પ્રસંગ : ૯૪

પૃથ્વી પર આવેલા જીવને સંસાર વ્યવહારમાં રહેલો હોવાથી જીવનમાં સુખ-દુઃખ આવ્યા કરે એનું નામ જ જીવન. તેમાંય સુખમાં છકી ન જઈ અને દુઃખમાં વિહ્વળ થયા વગર ધીરજપૂર્વક કપરા સમયનો સામનો કરી, પ્રભુભજન કરી હિંમત હારે નહિ તે ખરો વ્યવહારુ કહેવાય. જીવનમાં આવનારી મોટાભાગની મૂંઝવણનો માનવી સામનો કરી લે છે, પરંતુ આર્થિક સંકળામણની પરિસ્થિતિ માનવીને ધીરજ ખોઈ બેસવા મજબૂર કરે છે. તેવી પરિસ્થિતિમાં તે વિહ્વળ થઈ ઊઠી આર્થિક કટોકટી દૂર કરવા દિવસ-રાત મથામણ કરી તેને દૂર કરી આર્થિક સદ્ધરતા મેળવવા પ્રયત્ન કર્યા કરે છે. સમાજમાં આર્થિક સદ્ધરતાની અગત્ય ઘણી છે. આર્થિક સદ્ધરતા ધરાવનારનો જ આદર-સત્કાર થાય તેમ જ માન-પાન તેને જ મળે. બાકી બૌદ્ધિક કે આધ્યાત્મિક સદ્ધરતાવાળાને બહુ ઓછા ઓળખે અને બહુ ઓછાના હૃદયમાં તેમના પ્રત્યે ભાવ હોય. આ બંનેની સાથે થોડીક આર્થિક સદ્ધરતા હોય તો વાત જુદી બને છે. પૂર્ણ સ્થિતિને પામેલા મુક્ત આમાં અપવાદ છે. બાકી બીજાને તો આર્થિક સંકળામણ મૂંઝવણ ઊભી કરે જ છે.

મામાના એક સેવકને આ જ જીવનમાં ભગવાન મેળવવા તે એક લક્ષ. પુરુષ પ્રયત્ન પૂરતા કરી લઈ મોટાનો રાજીપો મેળવી મહારાજના દિવ્ય સુખની પ્રાપ્તિ કરવી તે એક જ તાન. કહેવાય છે ને કે જીવ જ્યારે એ પથ પર ડગ માંડે, ત્યારે ભગવાન ભક્તની કસોટી કરે છે. તે એટલા માટે કે ભક્ત પૂર્ણ રીતે પરિપક્વ થાય. કસોટીમાંથી પસાર થતા તે વધુ પાત્ર બને છે. જીવને વધુ ને વધુ મોટા પાત્ર બનાવવા પ્રભુ કસોટી કરતા હોય છે. સેવકને ઘરમાં તેમના પિતા એક જ કમાનારા હતા. જે એકાએક ધામમાં પધાર્યા. સેવકને નોકરી તો મળી ગઈ, પરંતુ સાવ સીમિત આવકની. એટલી આવકમાંથી ઘર વ્યવહાર ચલાવવો ઘણો મુશ્કેલ હતો. આવક કરતાં ખર્ચ વધારે હતો. કેમેય બે છેડા ભેગા ન થાય.

આમ થતાં સેવક મૂંઝવણમાં મુકાયો થોડો સમય તો સંકળામણમાં ભગવાન સંભારી કાઢ્યો, પરંતુ આર્થિક સંકળામણ દૂર થવાના કોઈ આસાર ન દેખાતાં સેવકે મામા પાસે આવી મામાને વિગતે વાત કરી. વાત કરતાં સેવક ગળગળો થઈ ગયો. તેને વિચારો આવવા લાગ્યા. મામા પાસે આ હું શું માંગી રહ્યો છું? મામા તો મૂર્તિનું સુખ દેવા સમર્થ છે અને એ આપવા તેઓ પૃથ્વી પર પધાર્યા છે અને હું તેમની પાસે આ લોકની ક્ષુલ્લક વસ્તુ માંગી રહ્યો છું! પરંતુ અત્યારે હું લાચાર છું. મામા સિવાય મારે બીજો કોઈ આધાર રહ્યો નથી ને બીજા કોઈમાં મને વિશ્વાસ પણ નથી. સેવક મામાનો મહિમા ખૂબ જાણે અને તેમના વચનમાં અતૂટ શ્રદ્ધા રાખે તેથી જ મૂંઝવણનો માર્ગ મામા પાસે શોધવા આવ્યો હતો. મામાએ સેવકની વાત જાણી કહ્યું, "તારે આર્થિક મુશ્કેલી ઘણી છે. આટલી ઓછી આવકમાં વ્યવહાર ચલાવવો મુશ્કેલ તો પડે જ." આમ કહી મામાએ સેવકને સીધો જ સવાલ પૂછ્યો, "તારે કરોડપતિ બનવું છે? બોલ? એક સંકલ્પ માત્રમાં તારું બધું એવું ગોઠવાતું જાય કે તું થોડા વખતમાં જ કરોડપતિ થઈ જાય." આવો સીધો અને લલચામણો સવાલ સાંભળતાં સેવક અવાચક થઈ ગયો. જરા વાર તો આનંદમાં આવી ગયો વિચારવા લાગ્યો, મામા જ મારું દુઃખ ભાંગશે તેવી મારી શ્રદ્ધા સાચી જ હતી. મામાથી શું ન થાય? તેઓ તો પૂર્ણ મુક્ત છે. ધારે તેમ કરી શકે. સંકલ્પમાત્રમાં બધું જ થાય. મને કરોડપતિ બનાવવાનું કહે જ છે ને!

સેવક વિચારોમાં ખોવાયેલો હતો ને મામાએ પાછું પૂછ્યું, "શું વિચારમાં પડ્યો છે? બોલ કરોડપતિ બનવું છે?" આર્થિક સંકળામણમાં સીધી જ કરોડપતિ બનવાની વાત! આ તો એવી વાત થઈ કે પંદર દિવસથી ખાવાનું જોયું ન હોય ને કોઈ છપ્પન ભોગ ખવડાવવાની વાત કરે. એવે વખતે કોઈ કઈ રીતે ના પાડી શકે! જરાવાર માટે તો સેવક રાજી થઈ ગયો, પરંતુ આને આ જન્મે જ મહારાજની મૂર્તિ મેળવવાનું સેવકનું લક્ષ હતું. એ લક્ષ તેના જીવમાં એવું ચોંટી ગયું હતું કે એ વાત તે ક્યારેય વિસરી શકે તેમ નહોતું. આથી મામાના આવા લલચામણા પ્રસ્તાવનો જવાબ આપતાં પહેલાં તેણે મામાને પૂછ્યું, "તમે મને કરોડપતિ બનાવો તો ખરા તેમાં શંકાને કોઈ સ્થાન નથી, પરંતુ આધ્યાત્મિક માર્ગે એ મને નડતરરૂપ તો નહિ થાય ને? આને આ જન્મે મને મૂર્તિનું સુખ તો મળશેને?" અનાદિમુક્ત તો બધું જ જાણે. તેમનાથી કાંઈ અજાણ્યું ન હોય. પૂર્વેનું, અત્યારનું અને હવે પછીનું બધું જ તેમને હસ્તામળ. સેવકના પ્રશ્નના જવાબમાં મામાએ કહ્યું, "આ જન્મે કરોડપતિ થાય પછી બીજા ત્રણ જન્મ ધરવા પડે. મહારાજનું સુખ મેળવવામાં એટલો વિલંબ થઈ જાય. બીજા ત્રણ જન્મ પછી મેળ પડે." આવું સાંભળતાં પોતાના એક માત્ર લક્ષ્યથી પોતે દૂર થઈ જવાની લાગણી તેને થઈ આવી. તેમ થતાં તે એકદમ ગભરાઈ ગયો. પોતાના લક્ષ્ય માટે કોઈ બાંધ-છોડ કરવા પોતે તૈયાર નહોતો. તેના માટે તેમ કરવું શક્ય નહોતું. એ લક્ષ્ય બાબત સમાધાનના સંકલ્પ પણ તે કરી શકે તેમ ન હતું. મામાના મુખે ત્રણ જન્મ અને ત્યાર બાદ મૂર્તિ મળે તેવી વાત સાંભળતાં મામાના સૂચન પ્રત્યે વિચારવાનો પ્રશ્ન અસ્થાને હતો. તેણે તરત મામાને પ્રત્યુત્તર આપ્યો, "એવું હોય તો મારે કરોડપતિ નથી બનવું. મહારાજ જેમ રાખે તેમ રહીશ. ભગવાન અમને ભૂખ્યા નહિ સૂવાડે તેની ખાતરી છે."

સેવકના મુખે આવું સાંભળતાં મામા ઘણા રાજી થયા. સેવકને કહે, "તું ખરેખર સાચો મુમુક્ષુ છે. ભગવાન મેળવવા આવી જ પાત્રતા જોઈએ. પ્રભુજીને પામવાના માર્ગે કોઈ પ્રલોભનો અવરોધ કરી શકે નહિ તે જ ખરો ભાવ છે. વધુ પૈસા મેળવીને શું કરવાનું? આ લોકની ક્ષણભંગુર વસ્તુ મેળવવી અને આ લોકમાં થોડી વાહ-વાહ મેળવવી તેથી વિશેષ કાંઈ નહિ. ભગવાનના માર્ગે ચાલવામાં પૈસાની ક્યાં આવશ્યકતા છે? ગમે તેવા સંજોગોમાં પણ તેમનું ભજન-સ્મરણ તો સુખે કરી જ શકાય ને? એમને સંભારવામાં આર્થિક સદ્ધરતાની ક્યાં જરૂરિયાત છે? ભગવાન પાસે આર્થિક સમૃદ્ધિ કે રંકપણું જેવા માપદંડ નથી. એ બધા આ લોક વ્યવહારમાં છે. ત્યાં તો ખરો પાત્ર જીવ જ પહોંચે છે. તારે સંકળામણ ઘણી છે તે વાત સાચી છે. ભગવાન તારા ઘરનો વ્યવહાર ચાલી રહે તેટલા પૈસા તને આપશે. તેમાં રાજી રહી ભગવાન ભજવા. જેને એ પંથે આગળ વધવું છે તેને એથી વિશેષ પૈસાની આવશ્યકતા પણ ક્યાં છે? હું ભગવાનને પ્રાર્થના કરીશ તારા ઘરનો વ્યવહાર ચાલી રહે તેટલી તારી આવક કરી આપે. તારે સુખે ભગવાન ભજવા. તેં જે માર્ગ પસંદ કર્યો છે તેમાં પુરુષપ્રયત્ન પૂરતા કરી સાધનામાં આગળ વધ્યા કરવું, તો મહારાજ બહુ રાજી થાય ને વધુ ને વધુ પાત્ર કરતા જાય." મામાના આવા વચનો સાંભળી સેવક રાજી થયો તેને પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત આવી અને પોતાના લક્ષ્યની વધુ દ્રઢતા થઈ. તેની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયાં. મામાને કહે, "મામા, આજે તમે મને લાલચમાં ફસાતો બચાવી લીધો. મને યોગ્ય જવાબ આપવાની પ્રેરણા આપી. ઘરની પરિસ્થિતિનો વિચાર આવતાં થોડીવાર હું વિચારમાં પડી ગયો હતો. આપના આશીર્વાદથી વ્યવહાર ચાલી રહે તેટલી આવક હોય તો કોઈ વાંધો નથી. આપ મને આશીર્વાદ આપો જેથી મેં નક્કી કરેલા પથ પર ચાલવામાં આવા લોભ-લાલચ કે બીજા કોઈ પ્રલોભનોમાં હું આકર્ષાઈ ન જાઉં. અને એ પથ પર આગળ વધી મહારાજનું સુખ મેળવવા ખરો પાત્ર બનું." મામાએ રાજી થઈ સેવકને આશીર્વાદ આપ્યા.

અનાદિમુક્ત સંકલ્પમાત્રમાં ધારે તે કરી નાખે એવા સમર્થ છે, પરંતુ સાથે-સાથે પાત્ર જીવને સાચવી પણ લે. જેણે પ્રભુ મેળવવા સાધના શરૂ કરી હોય તેની સાધનામાં કોઈ વિઘ્નો નડે નહિ તેની તકેદારી પોતે રાખે છે. આ જ તો તેમની દયા છે, કૃપા છે. હાથ ઝાલ્યો મૂકતા નથી.