પ્રસંગ : ૩

મામાને ત્યાં દર્શનાર્થીઓ હંમેશાં આવતા રહેતા. ઘણી વખત તો એક પછી એક એમ આવ્યા જ કરે. જેને કારણે મામાને ઠાકોર જમાડવાનો પણ સમય ન મળે, છતાંય મામા ક્યારેય કોઈને ના ન પાડે. કારણ, દર્શન કરવા આવનારમાં કોઈ પોતાની મુશ્કેલીઓ લઈને આવતા હોય, તો કેટલાક પોતાના દુ:ખ દૂર થઈ જશે એ આશાએ આવતા, તો વળી કોઈ ભવિષ્ય માટે આશીર્વાદ લેવા, તો કોઈ આફતનું સમાધાન મેળવવા અને કેટલાક માનસિક શાંતિ મેળવવા. આમ લોકો આવ્યા જ કરતા.

આવા જ કોઈ એક સમયે મામા સેવકો સાથે બેઠા હતા ને કેટલાક હરિભક્તો દર્શને આવ્યા. મામાએ બધાને મીઠો આવકાર આપ્યો ને પાસે બેસાડ્યા. મામાએ આવવાનું પ્રયોજન પૂછયું. હરિભક્તો કહે, "કોઈ ખાસ પ્રયોજન ન હતું. ફક્ત આપના દર્શન કરવા જ આવ્યા છીએ. ઘણા સમયથી આપના દર્શન કર્યા નહોતા. આપના દર્શનમાત્રથી ઘાટ-સંકલ્પ વિરામ થઈ જાય છે. મનમાં શાંતિનો અનુભવ થાય છે. ભગવાન ભજવામાં અનેરું બળ પ્રાપ્ત થાય છે. આથી થોડા વખતે એમ થાય કે આપના દર્શન કરી આવીએ."

મામા કહે, "દર્શન તો એક મહારાજના કરવા. હા, કોઈ પ્રયોજન હોય, કોઈ કામ હોય તો મને મળવા જરૂરથી આવી શકો છો. તમે આવો તો તમારા જેવા હરિભક્તોના દર્શનનો મને પણ લાભ મળે." હરિભક્તો કહે, "મામા, આ તો આપ નિર્માનીપણું દાખવી આમ કહો છો. અમે સમજીએ છીએ કે આવું વર્તન અમને શીખવવા જ કરો છો. જેથી અમને અહંકાર ન આવે." થોડી વ્યાવહારિક વાતો થયા બાદ એક હરિભક્તે પૂછયું, "મામા, આપના ગળામાં કેમ છે? અત્યારે દુ:ખાવો થાય છે?" મામા કહે, "મને ગળામાં કોઈ તકલીફ નથી, કોઈ જાતનો દુ:ખાવો પણ થતો નથી, પરંતુ ડૉક્ટર કહે છે કે મારા સ્વરતંતુ જાડા થઈ ગયા છે. આથી થોડું બોલ્યા પછી અવાજ તરડાઈ જાય છે. બાકી આમ મને કોઈ તકલીફ નથી." આટલું બોલ્યા પછી મુક્તરાજ જાણે પોતાની સ્થિતિ દર્શાવતા હોય તેમ બોલ્યા, "તમે પરાવાણી સાંભળી શકતા નથી એટલે અમારે આ ગળાનો ઉપયોગ કરવો પડે છે. અત્યારે પણ શ્રીજીમહારાજ પરાવાણી બોલે છે. તમને તે ક્યાં સંભળાય છે? નથી સંભળાતી. આ ઇંદ્રિયો દ્વારા સાંભળવા તમે સમર્થ નથી. આથી અમારે બોલવું પડે છે. અને મહારાજનું જ્ઞાન આપવું પડે છે." હરિભક્તો તો સાંભળી રહ્યા. વિચારવા લાગ્યા ઓ... હો મામા કેવા સમર્થ છે! તેમની સામર્થીનો પૂરો ખ્યાલ તો ક્યારેય આવી શકે તેમ નથી. તેમની કૃપાથી આજે થોડો ખ્યાલ આવ્યો. આજે દર્શન ફળ્યા. મામાએ કૃપા કરી જબરી વાતો કરી. મામા તેમની સામે જોઈ હસવા લાગ્યા કહે, "તમે મનમાં જે સંકલ્પો કરો છો તે મોઢેથી વાત કરો તેના કરતાં મને વધુ સ્પષ્ટ અને જોરથી સંભળાય છે. મગજ પર હથોડા પડતા હોય તેવા જોરથી સંભળાય છે." બાજુમાં બેઠેલા સેવકે પૂછયું, "મામા અત્યારે જે સંકલ્પ કરે તે જ સંભળાય કે પહેલા જે કર્યાં હોય તે પણ?" મામા કહે, "અરે! ભૂતકાળમાં જે સંકલ્પ કર્યા હોય તે ખબર પડે છે, અત્યારે જે સંકલ્પ કરો છો તે ખબર પડે છે અને હવે પછી તમે કેવા સંકલ્પ કરવાના છો તેની પણ મને જાણ હોય છે. હવે પછી તમે કયો સંકલ્પ કરશો તેની જાણ તમને પોતાને પણ હોતી નથી, પરંતુ મને તેની ખબર હોય છે."

આજે મામા સરસ વાતો કરે છે અને બરાબર મૂડમાં છે તેવું જણાતા સેવકે બીજો પ્રશ્ન પૂછી લીધો, "મામા, તો-તો આપ દરેકના જીવને જોઈ શકતા હશો કે કયો જીવ કેવો છે? અને આધ્યાત્મિકતામાં તે કેટલે પહોંચ્યો છે?" મામા પણ આજે પ્રસન્ન હતા. કહે, "હા, દરેકે દરેકના ચૈતન્યને હું જોઈ શકું છું. તેની પ્રગતિ પણ મારા જાણ્યામાં આવે છે. તમે બધા રાત્રે જેમ આકાશમાં તારા જુઓ છો, તેમ હું દરેકના ચૈતન્યને જોઉં છું." સેવક મામાના પગમાં પડી ગયો કહે, "બાપાશ્રીએ અનાદિમુક્તને સર્વજ્ઞ કહ્યા છે. આપ મને તેવા જ લાગો છો. મને આશીર્વાદ આપો કે મારા જીવનું રુડું થાય અને મને મહારાજના સુખની પ્રાપ્તિ થાય." હાજર રહેલા સૌ મામાને પગે લાગ્યા. મામાએ રાજી થઈ સૌને આશીર્વાદ આપ્યા.