પ્રસંગ : ૭

આજે છ-છ દિવસ થયા. પૂ. લીલામાસી અન્નનો એક દાણો મોઢામાં મૂકી શક્યા નથી. કે નથી કાંઈ પ્રવાહી લઈ શક્યા. એમને એપેન્ડીક્સનો અસહ્ય દુઃખાવો ઉપડ્યો છે. મામા ધીરજ આપી મહારાજ સંભારવા કહે છે. એ દુઃખાવામાં ને દુઃખાવામાં જ માસી વડોદરાથી અમદાવાદ આવ્યા હતાં. માસી વડોદરા હતાં ત્યારે જ દુઃખાવો શરૂ થઈ ગયો હતો, પણ અમદાવાદ આવવાનું હોવાથી સહન કર્યે રાખ્યું હતું. વડોદરાથી શરૂ થયેલા દુઃખાવાને આજે છ દિવસ થઈ ગયા હતા અને એ છ દિવસમાં ખોરાક ન જવાથી શરીરમાં અશક્તિ પણ ઘણી જણાતી હતી. આજે તો માસીથી કોઈ રીતે દુઃખાવો સહન ન થતાં આંખોમાંથી અશ્રુઓ વહી રહ્યા. રાતના બે વાગ્યા હશે. મામા આરામમાં હતા. દુઃખાવો સહન ન થતાં વિચાર્યું શું કરું? તેઓ તો આખો દિવસ નોકરી-ટ્યુશન કરી થાકી ગયા હોય મારાથી તેમને કઈ રીતે જગાડાય!

આ છે આદર્શ ધર્મપત્ની ! પોતાને અસહ્ય દુઃખાવા છતાં મામાને તકલીફ ન અપાય તે વિચાર પહેલાં આવ્યો. બીજા કોઈ હોય તો તરત ઉઠાડે કે ભઈ, ઉઠો ભલે થાકી ગયા હો. પરંતુ આ તો માસી. આદર્શ ઉદાહરણ સમાન. સંપૂર્ણ પતિવ્રતા, પતિપરાયણ, પતિને ક્યારેય તકલીફ ન આપવી એવું દ્રઢપણે માનનારા. દુઃખાવામાં ને દુઃખાવામાં સામેના ઘરમાં રહેતા મામાના બહેન તેમને ત્યાં ધીરે-ધીરે દાદરો ઉતરી ગયા અને એમને જગાડ્યા. દુઃખાવાને કારણે માસીથી રડી પડાતું હતું. ઘરના સર્વે પણ દિલગીર થઈ ગયા. કહે, "મામી, તમે છ દિવસથી કાંઈ ખાધું નથી તમને અશક્તિ ઘણી છે. તમે થોડું દૂધ કે કાંઈ ગ્રહણ કરો તો તમને કદાચ સારું લાગશે." માસીએ ના પાડતાં કહ્યું, "મારે અત્યારે કાંઈ ખાવું નથી. હવે દુઃખાવો સહન થતો નથી. તમે બધા ભગવાનનું ભજન કરો." બધા ભજન કરવા લાગ્યા. એટલામાં મામા જાગી ગયા. માસીને ઘરમાં ન જોતાં તેઓ પણ માણેકબાના ઘરે આવ્યા. માસીની હાલત જોઈ કહે, "ડૉક્ટર સાથે નક્કી થઈ ગયું છે. તમને સવારે તેમની પાસે લઈ જઈ ઑપરેશન કરાવી દઈશું. પણ અત્યારે જ આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારા મામીને સારું કરી આપે. હું પણ પ્રાર્થના કરું છું." બધા માસી પાસે બેસી ભજન કરવા લાગ્યા. મામાએ મહારાજને પ્રાર્થના કરી અને ધીરે-ધીરે માસી નિદ્રાધીન થયાં. અને મામાના ચહેરા પર શાંતિ છવાઈ. ઘરનાને સૂચના આપી કે અત્યારે કોઈ સહેજ પણ અવાજ કરતા નહિ. તમારા મામી જાતે ન ઉઠે ત્યાં સુધી તેમને ઉઠાડતા નહિ. છ દિવસે આજે તેઓને થોડી ઊંઘ આવી છે. મહારાજે પ્રાર્થના સાંભળી છે હવે તેઓને સારું થઈ જશે. આમ કહી મામા ઘરે પધાર્યા.

માસીને નિદ્રાવસ્થામાં મહારાજ-બાપા અને સોમચંદબાપાના દર્શન થયા અને માસીને પૂછ્યું, "બહેન, તમને ક્યાં દુઃખાવો થાય છે?" માસીએ બતાવ્યું. મહારાજે ત્યાં હાથ ફેરવી દીધો. અને ચમત્કાર સર્જાયો! તરત જ દુઃખાવો અદ્રશ્ય થઈ ગયો. જાણે ક્યારેય હતો જ નહિ. માસી જાગ્યા તેમના ચહેરા પર શાંતિ અને મહારાજ-બાપાના દર્શનની દિવ્ય ઝાંખી ઝલકતી હતી. ચહેરો તેજાયમાન દેખાતો હતો. મહારાજના દર્શન થવાથી અને દુઃખાવો સાવ મટી જવાથી માસી આનંદ અનુભવતા હતાં અને એ આનંદ એમના ચહેરા પર જણાઈ આવતો હતો. મામાએ આવીને અજાણતા થકા પૂછ્યું, "ચાલો દવાખાને જવું છે ને?" માસી હસતા-હસતા કહે, "ડૉક્ટર કયા દવાખાને? શા માટે?" મામા કહે, "રાત્રે તો સહન નથી થતું એમ કહી રડતા હતાં અને અત્યારે હસો છો. ચહેરા પર દુઃખાવાના એકે ભાવ જણાતા નથી. ઊલટો ચહેરો આનંદિત લાગે છે. મહારાજે દુઃખાવો મટાડી દીધો હોય તેમ લાગે છે." માસીએ મહારાજ-બાપા અને સોમચંદબાપાએ દર્શન આપી દુઃખાવો મટાડી દીધાની વિગતે વાત કરી. મામા કહે, "તમે રાત્રે મહારાજને ખૂબ પ્રાર્થના કરી અને અમે પણ પ્રાર્થના કરી આથી મહારાજે તમારું દુઃખ મટાડી દીધું. તમને મનમાં એમ હતુંને કે ઑપરેશન ન કરાવવું પડે તો સારું. તેથી મહારાજે વગર ઑપરેશને તમારું દરદ મટાડી દીધું." માસીને તેમના જીવનમાં અનેક અવિસ્મરણીય બનાવોમાં આ એક બનાવનો વધારો થયો. જે માસીને સદાયનું સંભારણું બની ગયો.

મામાએ માસી દ્વારા દુઃખ સહન કરવાની પરાકાષ્ઠા બતાવી. અને એમ પણ શીખવ્યું કે ગમે તેવી દુઃખદ પરિસ્થિતિમાં મહારાજનો જ એક દ્રઢ આશરો રાખવો. માસી જેવા મુક્ત સિવાય બીજા કોઈથી આમ છ-છ દિવસ સુધી દુઃખ સહન ન થઈ શકે. તે દિવસ પછી પૂ.માસીને ક્યારેય એપેન્ડીક્સનો દુઃખાવો પાછો ઉપડ્યો નથી.