૫. વાસના નિવૃત્તિ થવાનો બળવાન ઉપાય - જીવ, ઈશ્વર, બ્રહ્મ ને પરબ્રહ્મનું અન્વય-વ્યતિરેકપણું - ભગવાનના દર્શન-સ્પર્શાદિકનો મહિમા.
સંવત 1877ના શ્રાવણ વદિ 9 નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૨) જીવ અન્વયપણે કેમ છે? ને વ્યતિરેકપણે કેમ છે? અને ઈશ્વર અન્વયપણે કેમ છે? ને વ્યતિરેકપણે કેમ છે? અને અક્ષરબ્રહ્મ અન્વયપણે કેમ છે? ને વ્યતિરેકપણે કેમ છે? અને પુરૂષોત્તમ ભગવાનને અન્વયપણે કેમ જાણવા? ને વ્યતિરેકપણે કેમ જાણવા? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જન્મમરણનું ભોક્તા એવું જે જીવનું સ્વરૂપ તે અન્વય જાણવું અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી એવું જે જીવનું સ્વરૂપ તે વ્યતિરેક જાણવું, અને વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એ ત્રણ શરીરમાં એકરસપણે વર્તે એ ઈશ્વરનું અન્વય સ્વરૂપ જાણવું અને પિંડબ્રહ્માંડથી પર સચ્ચિદાનંદપણે કરીને જે નિરૂપણ કર્યું છે તે ઈશ્વરનું વ્યતિરેક સ્વરૂપ જાણવું, અને પ્રકૃતિપુરુષ તથા સૂર્ય, ચંદ્રાદિક સર્વે દેવતા તેનું જે પ્રેરક તે અક્ષરનું અન્વય સ્વરૂપ જાણવું અને જે સ્વરૂપને વિષે પુરુષપ્રકૃતિ આદ્યે દઈને કાંઈ ઉપાધિ રહેતી નથી; એક પુરૂષોત્તમ ભગવાન જ રહે છે એ અક્ષરનું વ્યતિરેક સ્વરૂપ છે, અને બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષીરૂપ થકા રહ્યા છે અને બદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી તેમ જ ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષીરૂપે રહ્યા છે અને તે તે ઉપાધિથકી રહિત છે એ પુરૂષોત્તમનું અન્વય સ્વરૂપ છે અને જીવ, ઈશ્વર ને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ એ પુરૂષોત્તમનું વ્યતિરેક સ્વરૂપ જાણવું, એવી રીતે અન્વય-વ્યતિરેકપણું છે.(બા.૩)
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૩) ભગવાનના દર્શનનો મહિમા તથા ભગવાનના નામ-સ્મરણનો જે મહિમા તથા ભગવાનના સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વે જીવને સારુ છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, દર્શનાદિકનો તો ભેદ જુદો જ છે તે કહીએ તે સાંભળો જે, જ્યારે એ દર્શનનો કરનારો ભગવાનનાં દર્શન કરે છે ત્યારે એનું મન છે તે દૃષ્ટિ દ્વારે આવીને મને સોતી દૃષ્ટિએ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જે વિસારે તો ય પણ વીસરે નહિ એવી રીતે મને સહ વર્તમાન ત્વચા સ્પર્શ કરે તો તે સ્પર્શ પણ વીસરે નહિ. જેમ ગોપાંગનાઓનાં ભગવાન પ્રત્યે ભાગવતમાં વચન છે જે, હે ભગવન્! જે દિવસથી તમારા ચરણનો સ્પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે જે સંસારમાં સુખ છે તે અમને વિષ જેવાં લાગે છે, એવી રીતે સર્વે જ્ઞાન ઇંદ્રિયે કરીને મને સહ વર્તમાન જે દર્શન-સ્પર્શ-શ્રવણાદિક થાય છે તે કોઈ કાળે વીસરી જાતાં નથી, જેમ અજ્ઞાની જીવ હોય તેણે મને સહ વર્તમાન જે પંચજ્ઞાન ઇંદ્રિયો તેણે કરીને જે જે વિષય ભોગવ્યા હોય તે વિસારે તો ય પણ વીસરે નહિ એવી રીતે ભગવાનનું પણ મને સહ વર્તમાન જે દર્શનાદિક કરે છે તેને જ દર્શનાદિક જાણવું ને બીજાને તો દર્શન થયું છે તો ય પણ ન થયા જેવું જ છે, કાં જે જે સમે એણે દર્શન કર્યાં તે સમે એનું મન તો ક્યાંયે ફરતું હતું માટે એ દર્શન એને કાં તો એક દિવસમાં વીસરી જાશે અથવા પાંચ દિવસમાં અથવા પચાસ દિવસમાં અથવા છ મહિનામાં અથવા વર્ષમાં અથવા પાંચ વર્ષમાં જરૂર વીસરી જાશે પણ અંતે રહેશે નહિ, માટે જે માહાત્મ્ય જાણીને અતિ પ્રીતિએ કરીને મને સહિત દૃષ્ટિ આદિક જ્ઞાન ઇંદ્રિયે કરીને દર્શન-સ્પર્શાદિક કરે છે તેને જ તેમનું ફળ છે અને બીજાને તો જે પરમેશ્વરનાં દર્શનાદિક થાય છે તેનું બીજ બળ થાય છે અને યથાર્થ મહિમા તો જે મને સહ વર્તમાન દર્શનાદિક કરે છે તેને અર્થે છે.(બા.૪)
ઇતિ વચનામૃતમ્ || 5 || (83)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (3) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે શ્રદ્ધા તથા અમારા ને સંતના વચનમાં વિશ્વાસ ને અમારે વિષે પ્રીતિ ને માહાત્મ્ય એ ચાર હોય તેની વાસના ટળી જાય છે. (1) તેમાં એક માહાત્મ્ય અતિશે દૃઢ હોય તો પણ વાસના ટળી જાય છે ને કલ્યાણકારી ગુણ આવે છે. (2) બીજામાં જીવ, ઈશ્વર, અક્ષર ને પોતાનું અન્વય-વ્યતિરેકપણું કહ્યું છે અને અમે જેમ બદ્ધ ને મુક્ત જીવોને વિષે અંતર્યામીપણે રહ્યા છીએ તેમ જ ઈશ્વર ને અક્ષરને વિષે રહ્યા છીએ. (3) ત્રીજામાં અમારું માહાત્મ્ય જાણીને મને સહિત જ્ઞાન ઇંદ્રિયોએ કરીને દર્શન, સ્પર્શ, શ્રવણાદિક કરે તેને જ દર્શનાદિકનું સંપૂર્ણ ફળ થાય છે અને બીજાને બીજ બળ થાય છે. (4) બાબતો છે.
પ્ર.૧ (2/3 બીજા પ્રશ્નમાં) બદ્ધ જીવ, મુક્ત જીવ, ઈશ્વર ને અક્ષર કહ્યા તે કોને જાણવા?
ઉ.૧ મૂળમાયાને વિષે રહ્યા તે સર્વેને બદ્ધ જીવ કહ્યા છે અને તે બદ્ધ જીવને વિષે અંતર્યામીપણે રહીને કર્મફળ આપનારા ને તેમના ઉપરી જે મૂળપુરુષ તેમને ઈશ્વર કહ્યા છે. અને મૂળપુરુષ ઈશ્વરથી પર બ્રહ્મકોટી ને તેથી પર મૂળઅક્ષરના મુક્ત તે સર્વેને મુક્ત જીવ કહ્યા છે. અને તેમના ઉપરી જે મૂળઅક્ષર તેને અક્ષર કહ્યા છે. અને તે અક્ષરને વિષે ને મુક્ત જીવને વિષે તથા મૂળપુરુષ ઈશ્વરને વિષે તથા માયાબદ્ધ જીવને વિષે શ્રીજીમહારાજ તેજ દ્વારે અન્વયપણે રહ્યા છે અને બદ્ધ જીવ તેથી પર જે ઈશ્વર ને તેથી પર મુક્ત જીવ અને તેથી પર અક્ષર અને તે અક્ષરથી પર જે પોતાના તેજરૂપ બ્રહ્મજ્યોતિ જે અક્ષરધામ તેને વિષે દિવ્ય મૂર્તિમાન પોતાના મુક્તોએ સહિત વિરાજમાન છે તે શ્રીજીમહારાજનું વ્યતિરેક સ્વરૂપ છે. અને તે વ્યતિરેક મૂર્તિ જે શ્રીજીમહારાજ તેમનો સંબંધ પોતાના મુક્તોને છે પણ બીજા જે આગળ કહ્યા તે કોઈને નથી; એમને તો અન્વય સ્વરૂપનો સંબંધ છે.
પ્ર.૨ જીવ, ઈશ્વર ને અક્ષરનું અન્વય ને વ્યતિરેક સ્વરૂપ કહ્યું તે એ બે સ્વરૂપ જુદાં જુદાં હશે કે કેમ? અને જીવનું એક સ્વરૂપ જન્મ-મરણ ભોગવતું હશે ને એકને નહિ ભોગવવું પડતું હોય? અને ઈશ્વરના અન્વય સ્વરૂપને જ ઉત્પત્યાદિક પ્રવૃત્તિની ઉપાધિ હશે અને વ્યતિરેકને એ પ્રવૃત્તિનો સંબંધ નહિ હોય? અને અક્ષરના અન્વય સ્વરૂપને જ પ્રેરણા કરવી પડતી હશે અને વ્યતિરેક સ્વરૂપને તેનો સંબંધ નહિ હોય? તે કાંઈ સમજાતું નથી માટે કૃપા કરીને સમજાવો.
ઉ.૨ જીવને જન્મ-મરણ ભોગવવું પડે તે એનું અન્વયપણું કહ્યું છે પણ અન્વય ને વ્યતિરેક બે સ્વરૂપ નથી. તે જ્યારે માયાના બંધનથી મુકાય, ત્યારે જન્મ-મરણરૂપ ઉપાધિ ટળે, અને ઈશ્વરને ઉત્પત્યાદિક કરવાં તે પોતાની સત્તાએ કરીને પોતે જ કરે છે તે સત્તાને અન્વય સ્વરૂપ કહે છે, તે જ્યારે ઉત્પત્યાદિક પ્રવૃત્તિ મૂકી દે ત્યારે જ તેને ઉપાધિ ટળે, અને અક્ષર પણ પોતાના તેજરૂપ સત્તાએ કરીને પોતે જ પ્રેરણા કરે છે, માટે શક્તિમાનને વ્યતિરેક સ્વરૂપ કહે છે અને શક્તિને અન્વય સ્વરૂપ કહે છે પણ બે સ્વરૂપ જુદાં નથી, તે જ્યારે એ પ્રેરકપણું મૂકીને બ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ તે રૂપ થઈને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાય ત્યારે શ્રીજીમહારાજના પરમએકાંતિક મુક્ત થાય, ત્યારે જ ઉપાધિથી રહિત થાય. અને શ્રીજીમહારાજને કે તેજરૂપ શક્તિને ઉપાધિ છે જ નહિ અને અક્ષરના વ્યતિરેક સ્વરૂપમાં એક શ્રીજીમહારાજ રહે છે એમ કહ્યું છે તે અન્વયપણે સાક્ષીરૂપે રહ્યા છે તે સ્વરૂપ જાણવું.
પ્ર.૩ (3/4 ત્રીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજનું માહાત્મ્ય જાણીને દર્શનાદિક કરે તેને દર્શનનું ફળ છે એમ કહ્યું તે ફળ કિયું જાણવું? ને બીજબળ શું જાણવું?
ઉ.૩ મહિમા સમજીને દર્શન-સ્પર્શ-શ્રવણાદિક કરે તે કોઈ કાળે વીસરી જાય નહિ તે ફળ કહ્યું છે, અને દેહને અંતે તેનો મોક્ષ થાય. અને મહિમા જાણ્યા વિના દર્શનાદિક કરે તેને દર્શનાદિક કરેલું વીસરી જાય પણ તે જીવ કલ્યાણને માર્ગે ચાલે ને તેનું જન્માંતરે કલ્યાણ થાય તે બીજબળ જાણવું.
પ્ર.૪ જીવને વિષે શ્રીજીમહારાજ વિના બીજા અક્ષરાદિકનું અંતર્યામીપણું છે તે ક્યારે ટળે?
ઉ.૪ શ્રીજીમહારાજનો આશરો કરે પણ શ્રીજીમહારાજને શ્રીકૃષ્ણ જેવા જાણે ત્યાં સુધી પોતાને મૂળપુરુષના તેજરૂપ માને તેથી પુરુષનું અંતર્યામીપણું ટળે નહિ, અને શ્રીજીમહારાજને પુરુષથી પર જે બ્રહ્મ તેવા જાણે ત્યાં સુધી બ્રહ્મના પ્રકાશરૂપ પોતાને માને ત્યારે પુરુષનું અંતર્યામીપણું ટળી જાય પણ બ્રહ્મનું રહે, અને મૂળઅક્ષર જેવા શ્રીજીમહારાજને જાણે ત્યારે અક્ષરના તેજરૂપ પોતાને માને ત્યારે બ્રહ્મનું ટળી જાય ને અક્ષરનું રહે, અને જ્યારે શ્રીજીમહારાજને અક્ષરથી પર સમજે ને તેમના તેજરૂપ પોતાને માને ત્યારે શ્રીજીમહારાજ વિના બીજા કોઈનું અંતર્યામીપણું રહેતું નથી.