૩૦. ભગવાનને પ્રિય ભક્તનાં લક્ષણ - પાંચ વાર્તાનું નિરંતર અનુસંધાન રાખવા આદેશ.
સંવત 1885ના પોષ સુદિ 15 પૂનમને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
અને વળી આ પાંચ વાર્તાનું અમારે નિત્યે નિરંતર અનુસંધાન રહે છે.
(પ્ર.૨) તેમાં એક તો એમ જે આપણે આ દેહને મૂકીને જરૂર મરી જાવું છે ને તેનો વિલંબ નથી જણાતો; એ તો એમ જ નિશ્ચે જણાય છે જે આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે ને સુખ-દુ:ખ, રાજીપો-કુરાજીપો સર્વે ક્રિયામાં એવી રીતે વર્તે છે એવો વૈરાગ્ય કહ્યો. અને બીજું એમ જે આપણ મરશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે તે કરવું છે એવું નિરંતર અનુસંધાન રહે છે. અને ત્રીજું એમ જે અમારા મનમાં પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી? અને એમ જાણું છું જે ટળી તો ગઈ છે ત્યારે તે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય છે? ત્યારે રખે ન ટળી હોય એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે. અને ચોથું એમ જે મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત એ જે સર્વે છે તેને પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નહિ? અને આને આની વાસના ટળી છે ને આની નથી ટળી એમ સર્વના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન રહે છે. અને પાંચમું એમ જે જો હું મારા જીવને ઉદાસી કરવા લાગું તો કોણ જાણે ક્યાંય જાતું રહેવાય ને દેહ પડી જાય, માટે એમ જાણીએ છીએ જે મનને ઉદાસી ન કરવું. કેમ જે ભલા અમારે યોગે કરીને આ સર્વે બાઈ-ભાઈ પરમહંસ રાજીપે બેઠા ભગવદ્ ભક્તિ કરે છે તો એ ઠીક છે, ને ભગવદ્ ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે, જે મરી તો સર્વેને જાવું છે, પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે એમ નિરંતર અનુસંધાન રહે છે. એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત્ પુરૂષોત્તમ નારાયણ છે.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 30 || (264)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે સર્વથી એટલે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ ને મૂળઅક્ષર તેથી પર અમારા તેજરૂપ અક્ષરધામ છે તેને મધ્યે અમે સદા સાકાર મૂર્તિ વિરાજમાન છીએ એવો નિશ્ચય કરીને અમારી ઉપાસના ભક્તિ કરે તે ભક્ત અમને ગમે છે, પણ કેવળ તેજની ઉપાસના કરે તે ગમે નહિ. (1) અને તપ-વૈરાગ્યાદિક સાધન અમારી પ્રસન્નતાને અર્થે કરે તે ગમે. (2) બીજામાં પાંચ વાતોનું નિરંતર અનુસંધાન રાખવાનું કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં આ બે વાર્તા અમને ગમે છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે બે વાર્તા કઈ જાણવી? અને ત્યાં મન અટકે છે એમ કહ્યું તે ત્યાં, એટલે કિયાં અટકતું હશે?
ઉ.૧ ચૈતન્ય તેજનો રાશિ જે પોતાની મૂર્તિનો પ્રકાશ તેના મધ્યને વિષે સાકાર મૂર્તિ થકા શ્રીજીમહારાજ સદાય વિરાજે છે એવો દૃઢ નિશ્ચય ને તે સાકાર મૂર્તિની ઉપાસના કરવી એ એક વાત, અને બીજું શ્રીજીમહારાજની પ્રસન્નતાને અર્થે તપ કરે, યોગ સાધે તથા પંચવિષયનો અભાવ કરે તથા વૈરાગ્યાદિક સાધન તે નિર્દંભપણે કરે એ બીજી વાત; એ બે વાતો જાણવી. અને શ્રીજીમહારાજથી પર કોઈ નથી એટલે ત્યાં મન અટકે છે, એટલે તેથી પર કાંઈ જાણવાનું નથી એમ સમજવું.
પ્ર.૨ (2/3 બીજા પ્રશ્નમાં) અમારે પાંચ વાતોનું અનુસંધાન રહે છે એમ કહ્યું તે શ્રીજીમહારાજ તો સાક્ષાત્ ભગવાન છે ને અનંત બ્રહ્માંડ તથા મૂળઅક્ષરાદિક સર્વેના અંતર્યામી છે ને એકકાળાવચ્છિન્ન સર્વને જાણે છે એમને અનુસંધાન શું રાખવું પડે તે એમ કહ્યું હશે? અને આટલું કામ કર્યું છે ને આટલું બાકી છે એમ કહ્યું તે શું જાણવું?
ઉ.૨ પોતાને મિષે કરીને પોતાના સાધનિક ભક્તોને ઉપદેશ કર્યો છે જે તમે તમારો દેહ પડી જવાનું અનુસંધાન રાખીને સર્વ વાસના ટાળી નાખો એમ પોતાને વિષે પ્રીતિ કરવામાં પોતાના ભક્તને સાવધાન રાખવા એ પોતાનું હારદ છે. તે વાસના ટાળીને શ્રીજીમહારાજને વિષે પ્રીતિ કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરવો તેમાં બાકી હોય તે બાકી જાણવું. અને મુક્તાનંદ સ્વામી જેવા મોટાને વિષે વાસના છે કે ટળી ગઈ છે, એમ કહ્યું છે, તે પણ સર્વે વાસના ટળી ગઈ હોય એવા અમારા મોટા સંતને ઓળખીને એમનો સમાગમ કરવો ને અમારા વિના સર્વે વાસના ટાળી નાખવી એમ કહ્યું છે. અને હું મારા મનને ઉદાસી કરવા લાગું તો ક્યાંય જતું રહેવાય તે પોતાના મુક્તની વાત કહી છે જે અમારા મુક્ત આ લોકમાંથી ઉદાસ થાય એટલે મનુષ્ય રૂપે દર્શન આપે છે તે અદૃશ્ય થઈ જાય તો સાધનિકને અમારા સ્વરૂપનું જ્ઞાન આપીને અમારી ભક્તિ કોણ કરાવે? તેથી અમારા મુક્ત આંહીં દર્શન આપે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે.