પ્રસંગ : ૧૯

અનાદિમુક્ત મહારાજની આજ્ઞાથી જ્યારે પૃથ્વી પર પધારે, ત્યારે દરેક મુક્તના અંગ જુદા-જુદા જોવા મળે છે. અને એ અંગ પ્રમાણેના વાણી-વર્તન અને કાર્ય કરવાની મહારાજની આજ્ઞાનું તેઓ પૂર્ણપણે પાલન કરતા હોય છે. આજ્ઞા વિરુદ્ધનું કાર્ય ક્યારેય કરતા નથી. આવા જુદા-જુદા અંગ હોવા પાછળનું રહસ્ય એ છે કે સમાજમાં પણ જુદા-જુદા સ્વભાવ પ્રકૃતિ ધરાવતા જીવો હોય છે. જેથી જે જીવને જે અંગ વિશે શ્રદ્ધા બેસે તે મુક્ત પ્રત્યે તરત ભાવ થઈ મહિમા વધે છે. આ બધા પાછળનું એક માત્ર કારણ છે કે કેમ કરી જીવો ભગવાન તરફ આકર્ષાઈ આગળ વધે. મુક્તોના ગમે તે અંગ હોય, પરંતુ દરેક પ્રભુ ભજવાની અને એ મૂર્તિમાં જોડાવવાની જ વાત કહેતા હોય છે.

મામાને એક હરિભક્ત મળવા આવ્યા. મામા આજે રાજીપો જણાવે છે તેવું જોતા તેમણે મામાને કહ્યું, "મામા, કેટલાય વખતથી મનમાં એક પ્રશ્ન થયા કરે છે આપ કહો તો આપની સમક્ષ રજૂ કરું." મામા કહે, "પૂછો. મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મેળવી જ લેવું જેથી મનમાં રહેલી ગૂંચ દૂર થઈ સાચી વસ્તુ સમજાય." હરિભક્તે પૂછ્યું, "મામા, સોમચંદબાપા તો બધાને ઘરે-ઘરે ફરીને સત્સંગ કરાવતા, પરંતુ આપ તેમ કરતા નથી. આવું કેમ?" મામા કહે, "મને મહારાજની એવી આજ્ઞા નથી. સોમચંદબાપાને મહારાજે એવી આજ્ઞા કરેલી કે તમારે ઘરે-ઘરે જઈ સત્સંગ કરાવવો. મને એમ કહ્યું છે કે, જે ખરા ખપવાળા ને ગરજવાન હશે તેઓ તમારી પાસે સામેથી આવશે. તેને તમે સુખિયા કરજો. આવી આજ્ઞા મને છે. આથી હું તેમ વર્તું છું. આજ્ઞા વિરુદ્ધ તો મારાથી જવાય નહિ. દરેક મુક્તના અંગ જુદા-જુદા હોય છે અને તેમાં રહીને મહારાજ તે પ્રમાણે કાર્ય કરે છે. મારા અંગ પ્રમાણેની આજ્ઞા મને થઈ છે. અને તે પ્રમાણે મહારાજ કાર્ય કરે છે. બસ તમારા પ્રશ્નનું સમાધાન મળી ગયું ને?" હરિભક્ત કહે, "હા મામા. આ સંકલ્પ મને ઘણા સમયથી થયા કરતો હતો, પરંતુ આપને પૂછી શકતો ન હતો. આજે તેનું સમાધાન મળતાં સંકલ્પ વિરામ થઈ ગયો."

મુક્તના અંગ વિશે તેમના કાર્ય કરવાના પ્રકાર વિશે સંકલ્પો ન કરવા. તેઓ મહારાજની આજ્ઞા મુજબ જીવોના કલ્યાણ કરવાના એક માત્ર હેતુને લક્ષમાં લઈને કાર્ય કરતા હોવાથી તેમના વિશે સંકલ્પ કરવાથી જીવનું બગડી જાય. અને કદાચ સંકલ્પ થાય તો દીન થઈ મોટા પાસે તેનું સમાધાન માંગી પોતાની ભૂલ પ્રત્યે ક્ષમા માંગી લેવી. જેથી સંકલ્પ કરવાના અપરાધની માફી મળી મોટાનો રાજીપો પ્રાપ્ત થાય.