાંના વખતમાં જેમ સંતો અંતર્યામીપણું દાખવતા તેવી સામર્થી મામા જણાવતા હશે કે કેમ? આજે તેવું કાંઈક જણાવે તો તેઓ અનાદિમુક્ત છે તેની ખરી ખાતરી મને થઈ જાય. આ છે આ લોકના જીવોના સંકલ્પ. બિચારા પોતાની સામર્થી પ્રમાણે મુક્તની સામર્થી જોવા-જાણવા ઇચ્છે. અલ્યા ભાઈ! અનાદિમુક્ત તો જીવોને સીધા પહોંચાડે અક્ષરધામમાં. એ તેમની સામર્થી છે. શ્રીજીમહારાજે એ કાર્ય માટે તેમને અહીં મોકલ્યા હોય છે. જીવ મહારાજ પાસે પહોંચે એવો પાત્ર બનાવવો, ત્યાં પહોંચવાનો સાચો રાહ દર્શાવી યોગ્ય માર્ગદર્શન આપવું અને જે ખરો મુમુક્ષુ પાત્ર જીવ હોય તેને મહારાજની મૂર્તિના સુખભોક્તા કરવો એ તેમની મહાનતા અને સામર્થ્ય છે. એ માંગવાને બદલે આવા નાના-નજીવા ચમત્કારો જોઈને જીવ મન મનાવે છે કે, મને ખબર છે તેઓ કેવા મોટા ને મહાન છે!

હરિભક્ત મહારાજના સારા ભક્ત હતા. જમીને જ્યારે તેઓ મામા પાસે આવ્યા, ત્યારે હરિભક્તે કરેલા સંકલ્પની ખાતરી મામાએ તેમને કરાવી આપી. અનાદિમુક્ત આમ કરી તે જીવને પ્રભુ તરફ આગળ વધવાનું બળ પ્રાપ્ત કરાવે છે. મામાએ તેમને પૂછ્યું, "શું જમ્યા?" હરિભક્તોએ દાળ-ભાત-શાક આમ જે જમ્યા હતા તે કહ્યું. મામાએ પાછું પૂછ્યું, "બસ બીજું કાંઈ ખાધું ન હતું?" એટલે ના પાડી. આથી મામાએ કહ્યું, "જમ્યા પછી સ્વામીએ ધાણાની દાળ આપી હતી તે કેમ ભૂલી જાઓ છો?" પછી જેને સંકલ્પ થયો હતો તે હરિભક્ત સામું જોઈ કહે, "કેમ બરાબર છે ને? ધાણાની દાળ ખાધી હતી ને?" જમવામાં શું હતું એ તો ખબર જ હોય, પણ સ્વામીએ ધાણાની દાળ આપી છે તે મામા અંતર્યામીપણે જાણી ગયા તેવું જાણતા હરિભક્ત ઘણા રાજી થયા. મામાને પગે લાગી બોલ્યા, "મામા, મને જ એવો સંકલ્પ થયો હતો કે આપ અંતર્યામીપણું જણાવો તો! અને આપે મારો એ સંકલ્પ સત્ય કર્યો. આપ ખરેખર અનાદિમુકત છો."

જો મુમુક્ષુ જીવ હોય અને આગળ વધી શકે તેવો હોય તો મામા તેવાના નજીવા સંકલ્પ પણ સત્ય કરી તેને મહારાજના મહિમામાં વધારો થાય તેવું કરતા. જેથી જીવ ભગવાન તરફ વધુ ને વધુ આગળ વધે.