પ્રસંગ : ૧૨
બળદિયા વૃષપુર બાપાશ્રીની પ્રસાદીનું દિવ્ય ગામ. અને તેમાં છત્રી સ્થાન પ્રત્યે મુક્તરાજ મામાને વિશેષ લાગણી. સ્થાન બાપાશ્રીનું હોવાથી તેના વિકાસ અંગે મામા અંગત રસ દાખવે અને કોઈ નિર્ણય લેવાનો હોય તો પોતે હાજર રહે અને યોગ્ય નિર્ણય લેવડાવી કાર્યો કરાવે. પોતે અંગત રસ લઈ જહેમત ઉઠાવી શ્રમ લઈ છત્રી સ્થાનનો વિકાસ કર્યો હતો. ત્યાં ટ્રસ્ટની સ્થાપના થઈ એ વખતે ટ્રસ્ટના અગત્યના કાગળો પર બાપાશ્રીના પૌત્ર માવજીબાપાની સહીની જરૂર પડી. એ વખતે માવજીબાપાની અવસ્થા થઈ ગઈ હતી અને શરીરે મંદવાડ પણ હતો. સહી કરવા કેમે કરી તેમનો હાથ ઉપડે જ નહિ. હાથમાં પેન પકડાય જ નહિ. કાગળો પર તેમની સહી લેવી કઈ રીતે? બધા મૂંઝાયા મામાને વાત કરી. મામા માવજીબાપા પાસે આવ્યા. મહારાજને સંભારી માવજીબાપાના હાથ પર પોતાનો હાથ બે-ત્રણ વખત ફેરવ્યો અને માવજીબાપાને વાત કરી, "બાપા, ટ્રસ્ટનું કામ છે. આપની સહીની ખાસ જરૂર છે. મહારાજ-બાપાને સંભારી આ કાગળો પર સહી કરી આપો." આમ કહી તેમના હાથમાં પેન આપી. માવજીબાપાને જાણે હાથમાં કોઈ જાતની તકલીફ ન હોય તેમ પેન પકડી કાગળો પર સહી કરી આપી. સેવકને ઘણી નવાઈ લાગી. આ કઈ રીતે બન્યું! બાપાનો હાથ સહેજ પણ કામ કરતો ન હતો. આંગળા કામ કરતા ન હતા અને મામાના ફક્ત હાથ ફેરવવાથી કામ બની ગયું! એકાંત મળતાં સેવકે મામાને આ વિશે પૂછતાં મામાએ રહસ્ય સમજાવતાં કહ્યું, "મહારાજના મુક્ત આવું કરી શકે છે. સ્પર્શ દ્વારા અને સંકલ્પ દ્વારા તેમનામાં દિવ્ય શક્તિનો સંચાર થયો અને તેમના હાથ ચાલવા લાગ્યા. આમ કરવું જરૂરી હતું. કારણ કે તે કાગળો પર તેમની સહીની અગત્ય વધુ હતી. નહિતર ઘણાં કામો અટકી પડે તેમ હતું. આથી શક્તિ સંચાર જરૂરી હતો."
આવી રહસ્યની વાત સાંભળી સેવક આશ્ચર્યચકિત થઈ ગયો. મામાની શક્તિનો તેને વધુ એક પરચો મળ્યો હતો.