પ્રસંગ : ૨૯
આ લોકના જીવોને પોતાના કર્મ પ્રમાણે કે પૂર્વકર્માનુસાર કે ઘણી વખત ક્રિયમાણ પ્રમાણે કર્મો ભોગવવા પડે છે. અને આ ઘટનાક્રમ શ્રીજીમહારાજે ગોઠવીને જ રાખ્યો છે. જેના જેવા કર્મ તેને તેવું ફળ. આ ઘટનાક્રમમાં યોગીઓ કે મુક્તપુરુષ કોઈ ચોક્કસ કિસ્સામાં ભગવાનની મરજી જાણી ફેરફાર કરે છે, બાકી મુક્ત પણ આમાં હસ્તક્ષેપ કરતા નથી.
ઋષિકેશથી એક સિદ્ધ યોગી આવ્યા હતા. યોગવિદ્યામાં પાવરધા હોવાથી તેમના શિષ્યોની સંખ્યા મોટી હતી. પોતાની યોગવિદ્યાનું તેમને અભિમાન પણ હતું. યોગવિદ્યાથી પ્રભાવિત થઈ પૈસાદાર શેઠીયાઓ પણ તેમને મળવા આવતા. આજુ બાજુમાં તેમની સારી એવી બોલબાલા હતી. એ યોગી ઘણા સમયથી ક્ષય રોગથી પીડાતા હતા. રોગના પ્રમાણ કરતાં તેમને પીડાનો અનુભવ વધુ થાય, કષ્ટ સહન ન થતાં વારંવાર બૂમો પાડે. તેમને મળવા આવનારને પણ ખ્યાલ આવે કે આમને અસહ્ય પીડાનો અનુભવ થાય છે.
મામા જે શાળામાં આચાર્ય હતા તે શાળાના શિક્ષકો પણ ઘણી વખત આ યોગીને મળવા જતા. એક વખત શિક્ષકો ત્યાં બેઠા હતા અને યોગી પીડાને કારણે બૂમો પાડતા હતા. શિક્ષકોમાંથી એકે કહ્યું, "મહારાજ, આપ તો યોગી છો, સિદ્ધ છો, સમર્થ છો તો પછી આપ આ કષ્ટમાંથી મુક્તિ કેમ નથી પામતા?" યોગી પીડાદાયક સ્વરે બોલ્યા, "હું યોગી છું તે વાત સાચી, મારામાં ઘણી સામર્થીઓ છે તે વાત પણ સાચી, પરંતુ મારા આ કષ્ટ વિશે તમે નહિ સમજી શકો. કોઈ ભગવાનના સમર્થ મુક્ત હોય તે જ મારી પીડાને સમજી શકે અને મને આ કષ્ટમાંથી છોડાવી શકે. બાકી હું તે કરવા અસમર્થ છું, પરંતુ અત્યારે હવે કોઈ એવા ભગવાનના સાચા સમર્થ મુક્ત ક્યાં હોય છે જ." આવું સાંભળી શિક્ષકો કહે, "તમે આવું કઈ રીતે કહી શકો છો? અમારી શાળાના આચાર્ય બહુ સમર્થ છે. અખંડ ભગવાનના સુખનો અનુભવ કરે છે. તેઓ કેટલા સમર્થ છે તેની તો અમને પણ પૂરી જાણકારી નથી. પરંતુ તેઓ બહુ મોટા સમર્થ પુરુષ છે તેવું અમે જાણીએ છીએ."
આવા વચનોથી પણ યોગીને બહુ વિશ્વાસ ન આવ્યો. નિરાશ વદને કહે, "સંસારી જીવ ક્યાંથી મુક્તપુરુષ હોઈ શકે? સંસારી તેમાંય પાછા નોકરી કરે છે." શિક્ષકો કહે, "તમે માનો છો તેવું નથી. તેઓ ભગવાનનું સોંપેલું કામ છે તેમ માની દરેક કાર્ય કરે છે. તમારી ઇચ્છા હોય તો અમે તેમને પ્રાર્થના કરીએ. તેઓ બહુ દયાળુ છે." શિક્ષકોએ મામાના પ્રતાપની કેટલીક વાતો યોગીને કરી. વાતો સાંભળી તેમને થોડો વિશ્વાસ આવ્યો. કહે, "તમે વાત કરો છો તેના પરથી તેઓ સમર્થ પુરુષ લાગે છે. તમે મારા વતી તેઓને પ્રાર્થના કરજો કે કૃપા કરી મને દર્શન દેવા પધારે."
શિક્ષકોએ મામાને યોગી વિશે વાત કરી અને પ્રાર્થના કરી, "સાહેબ, તેઓ બહુ કષ્ટ ભોગવી રહ્યા છે. આપ તેમના પર કૃપાદ્રષ્ટિ કરો તો સારું." મામાએ ત્યાં જવા સંમતિ આપી. સેવક સાથે મામા યોગી પાસે આવ્યા. યોગીએ મામાને પ્રણામ કર્યા. મામાએ યોગીના શિષ્યોને બહાર જવા કહ્યું ત્યાર બાદ યોગીને સંબોધી કહે, "તમારી યૌગિક શક્તિનો તમે ખોટી રીતે ઉપયોગ કરી ભગવાનના કાર્યમાં હસ્તક્ષેપ કર્યો છે. દરેકને તેના કર્મ પ્રમાણેનું ફળ મળે છે તે ભગવાનનો નિયમ છે. ભગવાનના કાર્યમાં હસ્તક્ષેપ પ્રભુને ગમતો નથી. તમે તમારી યૌગિક શક્તિ દ્વારા પેલા શેઠનો ક્ષય રોગ તમારા દેહમાં ગ્રહણ કર્યો. તે રોગ તેને તેના પાપકર્મોને લીધે થયો હતો. તમે તમારી વિદ્યાથી અને સમર્થ છો તેવું બતાવવા તેનો રોગ તમે લઈ લીધો. હવે તે વધુ પાપ કરશે. એણે એના કર્મોનું ફળ ભોગવ્યું હોત તો તેને સુધરવાની તક મળી શકત. પરંતુ તમે તેમ ન થવા દીધું. ભગવાનના કાર્યમાં આ હસ્તક્ષેપ કહેવાય. આથી તમને રોગ છે તેના કરતાં વધુ પીડાનો અનુભવ થાય છે. યોગવિદ્યાથી તમે તેને ગ્રહણ કર્યો છે, માટે તમારે તે સહન કરવું જ રહ્યું."
મામાના મુખે આ બધી વાતો સાંભળી યોગી મામાના ચરણોમાં ઢળી પડ્યો. આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. મામાને કહેવા લાગ્યો, "મને તો એમ હતું કે અત્યારના યુગમાં સાચા સંત ક્યાં હોય, તે પણ સંસારમાં રહેલા તો સંત કેવી રીતે હોઈ શકે? પરંતુ આપ તો ખરેખરા સાચા સંત છો, સમર્થ છો. શેઠનો ક્ષયરોગ મારી યોગવિદ્યાથી મેં ગ્રહણ કર્યો છે એ વાત મેં કોઈને કરી નથી. આપ અંતર્યામીપણે તે જાણી ગયા, આપ મહાન છો. ભગવાન આપની પ્રાર્થના જરૂરથી સાંભળશે. તમે પ્રાર્થના કરી મને આ કષ્ટમાંથી મુક્તિ અપાવો. હું યોગી હોવા છતાં આ કષ્ટ મારે માટે અસહ્ય બન્યું છે. આ પીડા કોઈ રીતે મારાથી સહન થઈ શકતી નથી." યોગી નાના બાળકની જેમ રડી પડ્યા. મામા કહે, "આ કષ્ટ તમે જાતે ઊભું કરેલું છે. આમાં હું શું કરી શકું?" યોગી આજીજી કરતા કહેવા લાગ્યો, "હું આપને ઓળખી ગયો છું. આપ મહા સમર્થ સંતપુરુષ છો. હું આપને જવા નહિ દઉં. મારા માટે આપે કાંઈક કરવું જ પડશે." યોગી કરગરવા લાગ્યા. કૃપાળુ મામાને યોગીની દયા આવી ગઈ. દયા આણી યોગીને કહે, "આ કષ્ટ તમે યોગવિદ્યાએ કરીને લીધું છે એટલે તે દૂર તો નહિ થાય, પરંતુ ભગવાનને હું પ્રાર્થના કરીશ કે તમારી પીડાનું શમન કરે, તમારા જીવની રક્ષા કરી કલ્યાણ કરે. એટલું હું કરી શકું." મામાએ મહારાજને સંભારી યોગીને મહારાજની ચરણરજ આપી. ચરણરજ આખા શરીરે ચોપડવાથી યોગીને પીડામાં તાત્કાલિક રાહત થઈ. યોગી કહે, "મારાથી આ બહુ મોટી ભૂલ થઈ છે. તમે ભગવાનને પ્રાર્થના કરજો મને ક્ષમા આપે. આપ કહો છો તેમ મારા જીવની રક્ષા કરી કલ્યાણ કરશે તે જ મારા માટે ક્ષમા છે. આપ અહીં પધાર્યા એ મારા જીવનનો અણમોલ દિવસ લેખું છું. ભગવાને જ મારી પર દયા લાવી આપને મારી પાસે મોકલ્યા છે તેમ હું માનું છું. આપના આશીર્વાદથી અત્યારે જ મને પીડામાં ઘણી રાહત લાગે છે. આપનો આ ઉપકાર જીવીશ ત્યાં સુધી નહિ ભૂલું." યોગી પોતાને કૃતાર્થ માનતા મામા દેખાયા ત્યાં સુધી વંદન કરતા રહ્યા.