પ્રસંગ : ૬૩
મુંબઈના એક પ્રતિષ્ઠિત સત્સંગી ભગવાનની કૃપાથી ઘણા સમૃદ્ધિવાન. પોતાની સમૃદ્ધિનો સારા કાર્યોમાં પણ ઉપયોગ કરે, ધાર્મિક સંસ્થાઓમાં તેમ જ ધાર્મિક કાર્યોમાં મોટા દાન આપે, કેટલાય ગરીબોને આર્થિક સહાય કરે, જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને ભણવા માટેની સગવડ કરી આપે. પોતાની આર્થિક સમૃદ્ધિનો સદ્ઉપયોગ તેઓ કરતા હોવાથી મામાનો તેમના પર વિશેષ રાજીપો રહેતો.
પ્રારબ્ધકર્મને લીધે તેમને હાર્ટની ત્રણ નળીઓ બ્લોક થઈ ગઈ અને તાત્કાલિક બાયપાસ સર્જરી કરાવવી પડે તેમ હતું. અને તેમાંય ઘણું જોખમ રહેલું હતું. હરિભક્તને ઑપરેશન કરાવવાની બહુ ઇચ્છા નહોતી. તેમના પત્ની પણ ઘણા ભગવદીય હતાં. ભજન-ભક્તિ કર્યા કરે. મામાનો મહિમા પણ ઘણો જાણે, મામાને અનાદિમુક્ત જાણે અને એવું દ્રઢપણે માને કે મામા પ્રાર્થના કરે તે પ્રાર્થના શ્રીજીમહારાજ જરૂરથી સાંભળે છે. જ્યારે ડૉક્ટરોએ ઑપરેશન અને તેમાં રહેલા જોખમ વિશે તેમને વાત કરી, ત્યારે તેઓ અતિશય મૂંઝાઈ ગયાં. જેમ કોઈ બાળક મુસીબતમાં પડે ત્યારે તેને તેના માવતર યાદ આવે છે અને એ તકલીફની ઘડીમાં તેમની પાસે દોડી જાય છે. તેમ આ બહેનને પણ આવી દુઃખદ પરિસ્થિતિમાં પોતાના માવતર સમ મામા યાદ આવ્યા. તેમણે મામાને ફોન કરી વિગતે માહિતી આપી. વાત સાંભળી મામા થોડીવાર મૌન રહ્યા. પછી બહેનને કહે, "તમે હિંમત રાખજો. તમારા પતિનું આયુષ્ય છે નહિ. ભગવાન તેમને તેડી જશે." આવું સાંભળતાં બહેન ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં. મામાને પ્રાર્થના કરવા લાગ્યાં કે, કુટુંબમાં બધાને તેમની જરૂર છે અને હજી મારે પણ તેમની જરૂર છે. આપ મહારાજને પ્રાર્થના કરો અને એમને આયુષ્ય આપો. તમે ધારો તેમ થાય છે. શ્રીજીમહારાજ તમારી પ્રાર્થના સાંભળે છે. મારા વતી મહારાજને આટલી પ્રાર્થના કરો. આવી રીતે વારંવાર રડતાં-રડતાં મામાને પ્રાર્થના કરવા લાગ્યાં. થોડીવારે મામાએ કહ્યું, "તેમનું આયુષ્ય છે નહિ, પણ તમારા આંસુ શ્રીજીમહારાજ સુધી પહોંચ્યા છે. તમારા આંસુ અને સાચો ભાવ જોઈને મહારાજને દયા આવી ગઈ છે. તેઓ કહે છે હવે તમારા પતિને કાંઈ નહિ થાય. તેઓ બચી જશે. આયુષ્ય પૂરું થઈ ગયું હોવા છતાં મહારાજ તેમને રાખશે."
મામા તરફથી આશીર્વાદનું કવચ મળતાં બહેનને આશ્વાસન મળ્યું અને પતિને આયુષ્ય મળવાના વિશ્વાસે તેમનામાં હિંમત આણી. મામાના આશીર્વાદ મળ્યા પછી ચમત્કારિક રીતે હાર્ટને કોઈ બીજી એક નળીમાંથી લોહીનો પ્રવાહ મળવા લાગ્યો અને ઑપરેશનની જરૂર ન જણાઈ. ડૉક્ટરો કહે, "આવું ઘણીવાર બને કે શરીર પોતાની મેળે સમસ્યાનું સમાધાન શોધી કાઢે." ડૉક્ટરો એ વાત ક્યાંથી સમજી શકે કે શરીરે પણ સમસ્યાનું સમાધાન મુક્તના આશીર્વાદ મળ્યા પછી શોધ્યું. તે પહેલાં શરીર પણ તેમ કરવા સમર્થ ન હતું. મામાના આશીર્વાદ મળ્યા પછી જ બીજી નળીમાંથી લોહીનો પ્રવાહ મળવો શરૂ થયો. આજે પણ એ સત્સંગી હરિભક્ત વગર ઑપરેશને સામાન્ય જીવન જીવી રહ્યા છે અને સત્સંગની સેવા બજાવી રહ્યા છે.
અનાદિમુક્તના આશીર્વાદ અશક્યને શક્ય બનાવે છે. આયુષ્ય વગરનાને આયુષ્ય અર્પે છે. હવે આને ચમત્કાર કહેવો હોય તો ચમત્કાર કહો કે અનાદિમુક્ત મામાના આશીર્વાદનું સામર્થ્ય બધું એકનું એક છે.