પ્રસંગ : ૪૦

શ્રીજીમહારાજના અનાદિમુક્ત મહારાજની મૂર્તિનું અખંડ સુખ ભોગવતા થકા શ્રીજીમહારાજમાં રસબસ હોવાથી મહાપ્રભુજીની જેમ તેઓમાં પણ શ્રીજીમહારાજના પ્રતાપે એવું સામર્થ્ય હોય છે કે તેઓ ધારે તે કરી શકે, સંકલ્પ કરે તેમ થઈ જાય અને આશીર્વાદ આપે તે ફળે. આવું સામર્થ્ય મુક્તમાં સહજ હોય છે. તેઓએ તો માત્ર સંકલ્પ કરવાનો હોય છે અને કાર્ય સફળ થઈ જાય છે કે પરિસ્થિતિ પલટાઈ જાય છે. સળંગ મૂર્તિમાં રહી સુખ ભોગવનારા જ્યારે આશીર્વાદ આપે, ત્યારે આ લોકની દ્રષ્ટિએ અશક્ય લાગતી બાબત પણ શક્ય બને છે. જેને સામાન્ય જીવો ચમત્કારમાં લેખે છે, પરંતુ મુક્ત તો ફક્ત જીવોને દુઃખી ન દેખી શકવાના પોતાના સ્વાભાવિક ગુણને કારણે શુભ સંકલ્પ કરી આશીર્વાદ વરસાવી તેમનું દુઃખ દૂર કરે છે. આવી જ બાબતનો એક પ્રસંગ અહીં પ્રસ્તુત છે.

એક હરિભક્ત ભગવાનનું ભજન ઘણું સારું કરતા. ધ્યાન-ભજન-ભક્તિ વગેરે પ્રભુ પરત્વેની ઘણી સાધનાઓ કરતા, ધ્યાનની મૂર્તિ મામાના આશીર્વાદથી તેમને સિદ્ધ હતી, પરંતુ કમનસીબે તેમને લોહીના કેન્સરનો રોગ થયો હતો. આ દરદથી તેઓ વર્ષોથી પીડાતા હતા. ભગવાનની પ્રસન્નતાના વિશેષ સાધનો કરતા હોવાથી મામા તેમના પ્રત્યે હેત જણાવતા ને અવાર-નવાર ભક્તની ખબર જોવા તેમના ઘરે આવી મહારાજના મહિમાની વાતો કરી ભક્તને હિંમત આપે. આવા વચનોથી ભક્ત વધુ ને વધુ પ્રભુ તરફ વૃત્તિ રાખતા જાય. આવી જ રીતે એક વખત મુક્તરાજ મામા હરિભક્તને ઘરે પધાર્યા. મહારાજની આરતી ઉતાર્યા બાદ મામાએ ભક્તને પ્રસાદી આપી. ભક્તે આંખે અડાડી બાજુમાં મૂકી દીધી. મામાએ આ જોઈ પૂછ્યું, "કેમ આમ ભક્તરાજ?" હરિભક્ત કહે, "મામા, આપના હાથની પ્રસાદી તો ભાગ્યશાળીને મળે, પરંતુ અત્યારે આ પ્રસાદી ગ્રહણ કરવા હું સમર્થ નથી." મામાએ કારણ પૂછતાં ભક્તે જણાવ્યું, "મારે અમુક દાંત પડી ગયા છે અને જે છે તે હલે છે ને તેમાં બહુ દુઃખાવો થાય છે જેથી કાંઈ જમી શકાતું નથી." મામા ભક્ત પાસે આવ્યા અને પોતે ભક્તના એકે-એક દાંતને અડીને જોયું પછી કહે, "આ બધા તો અડી જ રહ્યા છે. તમે અત્યારે જમો છો કઈ રીતે?" ભક્ત કહે, "હમણાં ઘણા સમયથી પ્રવાહી ઉપર જ છું. જમી શકાતું નથી." મામા કહે, "આ તો બહુ તકલીફ કહેવાય. ફક્ત પ્રવાહી લેવાથી તો શરીર અશક્ત થઈ જાય. આમ પણ તમારું શરીર નબળું જ છે. તમે દાંત પડાવી નાંખોને." ભક્તે દિલગીરી સાથે જણાવ્યું, "તેમાંય મહારાજની મરજી હોય તેમ જણાતું નથી. ડૉક્ટરો મારા દાંત પાડતા ગભરાય છે. અને મારે પણ ઘણી હેરાનગતિ ભોગવવી પડે છે. મારા દાંતના મૂળીયા મજબૂત છે અને લ્યૂકેમિયા હોવાથી ડૉક્ટર કેસ હાથમાં લેતા નથી. આ દરદમાં એક વખત શરીરના કોઈ પણ ભાગમાંથી લોહી નીકળવું શરૂ થાય પછી જલદી બંધ ન થાય. થોડા વખત પહેલાં એક દાંત પડાવ્યો હતો ત્યારે દિવસો સુધી લોહી બંધ નહોતું થયું ને એક દાંત પાછળ જ હજારો રૂપિયા ખર્ચાઈ ગયા હતા. આથી મારી પણ હવે દાંત પડાવવાની હિંમત થતી નથી." મામા વાત સાંભળી થોડીવાર આંખો બંધ કરી બેસી રહ્યા. પછી બોલ્યા, "તમને દાંતની તકલીફ તો ઘણી છે. આને પડાવવા તો પડે જ. એના વગર ખોરાક કઈ રીતે લઈ શકાય? તમે વડોદરામાં ડૉક્ટર હોમી ગઝદર છે તેમની પાસે જજો. તેમને મારું નામ આપજો. તેઓ તમારા દાંત પાડી આપશે. ભગવાન સૌ સારા-વાના કરશે." મામા હરિભક્તને આશીર્વાદ આપી ગયા.

હરિભક્ત તો પહોંચ્યા વડોદરા. કાંઈ વાત થાય એ પહેલાં ડૉક્ટરે બધા રિપોર્ટ જોવા માગ્યા. રિપોર્ટ જોઈ કેસ હાથમાં લેવાની એણે ના જ પાડી દીધી. કહેવા લાગ્યા, "આટલા બધા દાંત પાડું તો-તો આ મરી જ જાય, આમનું લોહી બંધ ન થાય. તમારે આ દુઃખ સાથે જ જીવવું પડશે. કોઈ ડૉક્ટર તમારા દાંત પાડી નહિ આપે. હરિભક્ત ધીરે રહીને બોલ્યા, તમારી વાત સાચી છે. તમે મારી વાત સાંભળો પછી નિર્ણય કરજો. મને પણ ખબર છે કે મારાથી આ દરદને કારણે દાંત ન પડાવી શકાય. અને કોઈ ડૉક્ટર આ કામ ન કરે. સિવાય તમારા. તમે જ આ કામ કરી શકશો. કારણ કે મને અમદાવાદવાળા પૂજ્યશ્રી નારાયણભાઈએ આશીર્વાદ આપી આપની પાસે મોકલ્યો છે. અને કહ્યું છે કે, આપ ઘણા કુશળ ડૉક્ટર છો અને તમે મારા દાંત પાડશો તો મને કાંઈ નહિ થાય." મામાનું નામ સાંભળતાં જ ડૉક્ટરના ચહેરા પર ચમક આવી ગઈ. તરત જ તેમણે મામાના ખબર અંતર પૂછ્યા.

આ ડૉક્ટર જાતે પારસી, પણ અનાદિમુક્ત મામાનો મહિમા બહુ જાણે. તેમને મામાના આશીર્વાદ ફળ્યા હોવાથી જ મામાને બહુ મોટા દિવ્ય પુરુષરૂપે જુએ. હરિભક્તે મામાનો ઉલ્લેખ કર્યો એટલે હસતા-હસતા કહે, "ઓ...હો તો એમ કહોને કે તમે તેમના આશીર્વાદરૂપી કવચ પહેરીને જ આવ્યા છો. તેઓના આશીર્વાદ તમારી સાથે છે. એટલે હું તમારા દાંત પાડવા પ્રયત્ન કરીશ. તેમના આશીર્વાદ હોવાથી તમને કાંઈ થવાનું નથી, છતાં હું એક-એક દાંત જ પાડીશ અને એક દાંત પાડ્યા પછી ચાર-પાંચ દિવસ જવા દઈ પછી બીજો દાંત પાડીશ. જેથી લોહી બંધ થાય છે કે નહિ તે ખ્યાલ આવી જશે." હરિભક્ત કહે, "હું તમારી મૂંઝવણ સમજી શકું છું અને હું પણ તેમના કહેવાથી જ આપની પાસે આવ્યો છું."

પ્રક્રિયા શરૂ થઈ એક દાંત પાડ્યો. થોડા દિવસના વિરામ બાદ બીજો-ત્રીજો શરૂઆતમાં વધારે દિવસોનું અંતર રાખ્યું. પછી લોહી ન નીકળતાં ડૉક્ટર અને ભક્ત બંનેને હિંમત આવી. પછી તો એક દિવસના અંતરે દાંત પાડ્યા. આમ કુલ વીસથી બાવીસ દાંત પાડ્યા. ડૉક્ટર પણ નવાઈ પામી ગયા. હરિભક્તને કહે, "મોટા પુરુષના આશીર્વાદ આવો ચમત્કાર ર્સજી શકે છે. તમે જોયુંને સામાન્ય માણસના દાંત પાડતાં જેટલું લોહી નીકળે એટલું લોહી પણ તમારા દાંત પાડતાં નીકળતું નથી. કોઈ બીજાના મોઢે જો મેં આ વાત સાંભળી હોત કે લ્યુકેમિયાના દર્દીને સહેજ પણ લોહી નીકળ્યા વગર દાંત પાડ્યા તો હું એ વાત ક્યારેય માનત નહિ, પરંતુ આ સ્વાનુભવ થવાથી માનવું પડે છે. મુક્તપુરુષ શું ન કરી શકે? તે તમારા દ્વારા બતાવ્યું છે. તમે જાવ ત્યારે મારા પ્રણામ જરૂરથી કહેજો."

ભૌતિક વિજ્ઞાનના હાથ જ્યાં હેઠા પડે છે, ત્યાં મહારાજના અનાદિમુક્ત આશીર્વાદ આપી ચમત્કાર સર્જે છે અને આવા ચમત્કારો માટે કોઈ સ્પષ્ટીકરણ હોતું નથી. તે બસ થઈ જાય છે.