પ્રસંગ : ૧૦૧

શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ અલૌકિક છે, દિવ્ય છે. એક વખત તે સુખનો અનુભવ થયા પછી આ લોકના બધા સુખ વારી-ફેરીને નાખી દઈએ તો પણ ગણતરીમાં ન આવે તેવું દિવ્ય સુખ છે. અનાદિમુક્ત એ સુખનો અખંડ અનુભવ કરે છે. જ્યાં સુધી આપણને એ સુખનો અનુભવ નથી, ત્યાં સુધી આ બધી સાંભળેલી વાતો જ લાગે અને સુખ ન આવે. જેમ ગોળ ગળ્યો છે તે સાંભળવાથી તેના ગળપણનું સુખ નથી આવતું. કેવો અને કેટલો ગળ્યો છે તે જાણવા ગોળ ખાવો જ પડે. તેવી રીતે વાતો સાંભળવાથી સંતોષ ન થાય અને કેટલાય તર્ક-વિતર્ક મનમાં થયા કરે.

એક હરિભક્ત અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા. પોતે વિદ્વાન હતા અને સાથે-સાથે આધ્યાત્મિકતામાં રસ ધરાવનારા હોવાથી સંપ્રદાયના ગ્રંથો વાંચે. તેમાં મહારાજના દિવ્ય અલૌકિક સુખ વિશે તેમ જ એ સુખ અનાદિમુક્ત અખંડ ભોગવે છે તેવું વાંચવામાં આવે. આ વાત તેમના મગજમાં બેસતી નહોતી. પોતાની લૌકિક બુદ્ધિ પ્રમાણે તર્ક કર્યા કરે. કોઈ કઈ રીતે અખંડ સુખ ભોગવી શકે? તેનો જવાબ તેમને મળે નહિ. એક વખત મનમાં આ પ્રશ્ન સાથે મામાને મળવા આવ્યા. મામાને તેમણે પૂછ્યું, "તમે અખંડ મહારાજની મૂર્તિનું દિવ્ય સુખ ભોગવો છો? કોઈ અખંડ તો કઈ રીતે ભોગવી શકે? આખા દિવસ દરમ્યાન આપણે કેટલી બધી એવી ક્રિયાઓ કરતા હોઈએ કે જેમાં જાગૃત રહી ધ્યાન કેંદ્રિત કરીએ ત્યારે જ કાર્ય થાય. એવે સમયે ભગવાનમાં વૃત્તિ કઈ રીતે રહે? અને જો એ વખતે વૃત્તિ ન હોય તો સુખ અખંડ કઈ રીતે કહેવાય? આ વાત મારા મગજમાં બેસતી નથી. આપ મને સમજાવો." મામા કહે, "તમને વાત નથી સમજાતી એ સ્વાભાવિક છે. તાર્કિક રીતે એ સમજાય પણ નહિ. જ્યાં સુધી એ સુખનો અનુભવ ન હોય, ત્યાં સુધી આવા પ્રશ્નો મનમાં થાય. હું તમને સમજાવું. અત્યારે રૂમમાં ઉપર પંખો ફરે છે બરાબર? આપણે બંને વાતો કરીએ છીએ છતાં તેની ઠંડકનો અનુભવ થાય છે. હું ગમે તે કામ કરતો હોઉં, ગમે તેવું એકાગ્રતાવાળું કામ, છતાં મને ઠંડક તો મળતી જ રહેવાની બરાબર? હું કામ કરું, જમવા બેસું કે પછી સૂઈ જાઉં એ ઠંડક સતત મળતી રહે છે કે નહિ? તેના માટે મારે યત્ન નથી કરવો પડતો. તેવી જ રીતે મને ભગવાનનું અખંડ સુખ અનુભવાય છે. હું ગમે તે ક્રિયા કેમ ન કરતો હોઉં છતાં મને પંખાની ઠંડકની જેમ એ સુખનો સતત અનુભવ થયા જ કરે છે. ક્ષણમાત્ર અરે! તેનાથી પણ ઓછા સમય માટે એ સુખ ક્યારેય બંધ નથી થતું. અવિરત ભોગવ્યા જ કરું છું. મારી વાત હવે તમે કદાચ થોડી સમજ્યા હશો. પૂર્ણપણે તો જ્યારે એ સુખનો અનુભવ થાય, ત્યારે જ ખ્યાલ આવે. કારણ કે ભગવાનનું અલૌકિક સુખ એ અનુભવનો વિષય છે ચર્ચાનો નહિ." હરિભક્ત કહે, "ઘણા સમયથી મારા મનમાં આ પ્રશ્ન થયા કરતો હતો. આજે એમ લાગે છે કે હું પ્રશ્નનું સમાધાન મેળવી શક્યો છું."

અનાદિમુક્ત પૃથ્વી પર પધારે ત્યારે આ લોકના કાર્યો કરવા, આ લોકની રીત પ્રમાણે જીવન જીવવું તે તો એક આદર્શ પ્રસ્થાપિત કરવા દેખાવ માત્ર હોય છે. બાકી તેઓ તો મહારાજના દિવ્ય અલૌકિક સુખમાં અખંડ ગુલતાન રહે છે.