પ્રસંગ : ૫૦

અનાદિમુક્તની સાથે રહીએ, તેમની સાથે આપોપું કરીએ, ખરા અર્થમાં તેમના સંગી થઈએ ત્યારે જ તેમને થોડા-ઘણા જાણી શકાય. તેમનો કહેવાનો ભાવાર્થ શું છે? તેઓ જે કાંઈ પણ કહે છે તે આપણા ભલા માટે જ છે. તેમાં તેમનો કોઈ સ્વાર્થ નથી. આવી સમજણ તેમને ઓળખીએ ત્યારે જ આવે. કહેવાય છે ને કે મહારાજ અને મુક્ત પાસે રહેવું તે ખાંડાની ધારે રહેવા જેવું છે, પરંતુ એક વખત જીવના કલ્યાણનો ખપ થાય તો પછી તેમનો સમાગમ અત્યંત પ્રિય થઈ પડે છે. જો મહિમા ન સમજાયો હોય તો ઘણી વખત મુક્તના કાર્યો, તેમની વાણી, જીવની પોતાની ખામીને કારણે સંકલ્પ કરાવી જાય તો તેના જીવનું બગડી જાય. જો કે મુક્ત એવા દયાળુ હોય છે કે જીવને પાછો પડવા દેતા નથી.

એક વખત સેવકો જ્ઞાનભવનમાં પુસ્તકો ગોઠવવાની સેવામાં આવ્યા હતા. મામા દરેકને યોગ્ય સૂચનાઓ આપી કામની સોંપણી કરતા હતા. દરેક જણ મામાએ સોંપેલા કાર્યો ઉપાડી લઈ કામમાં પરોવાયા હતા. આવા સમયે મામા પોતે પણ સેવકોની સાથે કામ કરતા. એવામાં મામાને બહાર જવાનું થયું. સેવકોને જરૂરી સૂચનાઓ આપી કહ્યું, દોઢથી બે કલાકમાં તેઓ પરત ફરશે. ત્યાં સુધીમાં જો કામ પતી ગયું હોય તો દરવાજો બરાબર બંધ કરી બધા નીચે ઊતરે. સેવકોએ તેમ કરવા હા પાડી. મામા ગયા ને સેવકોની કામ કરવાની ગતિ ધીમી પડી ગઈ. ધીમે-ધીમે બધા વાતોએ વળગ્યા. બધાને એમ કે મામા બે કલાકે આવશે તેટલા સમયમાં તો કામ થઈ જશે. વાતો કરતા કામ કરવાથી યોગ્ય ધ્યાન રહ્યું નહિ ને વાતોમાં ને મશ્કરીમાં સમય વ્યતિત થઈ ગયો. સમય આપ્યા કરતાં મામા થોડા વહેલા આવી ગયા. પુસ્તકાલયમાં જોયું તો બધા ઠઠ્ઠા-મશ્કરી કરતા ગમે-તેમ કામ કરી રહ્યા હતા. મામાને હાસ્ય-વિનોદ પસંદ નહોતા એવું નહોતું. ઘણી વખત વાતો કરતા તેઓ કહેતા, "શ્રીજીમહારાજ આનંદરૂપ છે. ધામમાં ગ્લાનિ જેવું કાંઈ છે જ નહિ, ત્યાં તો કેવળ સુખ અને આનંદ જ છે." પરંતુ તેઓ એ વાતના આગ્રહી હતા કે જ્યારે કામ કરતા હોઈએ, ત્યારે એક ચિત્તે કામ કરવું. નહિ તો કાર્યની ગુણવત્તા ઘટી જાય છે. આરામની પળોમાં તમે આનંદ-વિનોદ કરી શકો છો. મામા પોતે કાર્ય કરવામાં એટલા બધા પરફેક્ટ (પૂર્ણ) હતા કે તેમના કાર્યમાં ક્યારેય કોઈ ત્રૂટિ હોય જ નહિ. અને બીજાના કાર્યમાં ત્રૂટિ તેઓ ચલાવી લેતા નહિ. તેમનું વ્યક્તિત્વ એવું પ્રભાવશાળી કે કામના સમયે તેમની હાજરીમાં કોઈ હાસ્ય-વિનોદ કરી શકતું નહિ.

મામાને આવેલા જોઈ સૌ શાંત થઈ ગયા. મામાએ દરેકને તેના કામ વિશેની પૃચ્છા કરી. દરેકે પોતાના કામની વિગતો આપી. મોટા ભાગનાનું થોડું કામ બાકી હતું. મામાએ દરેકનું કામ તપાસ્યું. દરેકે-દરેક સેવકના કામમાં ભૂલો હતી. કોઈનું કામ વ્યવસ્થિત થયું ન હતું. મામાએ સેવકો ઉપર ક્રોધ વરસાવ્યો. એ ક્રોધ એવો હતો કે દરેક જણ ડઘાઈ ગયા. ગભરાવા લાગ્યા કે આજે મામા નારાજ થયા છે. મામા ક્રોધિત થઈ બોલ્યા, "મહારાજનું કામ છે એમ હજી મનાતું નથી એટલે આમ થાય છે. હું ગયો એટલે મને ખબર નહિ પડે એમ ધારો છો? મારી તો અહીં કાયમ હાજરી હોય છે. ફરક માત્ર તમારી નજરનો છે. આ ચક્ષુથી તમે આ જ રૂપ જોઈ શકો છો. આથી હું અહીં નથી ને બહાર ગયો છું તેમ માનો છો. મહારાજ સાથે હું સદાય હોઉં જ છું. કોન્સનટ્રેશનવાળા (એકાગ્રતાવાળા) કામમાં વાતો કરો તેથી જ કામમાં ભૂલો થાય છે. વાતો કરવામાં મારી સૂચનાનું કોઈ પાલન કરી શક્યું નથી ને મનફાવે તેમ કામ કર્યું છે. બધું કામ ફરીથી કરવું પડશે. સમય અને શક્તિ બંને વેડફાયા."

મામાના ક્રોધ સામે સેવકો સૂન થઈ ગયા. ફક્ત હાથ જોડી મામા સમક્ષ ઊભા રહ્યા. એક સેવકે હિંમત કરી બધા વતી માફી માંગી ને રાજી રહેવા કહ્યું. બધા સેવકો મામાના ચરણોમાં પડી ગદગદ ભાવે પ્રાર્થના કરી માફી માગવા લાગ્યા. મામાએ રાજી થઈ દરેકને આશીર્વાદ આપ્યા. પછી પ્રેમસહિત સમજાવ્યું, "અત્યારે મારું આવું વર્તન જોઈ સંકલ્પો કરવા મંડી ન જવું. આ ક્રોધ હું નથી બતાવતો. આ તો શ્રીજીમહારાજ તમને પોતાના જાણી ક્રોધ બતાવે છે. જેથી જીવનમાં ફરી ક્યારેય આવી ભૂલ ન થાય. બાકી મને તો ક્યારેય ક્રોધ આવતો જ નથી. મેં મારા જીવનમાં ક્યારેય ક્રોધ કર્યો જ નથી. આ હું તમને એકદમ સત્ય વાત કહું છું. મહારાજ જ ક્રોધ દર્શાવે છે." સેવકો કહે, "મામા, અમે જાણીએ છીએ. શ્રીજીમહારાજ તમારા દ્વારા દરેક કાર્ય કરે છે. અને આપનું દરેક વર્તન જીવોના કલ્યાણ માટે જ હોય છે. અમે આપનો મહિમા જાણીએ છીએ. તમારા કોઈ પણ વર્તનમાં અમને ક્યારેય સંકલ્પ ન થાય તેવા આશીર્વાદ આપો, સદાય તમારો મહિમા વધુ ને વધુ જાણીએ તેવી કૃપા કરજો." સેવકો મામાના પગમાં પડી ગયા. મામાએ પણ રાજી થઈ બધાને ખૂબ આશીર્વાદ આપ્યા.

શ્રીજીમહારાજે મામા દ્વારા આજે ક્રોધ દર્શાવ્યો તે પણ આશીર્વાદ કહેવાય તેવું જ્ઞાન આજે સેવકોને થયું હતું. દરેક જણ મામાની સૂચના પ્રમાણે પાછા કામે લાગી ગયા.