પ્રસંગ : ૧૫

'સત્ પુરુષ વાક્યં ન ચલતી ધર્મ' એ મુજબ મામાએ આપેલું વચન વર્ષો પછી પણ પાળી બતાવ્યું. બે સખીઓ મામાનો ખૂબ મહિમા જાણે મામાને ત્યાં જે સેવા મળે તે કરવા હંમેશાં તત્પર રહે અને સારી રીતે ભગવાન ભજે. બંને સખીઓને એક-બીજા સાથે બહુ સારું ફાવે. સુખ-દુઃખમાં સાથે જ રહે. મુસીબતમાં એકબીજાની સહાયતા કરી મુસીબતનું નિરાકરણ કાઢે અને આનંદથી બંને રહે. એક વખત તેઓ મામાના દર્શને ગયા ત્યારે મામાએ બંનેને આશીર્વાદ આપ્યા કે તમે બંને બહેનો સાથે રહો છો તો લગ્ન પછી પણ તમે બંને સાથે રહી શકશો. તમારા બંનેના લગ્ન લંડનમાં થશે અને તમે બંને ત્યાં જ સ્થાયી થશો. અને અમે તમારે ત્યાં આવીશું. હજી તો બંને સખીઓમાંથી કોઈના કુટુંબમાં તેઓ માટે મુરતિયા શોધવાની શરૂઆત પણ થઈ ન હતી. ત્યારે મામાએ આવી ભવિષ્યવાણી કરતાં આશીર્વાદ આપ્યા હતા. આવા આશીર્વાદ મળતાં બંને સખીઓ રાજી થઈ ગઈ કે પરણ્યા પછી પણ આપણે એક જ દેશમાં હોવાથી મળી શકીશું અને આપણી મિત્રતા કાયમ રહી શકશે. સૌથી વિશેષ તો તેઓને એનો રાજીપો હતો કે મામાએ તેમને ત્યાં આવવાનું વચન આપ્યું હતું.

મામાના વચન પ્રમાણે બંને સખીઓને લંડનના છોકરા મળ્યા અને બંને ત્યાં સ્થાયી થઈ. તેઓ મામાને ઘણીવાર પ્રાર્થના કરે કે આપે વચન આપ્યું છે કે આપ અમારે ત્યાં પધારશો તો હવે અમે બંને સ્થાયી થઈ ગયા છીએ તો આપ અમારે ત્યાં પધારો. સખીઓ જ્યારે-જ્યારે પ્રાર્થના કરે, ત્યારે મામા હકારમાં મોળો પ્રતિસાદ આપે. પરંતુ વર્ષો પછી જ્યારે તેમને વિદેશ જવાનું થયું, ત્યારે મામાએ વચન પાળ્યું ને મામા તેમને ત્યાં જ ઉતર્યા અને રોકાયા. બંને બહેનોના આખા કુટુંબને ધન્ય બનાવ્યું. ઘરના દરેક સભ્યો પર આશીર્વાદ વરસાવ્યા.

વર્ષોની રાહ જોવડાવ્યા બાદ મામા તેમને ત્યાં પધાર્યા હોવાથી સખીઓના આનંદની સીમા નહોતી. એ વખતે તેમના પતિઓને મામાનો વિશેષ પરિચય નહિ, પરંતુ મામાને મોટા મુક્ત જાણી બંનેએ મામાની હૃદયના ખરા ભાવથી મામા રહ્યા ત્યાં સુધી સેવા કરી તેમનો રાજીપો મેળવી લીધો. બંનેની સેવાથી મામા અત્યંત રાજી થયા અને મહારાજનું દિવ્ય સુખ તેમને પ્રાપ્ત થશે તેવા આશીર્વાદ તેઓ પર વરસાવ્યા. સાથે એમ પણ કહ્યું, "અમે જેવું સુખ ભોગવીએ છીએ, તેવું સુખ મહારાજ તમને આપશે." થઈ રહ્યું! જેવો કહીએ તેવો લાભ બંનેને મળી ગયો.

પૃથ્વી પર આવી જીવે જે કરવાનું છે જેના માટે ભગવાને તેને મોકલ્યો છે તે છે ભગવાનના દિવ્ય સુખની પ્રાપ્તિ અને એ મેળવવા જીવો અનંત જન્મો સુધી સાધના કરે છતાં હાથ નથી આવતું. તે સખીના પતિને અનાદિમુક્તની સેવા કરવાથી, તેમનો રાજીપો મેળવવાથી પ્રાપ્ત થઈ ગયું. મામાના રૂડાં આશીર્વાદ! મહારાજના દિવ્ય સુખની પ્રાપ્તિની ગેરંટી મામાએ આશીર્વાદ દ્વારા વરસાવી દીધી. આ... હા... હા! કેવડી અદભુત વાત!! કરી-કરીને જે કરવાનું છે, જે મેળવવાનું છે તે મળી ગયું. આવા અલૌકિક આશીર્વાદ મળતાં સખી અને તેમના પતિ અત્યંત રાજી થઈ ગયા. તેમનો જનમ સફળ થઈ ગયો. સેવાનું ફળ પ્રાપ્ત થઈ ગયું. બધાની આંખમાં હર્ષાશ્રુ હતાં. મામાએ તેમને ન્યાલ કર્યા હતા. ત્યાં રહ્યાનું જીવનભરનું સંભારણું આવા આશીર્વાદ દ્વારા મામાએ કરાવી આપ્યું હતું.

પૂર્ણ મુક્તપુરુષ રાજી થઈ આશીર્વાદ વરસાવે ત્યારે તેમાં શું બાકી હોય? જેની પાસે જે હોય તે આપે. અનાદિમુક્ત પાસે મહારાજનું સુખ હોય તેથી જ્યારે રાજી થાય, ત્યારે જીવોને તે આશીર્વાદરૂપે આપે અને એ સરપાવ મળતાં જીવો ભવસાગર તરી જાય.