પ્રસંગ : ૩૦
અનાદિમુક્ત પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે આપણા જેવા સામાન્ય જીવોને ઘણો ફાયદો થતો હોય છે. પ્રત્યક્ષ હોવાથી આપણને નડતી મુસીબતો-આફતો, મનની મૂંઝવણ તરત તેમની સમક્ષ રજૂ કરી શકાય છે. અને આપણે સમજી શકીએ તે રીતનો ઉત્તર આપણને મળી રહે છે. મુક્ત જ્યારે પ્રત્યક્ષરૂપે હાજર ન હોય, ત્યારે પણ તેમને પ્રાર્થના કરવાથી કામ થાય તો ખરું, પરંતુ પ્રત્યક્ષ હોય ને જેવો લાભ મળે તેવો ન મળે. પ્રત્યક્ષ હાજર હોય ત્યારે તો જેમ કુદરતી આફતમાં ઘર સહારો હોય, તેમ મૂંઝવણમાં મામા દરેકના સહાયક બનતા. અને મામાના વચનનું કવચ મળી જતાં જીવો નિશ્ચિંત બની જતા કે મુસીબત ટળી જવાની.
મુંબઈમાં રહેતા એક હરિભક્ત બહેનના પતિ ઑફિસનું કામ પતાવી ઘરે જતા હતા ત્યારે તેમની પાસે પૈસા હતા આ વાતની કોઈ ચોરને જાણ હશે. હજી તેઓ એકલા ઑફિસમાં જ હતા અને ચોર અંદર પ્રવેશી તેમને પેટમાં ચાકુ મારીને પૈસાની પેટી તેમના હાથમાંથી લઈ ગયો. ચાકુ વાગવાથી ભાઈ ત્યાં જ જમીન પર પડી ગયા. લોહી વહેવું શરૂ થઈ ગયું ને તેઓ બેભાન થઈ ગયા. થોડીવારે ઑફિસનો ચપરાશી ત્યાં આવ્યો ને તેની નજર ભાઈ પર પડી ને તાત્કાલિક તેમને હૉસ્પિટલમાં ખસેડ્યા. પરંતુ તે દરમ્યાન શરીરમાંથી લોહી ઘણું વહી ગયું હતું. ડૉક્ટરે કહ્યું, "અમે ઑપરેશન કરીએ, પણ બચવાની આશા ઓછી છે. ભગવાન કોઈ ચમત્કાર કરે અને બચી જાય તો બાકી અમે વચન આપી નથી શકતા." આવી જાણ થતાં હરિભક્ત બહેને અમદાવાદ રહેતા તેમના ભાઈને ફોન કરી મામાને પ્રાર્થના કરવા જણાવ્યું. ભાઈ મામાની સેવામાં સેવક તરીકે રોકાયેલા હતા. તેમણે મામાને પોતાના બનેવીને બચાવી લેવા પ્રાર્થના કરી. મામા કહે, "તમે પ્રાર્થના કરાવો છો પણ તેમનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે ભગવાન તેમને તેડી જશે અને પોતાનું સુખ આપશે. આપણે ભગવાનની મરજીમાં રાજી રહી હિંમત રાખવી." આવું સાંભળતાં સેવક શૂન્યમનસ્ક થઈ ગયો. બીજા સેવકોએ પ્રાર્થના કરતાં મામાને કહ્યું, "મામા, તમે આવું ન કહો. જો એવું થશે તો સાસરામાં દીકરીનું ખરાબ દેખાશે. હજી દીકરીની ઉંમર પણ નાની છે. દીકરીએ માસીની ઘણી સેવા કરી છે. તમારે એને આયુષ્ય આપવું પડશે." બીજા સેવકોએ ઘણી વાર સુધી પ્રાર્થના કરી. ત્યારે મામાએ કહ્યું, "સારું મહારાજને કહીશું. મહારાજ તેમને આયુષ્ય આપશે અને તેઓ સ્વસ્થ થઈ જશે." આશીર્વચન મળતાં જ મુંબઈમાં ચમત્કાર થયો. ભાઈની તબિયતમાં સુધારો થવા લાગ્યો. ડૉક્ટરો પણ નવાઈ પામી ગયા કે ખરેખર ભગવાને ચમત્કાર કરી આમની રક્ષા કરી છે. અમને તો બચવાની આશા ઓછી હતી. આ ચમત્કાર થયો છે.
આજે પણ એ હરિભક્ત સ્વસ્થ છે અને મામાની કૃપા પોતા પર વરસી હતી તે યાદ કરી ધન્યતા અનુભવે છે.