પ્રસંગ : ૧૦૦

ડૉક્ટરે ઘરના સભ્યોને વાત કરી, "રાત્રે તેમને બીજો હાર્ટઍટેક આવ્યો છે. આ બીજો પહેલાં કરતાં પણ વધારે જોખમકારક છે. દર્દીની હાલત નાજુક છે. કાંઈ કહી શકાય નહિ." આવું સાંભળતાં ઘરના સર્વે ચિંતિત થઈ ગયા. હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ બીજો ઍટેક આવવાથી બધા ગભરાઈ ગયા. દરેક સભ્ય ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. અને સેવકે મામાને ફોન કરી પ્રાર્થના કરી, "મામા, અત્યારે પિતાજીની તબિયત ઘણી નાજુક છે. ઉપરા-ઉપરી બે ઍટેક આવી ગયા છે. આપ કંઈ દયા કરો. અમારે સૌને તેમનો જ આધાર છે. ઘરમાં તેઓ એક જ કમાનારા છે. હું નોકરીએ લાગ્યો નથી. એવામાં પિતાજી ધામમાં જતા રહે તો અમે મુસીબતમાં મુકાઈ જઈએ. આપ કાંઈક કરો તો સારું. થોડી કૃપા વર્ષા કરો તો આપની બહુ દયા." સેવક વારંવાર મામાને વિનવવા લાગ્યો, પરંતુ મામા કાંઈ જવાબ આપતા નહોતા. થોડીવારે મામા કહે, "તારા પિતાજીનું આયુષ્ય છે નહિ. આપણે મહારાજને પ્રાર્થના કરીએ તો બાર મહિનાનું આયુષ્ય આપે પણ ખરા, પરંતુ તેઓ હરી-ફરી ન શકે. મહારાજ કહે છે તેમના પ્રારબ્ધ પ્રમાણે તેમને પક્ષઘાત થાય કે બીજું કાંઈક, પણ તેઓ રહેશે તો પથારીવશ જ. તારા પિતાજીએ આખી જિંદગી કોઈ પાસે શેનીય મદદ માંગી નથી. હવે અંત સમયે તેમને સાવ પરાધીનપણે લાચાર અવસ્થામાં જીવવું પડે તે તેમનાથી સહન થઈ શકશે નહિ. સ્વમાનભેર જીવન વિતાવનારને લાચારી ભોગવવી જરાય ગમે નહિ. પછી તેમને અત્યારે જેટલો ભગવાનમાં વિશ્વાસ અને શ્રદ્ધા છે તેટલા પણ નહિ ટકી રહે. હવે તું કહે શું કરવું છે?"

અનાદિમુક્ત પૂર્ણસ્થિતિને પામેલા હોવાથી તેઓ બધું જોઈ-જાણી શકતા હોવાથી ચોક્કસપણે કહી શકે છે. જ્યારે આપણે પરિસ્થિતિથી વાકેફ ન હોવાથી મોટાને પ્રાર્થના કરતા રહીએ છીએ, પરંતુ રાખવાથી કેવું પરિણામ આવશે તે જાણતા નથી. જ્યારે મુક્ત સર્વજ્ઞ હોવાથી પોતાના અંગતને પરિસ્થિતિથી વાકેફ કરે છે કે આમ થશે તો શું કરવું છે?

સેવકને પણ જ્યારે મામાએ વાત કરી, ત્યારે વિચારમાં પડ્યો કે ઘરના આધાર છે, પરંતુ રહે તે પણ ન રહેલા જેવા હોય અને રહે ત્યાં સુધી તેમને લાચારી ભોગવી પરાધીન જીવવું પડે અને શારીરિક તકલીફ તો વેઠવી જ રહી. એમ વિચારતાં સેવકે મામાને કહ્યું, "તમે કહો છો તેમ તેમના પ્રારબ્ધમાં હોય અને એ રીતે રહેવાનું હોય તો પછી ભલે જેમ મહારાજની મરજી હોય તેમ કરે. તેમને વધુ તકલીફ નથી આપવી." સેવકે આવો નિરાસક્ત ભાવ દર્શાવ્યો તેથી મામા તેના પર ઘણા રાજી થયા. સેવકને આશીર્વાદ આપ્યા, "તું મુંઝાઈશ નહિ. તારા પિતાજી જતા રહેશે પછી પણ તમારા ઘરનો વ્યવહાર બરાબર ચાલતો રહે તેવી ગોઠવણ ભગવાન કરશે. ધીરે-ધીરે બધું ગોઠવાઈ જશે. આપણે સદાય મહારાજની મરજીમાં રાજી રહેવું. મહારાજનો નિર્ણય સહર્ષ સ્વીકારી લેવો. તેઓ જે કરે તે આપણા ભલા માટે જ હોય. તેઓ ક્યારેય કોઈનું ભૂંડું કરતા નથી. દરેક જીવનું રૂડું જ કરે છે તેવો વિશ્વાસ રાખવો. કદાચ એ વખતે એમ લાગે કે મહારાજે આ યોગ્ય નથી કર્યું, પરંતુ સમય જતાં ખ્યાલ આવે કે ભગવાને જે કર્યું તે યોગ્ય જ હતું. એટલે તેમનામાં સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા. તેઓ સદાય આપણી રક્ષામાં જ હોય છે. ગમે-તેવી પરિસ્થિતિ આવે હિંમત હારવી નહિ, ધીરજ ગુમાવવી નહિ અને ગમે તેવા સંજોગો હોય ભગવાનને સંભાર્યા કરવા. તેમને ક્યારેય મૂકવા નહિ. દ્રઢપણે એક નિષ્ઠા રાખી તેમને ભજ્યા કરીએ તો મુશ્કેલી રહેવા પામે નહિ." સેવકને આશીર્વાદ આપી મામાએ ફોન મૂકી દીધો. સેવકને મનમાં હવે કોઈ ભય નહોતો. મામાના વચને તેનામાં બળ પ્રેર્યું હતું. તેનામાં શ્રદ્ધા, વિશ્વાસ અને હિંમત વૃદ્ધિ પામ્યા હતાં. બીજે દિવસે જ તેના પિતાજી ધામમાં પધાર્યા. ઘરના સર્વે દુઃખી થયા, પરંતુ સેવકને મામાએ ધીરજ પ્રેરી હતી આથી તેણે શાંત ચિત્તે બધી વિધિ પતાવી ને હિંમતભેર પરિસ્થિતિનો સામનો કર્યો. અને ઘરના સભ્યોને પણ હિંમતના વચનો કહી ધીરજ પ્રેરી.

અનાદિમુક્તના વચનમાં એવું બળ રહેલું હોય છે કે દરેકમાં ધીરજ આવે, હિંમત આવે અને પરિસ્થિતિ ગમે તેવી વિપરીત હોય સામનો કરવાની સમજ મુક્તના વચનો દ્વારા પ્રાપ્ત થાય છે. નાહિંમતમાં શક્તિનો અનેરો સંચાર થઈ તે મુસીબતોનો સામનો કરવા સજ્જ થઈ જાય છે.