પ્રસંગ : ૫૪
શ્રીજીમહારાજની ઇચ્છાથી જીવોના કલ્યાણ કરવા પૃથ્વી પર પધારેલા અનાદિમુક્તનું એક જ લક્ષ્ય હોય છે કે કેમ કરી જીવો મહારાજ સન્મુખ થાય. કેમ કરી તેઓ મહારાજનું તત્ત્વજ્ઞાન સાચા અર્થમાં સમજે, કે બાહ્ય રીતે સારું દેખાય એ સાચો સત્સંગ નથી. ભગવાનની મૂર્તિ અંતરમાં દેખાય એ સાચો સત્સંગ છે. અખંડ ભગવાનનું દિવ્ય સુખ અનુભવાય તે છે સાચો સત્સંગ. આ જ્ઞાન જીવો સુધી પોતાના વાણી-વર્તન દ્વારા અનાદિમુક્ત પહોંચાડે છે. અને એ સંદેશ જીવો સુધી તેમના હૃદય પરિવર્તન થઈ જાય એટલી હદે પહોંચે છે, છતાં પણ આ લોકના સામાન્ય જીવોને ક્યારેય પણ તેમના પહેરવેશ જેવી ક્ષુલ્લક બાબતમાં પણ જો સંકલ્પ થાય તો પણ અનાદિમુક્ત તે બાબતનું પણ ધ્યાન રાખી તેમાં બદલાવ લાવે છે.
અનાદિમુક્ત મામાએ આ લોકની કહેવાતી વિજ્ઞાન શાખામાં પોતાનો અભ્યાસ સંપન્ન કર્યો હતો. અને મહારાજનું તત્ત્વજ્ઞાન પણ તેઓ વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં મૂકી જીવોને સમજાવતા કે જેથી આજના બુદ્ધિશાળી વર્ગને એ બરાબર સમજાય અને એ જ્ઞાનમાં વિશ્વાસ ધરાવતા થાય. મામા જેમ વ્યવહારુ બની મહારાજનું જ્ઞાન સમજાવતા, તેમ વ્યવહારમાં પણ તેઓ એવા જ વ્યવહારુ હતા. પોતાના વ્યાવસાયિક કાળ દરમ્યાન તેઓ સાદા, પરંતુ પ્રસંગોચિત્ત વસ્ત્રો ધારણ કરતા. એવા સાદા વસ્ત્રોમાં પણ તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી જ લાગતું.
એક વખત શાળામાં મિટિંગ હોવાથી મામા મિટિંગને અનુરૂપ કોટ, પેંટ, ટાઈ, હેટ જેવો પહેરવેશ પહેરી મિટિંગમાં હાજરી આપવા ગયા હતા. મિટિંગ પૂરી થયા પછી ત્યાંથી સીધા મંદિરે દર્શન કરવા ગયા. પોતાની ટેવ પ્રમાણે મામા એક ચિત્તે દર્શન કરતા હતા. એ વખતે જ એક હરિભક્તે મામાને આવા પહેરવેશમાં જોયા. એને એમ સંકલ્પ થયો કે મામા જેવા મુક્તએ પણ જો કેવો લોક રીત પ્રમાણેનો પહેરવેશ પહેર્યો છે. આમ સંકલ્પ કરી મામાને મળ્યા વગર તેઓ ચાલ્યા ગયા. અને મામા પણ દર્શન કરી ઘરે આવ્યા.
થોડા દિવસે એ હરિભક્ત ખિન્ન મને, ઉદાસ ચહેરે અને હાથમાં પાટો બાંધેલો, એવા મામા પાસે આવ્યા. આવીને મામાના પગમાં પડી ગયા. મામાની માફી માંગવા લાગ્યા. પશ્ચાત્તાપ કરતા માફી આપવા મામાને વિનવવા લાગ્યા. મામા કહે, "આમ કેમ કરો છો? ઊભા થાઓ. શું વાત છે તે તો કહો?" હરિભક્ત કહે, "આપ કોટ, પેંટ પહેરી તે દિવસે મંદિરમાં દર્શન કરતા હતા. એ જોઈ મને સંકલ્પ થયો કે મહારાજના મુક્ત થઈને કેવો પહેરવેશ પહેર્યો છે? આવો સંકલ્પ થયા પછી હું કામે ગયો. ભગવાને તમારા વિશે સંકલ્પ કર્યાની મને સજા કરી. મારો હાથ મશીનમાં આવી ગયો. આપના જેવા મુક્તપુરુષને વિશે સંકલ્પ થયો તે બદલ આપની ક્ષમા માંગવા આવ્યો છું. હવે પછી ક્યારેય આપના વિશે મનુષ્યભાવના સંકલ્પ ન થાય એવા આશીર્વાદ આપો."
હરિભક્તના મુખે આવી વાત સાંભળી મામા આશ્ચર્યમાં પડ્યા. કહે, "તમે મારા વિશે સંકલ્પ કર્યો માટે આમ થયું એ વાત શક્ય નથી. મનમાંથી એ વાત કાઢી નાંખો. એ તો થવા કાળ થયું. બાકી તમારા સંકલ્પને અને આ અકસ્માતને કોઈ સંબંધ નથી. ભગવાન તો દયાળુ છે. સંકલ્પ થાય તેમાં સજા કરે એવા નથી. એ તો દયાના સાગર છે. કુપાત્ર જીવ પર પણ દયા કરી પોતા પાસે રાખે છે. તો તમે તો સત્સંગી છો. પછી સજાનો સવાલ જ ક્યાં ઉદભવે છે?" હરિભક્ત કહે, "મેં સંકલ્પ કર્યો અને તરત મને અકસ્માત થયો. મારું અંતરમન એ વખતે જ ડંખ્યું, કે નક્કી આ મારા સંકલ્પ કર્યાનું જ પરિણામ છે. માટે હું આપની પાસે માફી માંગવા આવ્યો છું."
મામા કહે, "ગમે તેવો ગુનો કર્યો હોય અને તેને હૃદયના ખરા ભાવથી પશ્ચાત્તાપ થાય તો ભગવાન પણ એને માફ કરે છે. આપે તો એવો કોઈ ગુનો કર્યો નથી. છતાં માફી માંગી પશ્ચાત્તાપ કરો છો તો ભગવાન માફી આપે જ. એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી, પરંતુ હું તમને એક પ્રશ્ન પૂછું નિખાલસતાથી તેનો ઉત્તર આપજો. આપને મારા વિશે એવો સંકલ્પ શા માટે થયો?" હરિભક્ત કહે, "અમારા જેવા દરેક સામાન્ય જીવના મનમાં ભગવાનના મુક્ત માટેની એક માનસિક છબી તૈયાર હોય છે. એ પ્રમાણે ન દેખાતાં સંકલ્પ થઈ જાય." મામા કહે, "તમારી વાત બરાબર છે. તમે નિખાલસતાથી જવાબ આપ્યો છે. હવે હું તમને સમજાવું. આધ્યાત્મિકતાને અને વસ્ત્રોને કોઈ નિસ્બત ખરી? કોઈ નહિ. એવું થોડું છે કે કોટ, પેંટ પહેરનારી વ્યક્તિ ઓછી આધ્યાત્મિક હોય અને સાવ સાદા કપડાં પહેરનારી વ્યક્તિ વધુ આધ્યાત્મિક. જો એમ હોત તો દરેક ગરીબ વ્યક્તિ આધ્યાત્મિક હોવી જોઈએ. જેમ વધુ રંક તેમ વધુ આધ્યાત્મિક. કારણ કે જેમ વધુ રંક હોય તેમ તેના કપડાં વધુ સાદા રહેવાના. પણ એવું હોતું નથી. હા, ભગવાનના મુક્તો આ લોકના કહેવાતા રજોગુણી, ભાત-ભડકીલા અને ચિત્ર-વિચિત્ર કપડાં પહેરતા નથી. તે બરાબર છે. પરંતુ આ લોકમાં આવી તેમણે જે વ્યવસાય અપનાવ્યો હોય તે વ્યવસાયને અનુરુપ તો પહેરવેશ પહેરવો પડે કે નહિ? કાંઈ જુદો પહેરવેશ પહેરવાથી આધ્યાત્મિક સ્થિતિ ઓછી વધુ થઈ જવાની છે? મુક્તની આધ્યાત્મિક સ્થિતિનું માપદંડ કાંઈ વસ્ત્રો નથી. બરાબર છે? મારી વાત તમને સમજાય છે? તમને અકસ્માત નડ્યો એ તો બનવાકાળ હતું. આથી મગજમાંથી સંકલ્પવાળી વાત સાવ કાઢી જ નાંખજો. હવે નિર્વિકલ્પ થઈને જાવ." હરિભક્તને મનમાં શાંતિ થઈ. પોતાની અપરાધભાવના નીકળી ગઈ. અને તેમને એ પણ જાણવા મળ્યું કે ક્ષુલ્લક ગણાતી બાબતોને મોટું સ્વરૂપ આપી મુક્તને વિશે સંકલ્પ કરવા મંડી ન પડાય. મામાને પગે લાગી તેઓ ઘરે ગયા.
જે પહેરવેશ હરિભક્તોને સંકલ્પ કરાવે, મનમાં શંકા જગાડે તે પહેરવેશ મુક્તને ન ઘટે. આમણે તો એવો કોઈ સંકલ્પ કર્યો નહોતો, પરંતુ કદાચ ભવિષ્યમાં કોઈ બીજાને એવો કોઈ બીજો સંકલ્પ થઈ જાય તો તેના જીવનું બગડી જાય. જ્યારે અનાદિમુક્તનું પૃથ્વી પર આગમન જીવોના કલ્યાણ માટે હોય છે. તેઓ દરેક જીવ પર દયા આણી તેને પ્રભુ સન્મુખ કરે છે. નહિ કે તે પ્રભુથી દૂર થાય. આવા સંકલ્પો તેમને ચોક્કસ પ્રભુથી દૂર કરે. એ માટે વાણી-વર્તન કે પછી પહેરવેશ કાંઈ પણ જીવોને સંકલ્પ કરાવી ભગવાનથી દૂર કરે તેવા ન હોવા જોઈએ. આવું વિચારી મામાએ ત્યાર પછી ક્યારેય કોટ, પેંટ પહેર્યા નહિ અને સર્વમાન્ય ધોતિયું અને ઝભ્ભો એને કાયમનો પહેરવેશ બનાવી દીધો. જે પહેરવેશ કોઈને સંકલ્પ ન કરાવે અને મનમાં આદરભાવ જન્માવે.
લોકોના મગજમાં એક ગ્રંથિ પડી ગઈ છે કે મહારાજના મુક્ત હોય તેઓ સાદા વસ્ત્રો જ ધારણ કરેલા હોય. આ ગ્રંથિને મગજમાંથી કાઢી શકતા નથી. આથી જેને જ્ઞાને કરીને અનાદિમુક્ત માન્યા હોય તેને પણ બીજા પહેરવેશમાં જોવા તેમનું મન તૈયાર થતું નથી. સામાન્ય જીવોએ મુક્ત માટેની આવી કેટલીયે ગ્રંથિઓ બાંધી રાખી હોવાથી મુક્ત પોતાનો પહેરવેશ સાદો રાખે છે કે જેથી જીવોને તેમના પ્રત્યે આદરભાવ રહે. એ આદરભાવ પણ તેમને ભગવાન તરફ જવા સહાયરુપ થાય છે.
જેઓ પૂર્ણ નથી તેમને જ રજોગુણી વસ્ત્રોની આવશ્યકતા રહે છે. જે પહેરી તેઓ પ્રભાવ પાડવા મથતા હોય છે. જ્યારે અનાદિમુક્તને આ લોકના કહેવાતા પ્રભાવ પાડી આપનારા કોઈ બાહ્ય સાધનોની આવશ્યકતા હોતી નથી. તેઓ પૂર્ણ છે. તેમની પાસે જે અસીમ જ્ઞાન, જે અગાધ સામર્થ્ય, જે કૃપા સાધ્યતા છે તે કોઈ બાહ્ય આવરણોની મોહતાજ નથી. જે તેમના પરિચયમાં આવે છે તેને એ બાબતનો ખ્યાલ આવ્યા વગર રહેતો નથી.
અનાદિમુક્તમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી તેઓ જે અખંડ સુખના ભોક્તા છે તેનો અનુભવ પાત્ર જીવને કરાવે તેવા સમર્થ હોય છે. આથી ક્યારેક આપણે નક્કી કરેલી મુક્ત વિશેની ખોટી વ્યાખ્યા પ્રમાણે ન દેખાય ત્યારે સંકલ્પે ચડી જઈ મનુષ્યભાવ ન લાવવો. એક વખત અનાદિમુક્ત જાણ્યા પછી તેમના પ્રત્યે સદાય દિવ્યભાવ જ રાખવો. તો તેમનો રાજીપો પ્રાપ્ત થાય છે. અને તેઓ આપણને ભગવાનની નજીક પહોંચવામાં મદદરૂપ થાય છે.