૧૧. જીવ નાશ પામવાનું કારણ - જીવના નાશનો અર્થ - પંડિતને ભગવાનનો તથા સંતનો મહિમા ન જણાવાનું કારણ - આત્મદર્શનનું, સત્પુરુષનો મહિમા જણાવાનું તથા ભગવાનનું સાક્ષાત્ દર્શન થવાનું સાધન.
સંવત 1882ના પોષ સુદિ 15 પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા, ને કર્ણની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા, ને પાઘને વિષે પુષ્પના તોરા લટકતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
એ વાત સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૨) હે મહારાજ! જીવ તો અવિનાશી કહ્યો છે, તેનો નાશ તે કેમ જાણવો? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પર્વતનું કે બીજું એવું જ જે કોઈક જડ દેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહિ એટલે એના જીવનો નાશ થઈ ગયો એમ જાણવું.(બા.૨)
માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો. અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહિ કેમ જે માન છે તે તો ક્રોધ, મત્સર, ઈર્ષ્યા ને દ્રોહ એનો આધાર છે. અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય. અને ભગવાનના ભક્તને જો બિવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો. અને અમારો તો એ સ્વભાવ છે જે બ્રાહ્મણનો ને ગરીબનો ને ભગવાનના ભક્તનો કોઈક દ્રોહ કરે તે તો અમને દીઠો જ ગમે નહિ. અને આ લોકમાં ને પરલોકમાં તેને ને અમારે સોબત રહેવાની નથી. એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજે બે પદ ગવરાવ્યાં જે "મારા હરજીશું હેત ન દીસે રે તેને ઘેર શિદ જઈએ" એક તો એ ને બીજું જે "મારા વા'લાજી શું વાલપ દીસે રે તેનો સંગ કેમ તજીએ." અને એ પછી બે પદ શીખ્યાની સત્સંગી માત્રને આજ્ઞા કરીને એમ કહ્યું જે, એ બે પદમાં વાર્તા છે તેને નિત્ય ગાઈને સંભારી રાખવી.(બા.૩)
એમ કહીને શ્રીજીમહારાજ શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ એક મંચ હતો તે ઉપર આવીને વિરાજમાન થયા. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૩) આ સંસારને વિષે જે પંડિત છે તે શાસ્ત્રપુરાણ સર્વે વાંચે છે, પણ તેને ભગવાનનો ને સંતનો જેમ છે તેમ મહિમા કેમ સમજાતો નથી? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, શાસ્ત્ર-પુરાણ વાંચે છે તો ખરા પણ એને ભગવાનનો આશરો નથી; માટે કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, મત્સર તેણે એના જીવને હરવી નાખ્યો છે અને કામાદિક જે શત્રુ તે એને કોઈ કાળે માથું ઉપાડવા દેતા નથી. પછી તે પંડિત પોતાની પેઠે જ ભગવાન ને ભગવાનના સંતને સમજે જે જેમ અમારા કામાદિ શત્રુ કોઈ કાળે નિવૃત્તિને પામતા નથી તેમ એના પણ કામાદિક શત્રુ નિવૃત્તિ નહિ પામતા હોય એમ ભગવાન ને ભગવાનના સંતને વિષે દોષ સમજે. માટે શાસ્ત્ર-પુરાણ વાંચે પણ એને ભગવાન કે ભગવાનના સંતનું જેમ છે તેમ યથાર્થ માહાત્મ્ય સમજાતું નથી.(બા.૪)
પછી શ્રીજીમહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિ મંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૪) બ્રહ્મસ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો ત્રણ શરીર ને ત્રણ અવસ્થા તે થકી પર વર્તતા હોય અને ચૌદે ઇંદ્રિયોની ક્રિયા તે પોતાને વિષે એકે માનતા ન હોય તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહિ ને જ્યારે એને મોટા પુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટા પુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મસ્વરૂપને વિષે સ્થિતિ પણ ન થાય અને આત્માને વિષે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય. માટે પરસ્પર વિરોધ આવ્યો તે વિરોધ ટળે તે ઉપાય કહો. પછી જેની જેવી નજર પૂગી તેણે તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે લ્યો અમે ઉત્તર કરીએ; એનો ઉત્તર તો એ છે જે, પૃથ્વીને વિષે જે ભગવાનનો અવતાર તેમને મળેલા જે સંત તે સંગાથે જ્યારે એને અતિશે પ્રીતિ થાય ત્યારે એ સત્પુરુષને વિષે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહિ, અને જેને જે સંગાથે દૃઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહિ અને તેનાં વચન પણ સત્ય મનાય. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ એ રીતિ છે, માટે સત્પુરુષને વિષે દૃઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થાવાનું પણ એ જ સાધન છે.(બા.૫)
ઇતિ વચનામૃતમ્ || 11 || (211)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારો, અમારા ભક્ત, બ્રાહ્મણ ને ગરીબ એમાંથી કોઈનો દ્રોહ કરે તેનો જીવ નાશ પામે. (1) બીજામાં કોઈ કાળે કલ્યાણ ન થાય એવો જડ દેહ આવે , તે જીવનો નાશ જાણવો. (2) અને ક્રોધ, મત્સર ને ઈર્ષ્યાનું આધાર માન છે, અને માનીની ભક્તિ આસુરી છે. (3) ત્રીજામાં અમારે વિષે ને ભક્તને વિષે દોષ પરઠે તે શાસ્ત્ર-પુરાણ વાંચે તો પણ અમારું માહાત્મ્ય સમજી શકે નહિ. (4) ચોથામાં સત્પુરુષને વિષે પ્રીતિ એ જ આત્મદર્શનનું ને મુક્તનો મહિમા જાણ્યાનું ને અમારું દર્શન થવાનું સાધન છે. (5) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં ભગવાન, ભક્ત, બ્રાહ્મણ ને ગરીબનો દ્રોહ કરે તેનો જીવ નાશ પામે એમ કહ્યું તે દ્રોહ કેવી રીતે થતો હશે?
ઉ.૧ શ્રીજીમહારાજને નિરાકાર તથા અકર્તા જાણે ને તેમની બાંધેલી જે પંચ વર્તમાન સંબંધી આજ્ઞા તે ન પાળે તે શ્રીજીમહારાજનો દ્રોહ કર્યો કહેવાય. અને આજ્ઞા યથાર્થ પાળતા હોય ને ધ્યાન-ભજન કરતા હોય તેને ધ્યાન-ભજન કરવામાં વિક્ષેપ કરે, દુઃખ દે, તાડન કરે ને એનું ભૂંડું થવાનો સંકલ્પ કરે, એવી રીતે ભક્તનો દ્રોહ થાય છે. અને બ્રાહ્મણનાં લક્ષણે યુક્ત એવા બ્રાહ્મણને ભયંકર વચને કરીને ડારો દે તથા આજીવિકા તોડે એમ દુઃખવે તે બ્રાહ્મણનો દ્રોહ કર્યો કહેવાય. અને ગરીબને વાંક વિના પીડે તથા વઢે, તાડન કરે એમ દુ:ખ દે તે ગરીબનો દ્રોહ કર્યો કહેવાય. આ ગરીબનો ખુલાસો (પ્ર. 27ના ચોથા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.