૭૮. શુભ-અશુભ દેશકાળાદિકથી પુરુષની બુદ્ધિ સારી-નરસી થવાનું કારણ - અચળ નિશ્ચયનું રૂપ - ભગવાન ને સંતમાં દોષબુદ્ધિ ન થવાનો ઉપાય - ત્રણે અવસ્થામાં ભગવાનની મૂર્તિ અખંડ જણાવાનો ઉપાય - સત્સંગમાં પાયો અચળ થવાનો ઉપાય - કામાદિક શત્રુ નાશ થવાનો માર્ગ - ભગવાન તથા સંતન
સંવત 1877ના અષાડ સુદિ 3 ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને મસ્તક ઉપર શ્વેત પાઘ વિરાજમાન હતી, ને કંઠને વિષે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વે સંત સાંભળો: એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી સંતે કહ્યું જે, પૂછો મહારાજ! પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
પછી મધ્યાહન સમે શ્રીજીમહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાને સમીપે બોલાવ્યા ને એમ કહ્યું જે, તમે સર્વે વિદ્યાર્થી મુને પ્રશ્ન પૂછો. પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૨) જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાસે અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈક ઠેકાણે ભાગે અથવા ક્યારેક રાજી થાય, ક્યારેક શોક કરે ઇત્યાદિક અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે જે, પ્રભુની સર્વે ક્રિયા કલ્યાણને અર્થે છે તે જ્યારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય તો તેને પરિપક્વ નિશ્ચયવાળો જાણવો.(બા.૨)
પછી નિર્માનાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૩) ભગવાન ને ભગવાનના સંત તેને વિષે દોષબુદ્ધિ ન આવે તેનો શો ઉપાય છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેવો પ્રથમ કહ્યો એવો ભગવાનનો અચળ નિશ્ચય હોય, તો તેને કોઈ રીતે ભગવાનને વિષે દોષબુદ્ધિ આવે નહિ અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહિ.(બા.૩)
પછી નિર્માનાનંદ સ્વામી ને નાના પ્રજ્ઞાનંદ સ્વામી એ બેયે મળીને પૂછ્યું જે,
(પ્ર.૪) જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણે અવસ્થાને વિષે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પૂર્વ જન્મનો કોઈક શુભ સંસ્કાર બળિષ્ઠ હોય તેને ભગવાનની મૂર્તિ ત્રણે અવસ્થામાં અખંડ દેખાય છે અથવા ભય, કામ ને સ્નેહ એ ત્રણ જેને વિષે અખંડ હોય તેને ભગવાન વિના બીજું પદાર્થ હોય તે પણ ત્રણે અવસ્થામાં અખંડ દેખાય છે તો ભગવાન દેખાય એમાં શું કહેવું? એ તો દેખાય જ.(બા.૪)
પછી નાના શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૫) સત્સંગને વિષે અચળ પાયો જેનો હોય તે કેમ જણાય? એક તો એ પ્રશ્ન છે, અને બીજો પ્રશ્ન એ છે જે,
(પ્ર.૬) માન, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, ઈર્ષ્યા ઇત્યાદિક જે શત્રુ તે કિયે પ્રકારે કરીને નાશ પામે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને સત્સંગનો અતિ દૃઢ પક્ષ હોય તે જ્યારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે જ નહિ, જેમ પોતાના કુટુંબી હોય ને તે સાથે કચવાણ થઈ હોય તો પણ જ્યારે તેનું કોઈ ઘસાતું બોલે ત્યારે ખમાય નહિ, એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગને વિષે અચળ છે.(બા.૫)
અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જે, જેને એવો સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંગાથે માન, મત્સર, ઈર્ષ્યા કેમ રાખી શકે? માટે જેને સત્સંગનો પક્ષ હોય તેના માન, મદ, મત્સર, ઈર્ષ્યા આદિક સર્વ શત્રુનો નાશ થઈ જાય છે.(બા.૬)
અને જેને સત્સંગીનો પક્ષ ન હોય અને સત્સંગી ને કુસંગીને વિષે સમભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જાતાં જરૂર વિમુખ થાય.(બા.૭)
પછી નાના આત્માનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૭) ભગવાન ને ભગવાનના સંત તે કોઈકને તો નિધડક થઈને જેમ કહેવું ઘટે તેમ કહે છે અને તેની કોરનો એમ ભરુસો આવે છે જે, આનું માન કરીશું અથવા તિરસ્કાર કરીશું તો ય પણ કોઈ રીતે પાછો નહિ પડે, એવો જે ભરુસો તે ભગવાન ને ભગવાનના સંતને કેમ આવે? એક તો એ પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન એ છે જે,
(પ્ર.૮) જે સંતને પાસે રહેતા હોઈએ તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે તેવો સત્સંગનો જેને દૃઢ પક્ષ હોય તો તેને કહેતાં-સાંભળતાં ભગવાન ને ભગવાનના સંતને સંશય થાય નહિ અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહિ જે આને કહેશું તો આ સત્સંગમાંથી જાતો રહેશે; તેની કોરનો તો દૃઢ વિશ્વાસ જ હોય જે એનો સત્સંગ તો અચળ છે, માટે એને કહેશું તેની કાંઈ ફિકર નથી. અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જે, જેને પાસે પોતે પ્રથમ રહેતા હોઈએ અને તેની સાથે પોતાને ન બન્યું ત્યારે બીજા પાસે જઈને રહે તો પણ જેની પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈક ઘસાતું બોલે તો ખમી શકે નહિ ત્યારે સર્વે સંતને એમ સમજાય જે આ તો કૃતઘ્ની નથી, જેને પાસે ચાર અક્ષર ભણ્યો છે તેનો ગુણ મૂકતો નથી, માટે બહુ રૂડો સાધુ છે એમ જાણીને સર્વે સંતને હેત રહે અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે ત્યારે સર્વ સંતને એમ જણાય જે આ કૃતઘ્ની પુરુષ છે તે જ્યારે આપણી સાથે નહિ બને ત્યારે આપણી પણ નિંદા કરશે, પછી તે ઉપર કોઈને હેત રહે નહિ.(બા.૮)
પછી દહરાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૯) ભગવાન તો અક્ષરાતીત છે અને મન-વાણી થકી પર છે અને સર્વને અગોચર છે, તે સર્વેને પ્રત્યક્ષ દેખાય છે તેનો શો હેતુ છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અક્ષરાતીત ને મન-વાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે જે, જ્ઞાની-અજ્ઞાની એવાં જે ર્મત્યલોકનાં મનુષ્ય તે સર્વે મુને દેખો, એમ ધારીને સત્ય સંકલ્પ એવા જે આ ભગવાન તે કૃપાએ કરીને ર્મત્યલોકનાં સર્વ મનુષ્ય દેખે એવા થાય છે.(બા.૯)
પછી ત્યાગાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૧૦) ભગવાન રાજી કેમ થાય? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઇચ્છવું નહિ, અને દર્શનનો પણ લોભ રાખવો નહિ ને ભગવાન જેમ કહે તેમ કરવું, એ જ ભગવાનને રાજી થયાનું સાધન છે.(બા.૧૦)
પછી લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૧૧) ભગવાન ને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ ત્યારે જણાય? અને આઠે પહોર અહો! અહો! સરખું કેમ રહે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભક્ત એમ સમજે જે, આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ, ગોલોક ને બ્રહ્મપુર તેના નિવાસી છે. તે સંત ને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ એ સર્વે ધામ છે, અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે, તે મારું અતિ બડું ભાગ્ય છે, એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે.(બા.૧૧)
પછી પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૧૨) સંતનાં બત્રીશ લક્ષણ કહ્યાં છે, તે શો ઉપાય કરે તો આવે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે બત્રીશ લક્ષણે યુક્ત સંત હોય તેને વિષે ગુરુબુદ્ધિ ને દેવબુદ્ધિ રાખીને મન, કર્મ, વચને એનો સંગ કરે તો એ સંગના કરનારાને વિષે પણ એ બત્રીશ લક્ષણ આવે છે. એવી રીતે સર્વ શાસ્ત્રમાં કહ્યું છે જે સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે.(બા.૧૨)
પછી શાન્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૧૩) એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય, અને બીજો તો ભગવાનનું ભજન-સ્મરણ પણ કરે, અને કથા-કીર્તન પણ કરે ને સાંભળે, એ બે પ્રકારના જે ભગવાનના ભક્ત તેમાં કિયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને નિર્વિકલ્પ સમાધિ થાતી હોય, અને દેહની ખબર રહે નહિ એવો હોય તો તે કથા-કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે, અને જેને દેહની ખબર રહેતી હોય, ને ભજનમાંથી પોતાની મેળે ઊઠીને ખાવું, પીવું, દેહની ક્રિયા તે સર્વે કરતો હોય અને જો ભગવાનની કથા-કીર્તન ન કરે ને ન સાંભળે તો તે થકી તો ભગવાનની કથા-કીર્તન કરતો હોય ને સાંભળતો હોય તે શ્રેષ્ઠ છે.(બા.૧૩)
પછી આધારાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૧૪) કેવી રીતે વર્તીએ તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પંચ વર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ રીતે ખોટ્ય આવવા દેઈએ નહિ, તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય છે, એમાં લેશમાત્ર સંશય નહિ.(બા.૧૪)
પછી વેદાન્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૧૫) જેણે પ્રથમ કાંઈક ગોબરું વર્તાણું હોય, પછી તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાન ને ભગવાનના સંત રાજી થાય? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય, તેને દેખીને ભગવાન ને ભગવાનના સંત કુરાજી થતા હોય, તે સ્વભાવ સાથે જ્યારે વૈર કરીએ, ત્યારે જેને જે સાથે વૈર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય, તે સંતને પણ ખબર પડે. પછી સંત તો તે સ્વભાવના વૈરી છે, તે આપણા પક્ષમાં ભળીને આપણા ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે, માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય તે સ્વભાવ સાથે સુધું દૃઢ વૈર બાંધીને તેનું મૂળ ઊખડી જાય એવો ઉપાય કરવો, ને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાન ને ભગવાનના સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે, અને જ્યારે હરિની ને હરિજનની જે ઉપર દયા થાય, ત્યારે તેને હૈયામાં અતિશે સુખ ર્વત્યા કરે, અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થી વધે અને પોતાના શત્રુ જે કામ, ક્રોધ, લોભાદિક તેનું બળ ઘટી જાય છે, માટે જે પોતાના હૃદયને વિષે અતિશે શત્રુ પીડતા હોય, તે સાથે અતિશે વૈર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે, માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વૈર કરવું ઘટે છે, ને પોતાના અંતર શત્રુ સાથે વૈર કર્યામાં ઘણો જ લાભ છે.(બા.૧૫)
પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૧૬) હે મહારાજ! જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈએ ને રહે છે, તેવી ને તેવી બીક છેટે જાઈએ તો પણ રહે, તે કેમ સમજીએ તો રહે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે, તેવી છેટે જાય તો પણ રહે, જો ભગવાનનું પૂરું માહાત્મ્ય સમજે તો, તે માહાત્મ્ય એમ સમજવું જે, અક્ષરાતીત એવા જે પુરૂષોત્તમ ભગવાન તેની ઇચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે, અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે, અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે, અને અન્વય થકા પણ વ્યતિરેક છે, અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે, તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામીરૂપે વિરાજમાન છે. અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી, અને અનંતકોટી બ્રહ્માંડને વિષે જે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય થાય છે, અને તેને વિષે સુખદુ:ખનો જીવોને સંબંધ થાય છે, તે સર્વે પુરૂષોત્તમના હાથમાં છે; જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે, એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે, પણ એ તો ઘોડાના આધાર છે. અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય જે પૃથ્વી ભગવાનને ધરી રહી છે પણ એ તો સ્થાવર-જંગમ સોતી સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે. અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય, અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય પણ આ ભગવાન તો સૂર્ય, ચંદ્રમા, અગ્નિ એ સર્વેને પ્રકાશના દાતા છે એવી અદ્ભુત સામર્થી છે, તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મુને દર્શન આપે છે, એવી રીતે માહાત્મ્ય સમજે તો જેવી પાસે રહ્યે મર્યાદા રહે છે તેવી ને તેવી છેટે જાય તો ય પણ રહે.(બા.૧૬)
પછી વળી ભગવદાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૧૭) ભગવાનના કર્યા વિના કાંઈ થાતું નથી; સર્વ ભગવાનનું જ કર્યું થાય છે, ત્યારે ભગવાનને અથવા ભગવાનના ભક્તને કાંઈક જ્યારે ભૂંડો દેશકાળ આવે છે, ત્યારે તે દુ:ખને કેમ ભગવાન ટાળતા નથી? અને તેને ટાળ્યાના મુનસુબા કેમ કરે છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે ભગવાનની એવી રીત જ છે જે, મનુષ્યની પેઠે સર્વ વ્યવહાર કરે પણ અલૌકિક સામર્થીને પ્રગટ કરે નહિ. એવી રીતે સર્વ શાસ્ત્રમાં ભગવાનનાં ચરિત્ર કહ્યાં છે, તેથી જ્યારે ભગવાન કાંઈ નવાં ચરિત્ર કરે ત્યારે સંશય કરજ્યો પણ જ્યાં સુધી પૂર્વે અવતાર થયા છે, તેના જેવાં ચરિત્ર કરે ત્યાં સુધી તો સંશય કરવો નહિ.(બા.૧૭)
પછી નિર્મળાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૧૮) કેમ સમજીએ ત્યારે પ્રભુના સંતનો મહિમા અતિશે જણાય? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મચ્છ, કચ્છ, વરાહ, વામન, પરશુરામ અને રામકૃષ્ણાદિક એ જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારે જે, જે ભગવાને રામકૃષ્ણાદિક અવતારે કરીને અનંત જીવનો ઉદ્ધાર કર્યો છે, તે ભગવાનના આ સંત છે, તેનો મારે સમાગમ મળ્યો છે તે માટે હું પણ અતિ બડભાગી છું એમ સમજે તો દિવસે દિવસે સંતનો મહિમા અતિશે જણાતો જાય.(બા.૧૮)
પછી નારાયણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૧૯) સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહને વિષે જીવ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે દેહને વિષે સુખદુ:ખનો યોગ થાય છે ત્યારે તે સુખદુ:ખને જીવ પોતાને વિષે માને ત્યારે તે જીવ અન્વયપણે છે અને જ્યારે ત્રણ દેહના સુખદુ:ખથી પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે.(બા.૧૯)
પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૨૦) જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાં ને સત્સંગીમાં અતિશે હેત હોય અને પછી કેમ ઓછું થઈ જાય છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રથમ તો એને સંતને વિષે અલૌકિક મતિ હોય ને પછી તો તે સંતનો અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને ઝાઝો દોષ પરઠે છે; પછી એની અસદ્વાસના થઈ જાય છે તેણે કરીને સંતને વિષે ઓછો ભાવ થઈ જાય છે તે જો વિચારીને અસદ્વાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય અને જો અસદ્વાસના ન ટાળે તો અંતે જાતાં વિમુખ થઈ જાય છે.(બા.૨૦)
પછી પ્રસાદાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૨૧) જીવને મોક્ષનો શો હેતુ છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ સંત કહે તેમ જ સંશય રહિત થકો કરે એ જ જીવને મોક્ષનો હેતુ છે.(બા.૨૧)
પછી ત્રિગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૨૨) દેશ, કાળ, ક્રિયા, સંગ એનું વિષમપણું હોય ત્યારે ત્યાં શો ઉપાય કરવો? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, દેશાદિક વિષમ હોય ત્યાં તો ઊગર્યાનો એ જ ઉપાય છે જે ત્યાંથી જે તે પ્રકારે કરીને ભાગી છૂટવું.(બા.૨૨)
પછી નાના નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૨૩) ભગવાનનો નિશ્ચય છે તો પણ અસદ્વાસના કેમ ટળતી નથી? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનનું માહાત્મ્ય યથાર્થ જાણ્યું નથી એટલે અસદ્વાસના ટળતી નથી.(બા.૨૩)
પછી મોટા યોગાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૨૪) ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ છે તો પણ ભગવાનને વિષે ને ભગવાનની કથાને વિષે હેત કેમ થતું નથી? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનનું જેવું માહાત્મ્ય છે, તેવું એને સમજ્યામાં આવ્યું નથી. અને જો યથાર્થ ભગવાનનું માહાત્મ્ય સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ રહે નહિ, ને એક ભગવાન ને ભગવાનના સંત અને ભગવાનની કથા-કીર્તન તેને વિષે જ અચળ હેત થાય છે.(બા.૨૪)
પછી પ્રતોષાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૨૫) ભગવાનની ભક્તિ અચળ કેમ રહે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ ને વાસુદેવ એ જે ચતુર્વ્યૂહ તથા કેશવાદિક જે ચોવિશ મૂર્તિઓ તથા વારાહાદિક જે અવતાર એ સર્વેના કારણ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પુરૂષોત્તમ ભગવાન તેનો મહિમા અતિશેપણે કરીને સમજે, તો તેને ભગવાનની શ્રવણાદિક જે નવધા ભક્તિ તે અચળ રહે.(બા.૨૫)
એવી રીતે સર્વ મુનિના પ્રશ્નનો ઉત્તર કરીને પછી શ્રીજીમહારાજ સર્વેને પૂછતા હવા જે,
(પ્ર.૨૬) કામ, ક્રોધ ને લોભ એ ત્રણ નરકના દ્વાર છે એમાંથી જેને જે અતિશે જીત્યામાં આવ્યો હોય તે સર્વે કહો.(બા.૨૬)
પછી જેને જે વાતની અતિશે દૃઢતા હતી તે તેવી રીતે બોલ્યા. તે મુનિનાં વચન સાંભળીને શ્રીજીમહારાજ અતિશે રાજી થયા અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી એ ચાર જણને રાજી થઈને હૃદયને વિષે ચરણારવિંદ દીધાં ને એમ બોલ્યા જે, જેમ મહાનુભાવાનંદ સ્વામી આદિક મોટેરા છે, તે ભેળા આ ચાર પણ છે, માટે એમનું કોઈને અપમાન કરવા દેશો મા, એમ મુક્તાનંદ સ્વામી આદિક જે મોટેરા સાધુ તેમને ભળામણ કરીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે જમવા પધાર્યા.(બા.૨૭)
ઇતિ વચનામૃતમ્ || 78 ||
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (26) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, કર્મનું બળ રાખવું નહિ ને રૂડા દેશાદિક સેવવા. (1) બીજામાં અમારા પ્રાકૃત ચરિત્રને કલ્યાણકારી જાણે તેનો પરિપક્વ નિશ્ચય છે. (2) ત્રીજામાં એવા નિશ્ચયવાળાને અમારે વિષે ને અમારા મુક્તને વિષે દોષબુદ્ધિ ન આવે. (3) ચોથામાં પૂર્વનો બળિષ્ઠ સંસ્કાર અથવા ભય, કામ ને સ્નેહ અખંડ હોય તેને અમારી મૂર્તિ ત્રણે અવસ્થામાં દેખાય છે. (4) પાંચમામાં સત્સંગનો પક્ષ હોય તેનો અચળ પાયો છે. (5) છઠ્ઠામાં એવા પક્ષવાળાના કામાદિક શત્રુ નાશ પામે છે. (6) અને જેને સત્સંગીને વિષે ને કુસંગીને વિષે સમભાવ હોય તે વિમુખ છે. (7) સાતમા ને આઠમામાં જેને સત્સંગનો પક્ષ હોય તેનો અમને ને સંતને ભરુસો આવે છે ને તેના ઉપર હેત રહે છે. (8) નવમામાં ઇંદ્રિયો-અંત:કરણને અગોચર અને અક્ષરધામથી પર એવા અમોએ દયા કરીને દર્શન આપ્યાં છે. (9) દશમામાં પોતાના રાજીપાનો ઉપાય બતાવ્યો છે. (10) અગિયારમામાં અમે ને અમારા મુક્ત જેવા અક્ષરધામમાં દિવ્ય છીએ તેવા જ દિવ્ય જાણે અને જ્યાં અમે ને અમારા મુક્ત વિરાજતા હોઈએ તે સ્થાનને અક્ષરધામ જાણે તો આઠે પહોર આશ્ચર્ય ને આનંદ રહે છે. (11) બારમામાં અમારા મુક્તને વિષે ગુરુબુદ્ધિ ને દેવબુદ્ધિ રાખીને મન-કર્મ-વચને સમાગમ કરે તો એમાં સંતનાં લક્ષણ આવે છે. (12) તેરમામાં નિર્વિકલ્પ સમાધિ ન થતી હોય તેણે કથા-કીર્તન કરવાં. (13) ચૌદમામાં પંચ વર્તમાન સંપૂર્ણ રાખે તેના ઉપર અમે ને અમારા મુક્ત પ્રસન્ન થઈએ. (14) પંદરમામાં કામાદિક શત્રુનું બળ ઘટવાનો અને કલ્યાણને માર્ગે ચાલ્યાની સામર્થી વધવાનો ઉપાય બતાવ્યો છે. (15) સોળમામાં અમને અક્ષરધામથી પર સર્વના કર્તા, નિયંતા ને મૂળઅક્ષરાદિક સર્વેને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ એવો અમારો મહિમા જાણે અને અમને અણુ અણુ પ્રત્યે સર્વત્ર જાણે તો અમારી મર્યાદા રહે છે. (16) સત્તરમામાં અમારાં પ્રાકૃત ચરિત્રમાં સંશય કરવો નહિ. (17) અઢારમામાં અમે રામકૃષ્ણાદિક અવતારોમાં અમારું ઐશ્વર્ય મૂકીને અનંત જીવોનો ઉદ્ધાર કર્યો છે એવા જે અમે તે અમારા આ સંત છે એમ જાણે તો અમારા સંતનો મહિમા અતિશે જણાય છે. (18) ઓગણીશમામાં જીવનું અન્વય ને વ્યતિરેકપણું કહ્યું છે. (19) વીશમામાં અસદ્વાસના થવાનો ને વિમુખ થવાનો હેતુ કહ્યો છે. (20) એકવીશમામાં મોક્ષનો ઉપાય બતાવ્યો છે. (21) બાવીશમામાં મારકૂટ થાતી હોય, નિરાકારવાદી ને કર્મવાદી, શક્તિપંથી, કુડાપંથી તેમનો યોગ થતો હોય ત્યાંથી ભાગી છૂટવું. (22) તેવીશમામાં અમારું માહાત્મ્ય યથાર્થ જાણે નહિ તેને અસદ્વાસના રહે છે. (23) ચોવીશમામાં યથાર્થ માહાત્મ્ય જાણે તો અમારે વિષે ને મુક્તને વિષે ને અમારાં કથા-કીર્તનને વિષે અચળ હેત થાય છે. (24) પચીશમામાં અમને સર્વ અવતારોના કારણ જાણે તો અમારી નવધા ભક્તિ અચળ રહે છે. (25) છવીશમામાં કામ, ક્રોધ, લોભ એ ત્રણ નરકનાં દ્વાર છે. (26) અને આત્માનંદ સ્વામી આદિક ચાર સદ્ગુરુઓ મોટેરા છે એમ કહ્યું છે. (27) બાબતો છે.
પ્ર.૧ ચોથા પ્રશ્નમાં ભય, કામ ને સ્નેહ એ ત્રણ વાનાં માયિક પદાર્થમાં હોય તો તે અખંડ દેખાય તો ભગવાન દેખાય એમાં શું કહેવું એમ કહ્યું અને (સા. 3ના 3/3 ત્રીજા પ્રશ્નમાં) માયિક પદાર્થ વીસરી જાય છે તો ભગવાન ક્યાંથી સાંભરે એમ કહ્યું છે તે કેમ સમજવું?
ઉ.૧ શ્રીજીમહારાજ તો મોટા મોટા અક્ષરાદિક સર્વેને અગમ્ય છે ને મોટા મોટા યોગીઓને પણ ધ્યાન કરતાં કોટી કલ્પ વીતી જાય તો પણ દેખાતા નથી એવા અતિશે અગમ્ય છે, એવા શ્રીહરિ તે આજ દયા કરીને જીવોને માયાનાં બંધનમાંથી છોડાવીને પોતાના તેજરૂપ દિવ્ય અક્ષરધામમાં લઈ જઈને પોતાનું અલૌકિક સુખ આપવા પધાર્યા છે, માટે દયા કરીને પોતાના ભક્તોને કહ્યું છે જે, માયિક પદાર્થમાં જેને ભય, કામ ને સ્નેહ હોય તેને માયિક પદાર્થ ત્રણે અવસ્થામાં અખંડ દેખાય છે, તેમ તમે જન્મ-મરણથકી ભય પામીને અમારા સુખની ઇચ્છા રાખીને બીજું સર્વે વિસારીને અતિ સ્નેહે કરીને અમારી મૂર્તિનો આલોચ રાખો તો તમોને અખંડ દેખાશું એમ વરદાન આપ્યું છે, માટે બીજું સર્વે વિસારીને શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી.
પ્ર.૨ અગિયારમા પ્રશ્નમાં આ ભગવાન ને આ સંત વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુર ધામના નિવાસી છે એમ કહ્યું અને (પ્ર. 37/5માં,લો. 13ના બીજા પ્રશ્નમાં, 14/2માં,18/3માં,પં. 1/1માં,7/1.2માં,અ. 6ના પહેલા તથા 2/3 બીજા પ્રશ્નમાં ,છે. 37માં તથા 38ના પહેલા પ્રશ્નમાં) શ્રીજીમહારાજ ને મુક્ત તે અક્ષરધામના નિવાસી છે એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું?
ઉ.૨ આમાં પોતાને તથા પોતાના મુક્તોને બ્રહ્મપુર એટલે અક્ષરધામના નિવાસી કહ્યા છે અને વૈકુંઠ તથા ગોલોકાદિકમાંથી પોતાના આત્યંતિક કલ્યાણને અર્થે આવેલા હતા તેમને વૈકુંઠ-ગોલોકના નિવાસી કહ્યા છે પણ પોતાને તથા પોતાના મુક્તોને વૈકુંઠ-ગોલોકના નિવાસી કહ્યા નથી, માટે જે ભક્ત એમ સમજે જે, વૈકુંઠ-ગોલોકના નિવાસી પણ પોતાના અત્યંતિક કલ્યાણને અર્થે આવ્યા છે, એવા મોટા શ્રીજીમહારાજ તેમના આ સંત છે, એવો મહિમા શ્રીજીમહારાજનો ને તેમના સંતનો સમજે તો તેને આઠે પહોર આનંદ વર્તે છે એમ સમજવું.
પ્ર.૩ ચૌદમામાં પંચ વર્તમાન કહ્યા તે ત્યાગી તથા ગૃહસ્થ કેવી રીતે પાળે ત્યારે યથાર્થ ર્વત્યા કહેવાય?
ઉ.૩ ત્યાગીના નિષ્કામ વર્તમાનનું લક્ષણ (પ્ર. 73ના પહેલા પ્રશ્નોત્તરમાં) કર્યું છે. (1) અને ત્યાગીના નિર્લોભી વર્તમાનનું લક્ષણ કહીએ છીએ જે, ધર્મામૃતમાં કહ્યા પ્રમાણે વસ્ત્ર રાખે પણ વધારે ન રાખે અને દ્રવ્ય રાખે-રખાવે નહિ તે સાધુ, બ્રહ્મચારી, પાર્ષદો કનિષ્ઠ નિર્લોભી કહેવાય, અને અગિયારથી વધારે વસ્ત્ર કે દ્રવ્ય રાખવાનો મનમાં સંકલ્પ જ ન થાય તે ત્યાગી વર્ગ મધ્યમ નિર્લોભી કહેવાય, અને અગિયારથી વધારે વસ્ત્ર કે દ્રવ્ય રાખવાનો મનમાં સંકલ્પ ન થાય અને મંદવાડમાં જોઈતી વસ્તુ ન મળે તો પણ કોઈ પ્રકારે મૂંઝવણ થાય નહિ તે ત્યાગી વર્ગ ઉત્તમ નિર્લોભી કહેવાય. (2) અને નિ:સ્વાદી વર્તમાનનું લક્ષણ એ છે જે, ત્યાગી વર્ગ શ્રીજીમહારાજની ઇચ્છાથી જે મળે તેમાં જળ નાખી મેળવીને શ્રીજીમહારાજને સંભારીને જમે પણ કોઈ વસ્તુ કોઈની પાસેથી માગે નહિ તે કનિષ્ઠ નિ:સ્વાદી કહેવાય, અને સહેજે મળ્યું હોય તેને પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો જમે તે મધ્યમ નિ:સ્વાદી કહેવાય, અને સારી વસ્તુનો ત્યાગ રાખે તેનો પાછો સંકલ્પ જ ન થાય તે ઉત્તમ નિ:સ્વાદી કહેવાય. (3) અને નિર્માની વર્તમાનનું લક્ષણ એ છે જે, કોઈ અપમાન કે તાડન કરે તેને સહન કરે ને તેના ઉપર ધોખો ન કરે ને તેનું ભૂંડું થવાનો સંકલ્પ ન કરે એ કનિષ્ઠ નિર્માની કહેવાય, અને માન-અપમાન કરનાર બેય સમ થઈ જાય તે મધ્યમ નિર્માની કહેવાય, અને નાના બાળકની પેઠે માન-અપમાનની માનીનતા રહે નહિ તે ઉત્તમ નિર્માની કહેવાય. (4) અને નિ:સ્નેહી વર્તમાનનું લક્ષણ એ છે જે, ત્રણ દેહથી પર એવો જે પોતાનો આત્મા તેને બ્રહ્મ જે શ્રીજીમહારાજનો પ્રકાશ તે રૂપ માનીને શ્રીજીમહારાજની અખંડ સ્મૃતિ રાખે તેમાં બીજો સંકલ્પ થાય તો તેનો નાશ કરી નાખે પણ તે સંકલ્પને પૂરો થવા દે નહિ તે કનિષ્ઠ નિ:સ્નેહી કહેવાય, અને કોઈક સમે ઘાટ થઈ આવે તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ ધૂળ નાખે ને વસમું લાગે તેવું વસમું લાગે તે મધ્યમ નિ:સ્નેહી કહેવાય, અને મૂર્તિ વિના બીજો સંકલ્પ થાય જ નહિ તે ઉત્તમ નિ:સ્નેહી કહેવાય. (5) આ સાધુ, બ્રહ્મચારી, પાર્ષદોનાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ વર્તમાન કહ્યાં તેમાં કનિષ્ઠ વર્તમાન દૃઢ રાખે તેના ઉપર પણ શ્રીજીમહારાજ ને સંત રાજી થાય છે તો મધ્યમ ને ઉત્તમવાળા ઉપર તો રાજી થાય એમાં શું કહેવું? માટે તે દૃઢ કરવાં. હવે ગૃહસ્થનાં પંચ વર્તમાનનાં લક્ષણ કહીએ છીએ જે, ગૃહસ્થને ત્રણ પ્રકારની સુરા, અગિયાર પ્રકારનું મદ્ય, ગાળ્યા વિનાનું દૂધ, ભાંગ્ય, અફીણ, તમાકુ, ગાંજો, માજમ, ચા, ડાક્ટરી ઔષધ તથા જેમાં દારુ આદિકનો સંસર્ગ હોય એવું અજાણ્યા વૈદ્યનું ઔષધ તે સર્વે દારુ કહેવાય અને (પ્ર. 55/2માં) ઇંદ્રિયોને પાતર્યું કહી છે અને વિષયને મદિરા કહેલ છે, માટે ભાંડ, ભવાયા, સરકસ, નાટક, તાયફા, જગતના મેળા, જૂગટું, ચોપાટ, ગંજીફો એ સર્વ દારુ તુલ્ય છે, માટે આટલાનો ત્યાગ કરે તો દારુનો ત્યાગ કર્યો કહેવાય. (1) અને પ્રત્યક્ષ માંસ, શોધ્યા વિનાનું અન્ન, ગાળ્યા વિનાનું જળ, ઘી, તેલ, લસણ, ડુંગળી, હીંગ, ઉંબરાનાં ફળ, કઠોળનું ઊંધિયું, ડાક્ટરી કોરી ફાકી તથા માંસના સંસર્ગવાળી વસ્તુઓ આટલીનો ત્યાગ કરે તો માંસનો ત્યાગ કર્યો કહેવાય. (2) અને કોઈની ધણિયાતી વસ્તુ તથા માર્ગમાં ને અરણ્યમાં પડેલી વસ્તુ ન લેવી તથા કોઈને દુ:ખાવીને પરાણે તેની કાંઈ વસ્તુ ન લેવી તથા કોઈની થાપણ ન ઓળવવી તથા દેવની દશોંદ-વિશોંદ દેવને આપવી તો ચોરી કરી ન કહેવાય. (3) હવે અવેરી એટલે બ્રહ્મચર્ય કહીએ છીએ જે, પરસ્ત્રીમાત્રનો સંગ ન કરવો ને મનમાં તેને ભોગવવાનો સંકલ્પ ન કરવો અને એકાંતમાં તેની સાથે ભાષણ ન કરવું અને માર્ગમાં તેની સાથે એકલા ચાલવું નહિ અને કુદૃષ્ટિએ તેને જોવી નહિ, એવી રીતે પરસ્ત્રીનો ત્યાગ રાખવો અને પોતાની સ્ત્રીનો પણ આસક્તિએ રહિત ઋતુસમે સંગ કરવો તેમાં પણ એકાદશીઓ તથા તેના આગલ્યા-પાછલ્યા દિવસો તથા ભગવાનની જન્મ તિથિઓ તથા તેના આગલ્યા-પાછલ્યા દિવસો, અમાસ, શ્રાવણ માસ, શ્રાદ્ધ, તીર્થ, વ્રત, યજ્ઞાદિકના દિવસોમાં પોતાની સ્ત્રીનો ત્યાગ રાખવો અને સમીપ સંબંધ વિનાની વિધવાનો સ્પર્શ ન કરવો. આ ગૃહસ્થનું બ્રહ્મચર્ય કહેવાય. (4) અને ન ખપતું હોય તેનું ખાવું નહિ અને જેને ન ખપે તેને ખવરાવવું નહિ. (5) તે પંચ વર્તમાન ગૃહસ્થનાં છે. આ કહ્યાં જે દારુ-માંસાદિક ગૃહસ્થનાં વર્તમાન તે ત્યાગીને તો પૂર્વ ભાગમાં ત્યાગી થયા મોરનાં જ છે તેણે સહિત નિર્લોભાદિક પાંચ વર્તમાન જાણવાં. આ કહ્યાં તે વર્તમાન સર્વને પાળવાં અને સધવા-વિધવાઓએ પણ પુરુષવર્જનાદિક ધર્મો તે પોતપોતાના આશ્રમ પ્રમાણે જાણવા.
પ્ર.૪ સોળમા પ્રશ્નમાં ભગવાન વ્યતિરેક થકા અન્વય રહ્યા છે અને અન્વય થકા વ્યતિરેક છે અને આ પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા જ અણુ અણુ પ્રત્યે અંતર્યામીરૂપે વિરાજમાન છે એમ કહ્યું તે પ્રમાણે તો શ્રીજીમહારાજ મૂર્તિમાન સર્વમાં રહ્યા છે એમ આવ્યું અને (પ્ર. 13ના ત્રીજા પ્રશ્નોત્તરમાં) અંતર્યામીરૂપે તેજ દ્વારે રહ્યા છે એમ કહ્યું છે તે પરસ્પર વિરોધ આવે છે તે કેવી રીતે સમજવું?
ઉ.૪ શ્રીજીમહારાજ સર્વમાં તેજ દ્વારે અંતર્યામીપણે રહ્યા છે પણ જે સિદ્ધદશાવાળા છે તે અણુ અણુ પ્રત્યે મૂર્તિને જ દેખે છે, માટે તેમને તો વ્યતિરેક જ છે, તેવી સમજણ એકાંતિક ભક્ત રાખે તો મર્યાદા રહે એમ કહ્યું છે. આનો વિસ્તાર (પ્ર. 45ના બીજા પ્રશ્નોત્તરમાં) છે.
પ્ર.૫ અઢારમા પ્રશ્નમાં શ્રીજીમહારાજે કહ્યું છે, રામકૃષ્ણાદિક અવતારોએ કરીને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો એવા જે અમે તે અમારા આ સંત છે એમ સમજે તો અમારા સંતનો મહિમા અતિશે સમજાય તે એમ સમજવાથી સંતનો મહિમા શો આવ્યો?
ઉ.૫ જેમ રાજાના અમલદારોથી રાણી મોટી કહેવાય, તેમ અવતારોથી મુક્તને મોટા કહ્યા છે તે (મ. 22ના 3/5 ત્રીજા પ્રશ્નમાં) મુક્તને રાણીને ઠેકાણે એટલે પોતાની તુલ્ય ગણ્યા છે અને મચ્છ-કચ્છાદિકથી લઈને મૂળઅક્ષરપર્યંત સર્વ અવતાર જાણવા.
ઇતિ શ્રી કચ્છ દેશે વૃષપુર નિવાસી અનાદિ મુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત સાક્ષાત્ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિ:સૃત વચનામૃત-રહસ્યાર્થ પ્રદીપિકાયાં ગઢડા પ્રથમ પ્રકરણં સમાપ્તમ્.