પ્રસંગ : ૭૬

અનાદિમુક્તનું સામર્થ્ય અગાધ હોય છે. મુમુક્ષુ જીવને દિવ્ય આધ્યાત્મિક પ્રાપ્તિ કરાવી શકતા હોય તેઓ માટે આ લોકના જીવોના દુઃખ-દર્દ દૂર કરવા સહજ વાત છે. સત્સંગ સમુદાયમાં હરિભક્તોને શારીરિક કષ્ટમાંથી મુક્ત કર્યા હોય એવા અનેક દાખલાઓ છે. આ લોકના જીવો માટે તો એ પણ બહુ મોટી વાત હોય છે. આથી મામાએ કરેલા એ ઉપકારને તેઓ જીવનભર ભૂલી શકતા નથી. તેને સુખદ સ્મૃતિ તરીકે યાદ રાખી દરેકને મામાના સામર્થ્યની જાણ કરતા હોય છે. તેવો જ એક પ્રસંગ અહીં પ્રસ્તુત છે.

સર્વમંગલ સોસાયટીમાં મામાના ઘરનું રિનોવેશનનું કામ ચાલતું હોવાથી મામા તથા માસી આઠ નંબરના ઘરમાં રહેવા આવ્યા હતા. ઘરનું કામ હોવાથી ઘણા કામો રહેતા. આથી એ દિવસોમાં સેવકોને સેવાનો વધુ લાભ મળે. એક દિવસ એક સેવક થોડો મોડો આવ્યો. મામાએ એ વિશે પૂછતાં સેવકે કહ્યું, "મામા, મારા સાળાને ઍપેન્ડિક્સનો દુઃખાવો ઉપડ્યો છે. તેને દવાખાને લઈ ગયા તો ડૉક્ટર કહે, 'અત્યારે દાખલ કરી દો ઑપરેશન કરવું પડશે.' અહીં કામ હોવાથી અત્યારે તો હું તેને ઘરે લઈ આવ્યો છું અને બીજું આપની સલાહ પણ લેવાની હતી. આપની રજા મળ્યા પછી ઑપરેશન ક્યાં કરાવવું, ક્યારે કરાવવું વગેરે બાબતો નક્કી કર્યા પછી નિર્ણય લઈ શકાય ને." મામા કહે, "ઑપરેશન કરાવીએ તો પછી તમારે તેમની પાસે તેમની સેવામાં રહેવું પડે." સેવક કહે, "હા મામા. પછી અઠવાડિયું નીકળી જાય અને આપણે અત્યારે અહીં ઘણું કામ હોવાથી હું તેને પાછો ઘરે લઈ આવ્યો છું. શું કરવું તેની સમજ પડતી નથી." મામા કહે, "તેને અહીં લઈ આવો." સેવક ઘરે જઈ સાળાને કહે, "ચાલો મામા બોલાવે છે." તેઓ કહે, "મને અસહ્ય દુઃખાવો થાય છે. મારાથી એક ડગલું પણ ચલાય તેમ નથી." સેવક કહે, "ક્યાં દૂર જવાનું છે? આટલે જ જવાનું છે. હિંમત કરી ધીમે-ધીમે ચાલી નાખો તો સારું." તેમના સાળા કહે, "મારાથી ખાટલા પરથી ઊભા નથી થવાતું હું ચાલું કઈ રીતે?" તેઓ પેટ પકડી બેસી ગયા. સેવકે બીજા એક સેવકને બોલાવી તેમને ઊંચકી મામા પાસે લઈ આવી મામા પાસે તેમને બેસાડ્યા. તેઓ વાંકા વળી જઈ પેટ પકડી માંડ-માંડ બેઠા.

મામાએ ભગવાન સંભારી તેમના પેટ ઉપર હાથ ફેરવ્યો અને ચમત્કાર થયો. પેટનો સખત દુઃખાવો તરત દૂર થઈ ગયો. જાણે ક્યારેય હતો જ નહિ તેવું સારું થઈ ગયું. ત્યાં હાજર સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. પેલા ભાઈ તો પેટ દબાવી ચકાસણી કરી જોતા હતા કે દબાવવાથી દુઃખાવો થતો નથી ને? મામા કહે, "તમારો ઍપેન્ડિક્સનો દુઃખાવો મહારાજે દૂર કરી દીધો. અત્યારે ઘરનું કામ ચાલે છે તેથી માણસોની જરૂર છે. તમારું ઑપરેશન કરાવીએ તો ઘણા દિવસ બધાએ તેમાં રોકાયેલું રહેવું પડે. માટે ભગવાને તમારું દરદ મટાડી દીધું છે." સેવક અને તેમના સાળાને ઘણું જ અચરજ થયું. તેઓ વારંવાર પેટ પર હાથ ફેરવી ચકાસ્યા કરતા હતા. તેમને હજી વિશ્વાસ બેસતો નહોતો કે આમ ફક્ત હાથ ફેરવતાં જ દુઃખાવો કઈ રીતે અદ્રશ્ય થઈ ગયો? બંને મામાને પગે લાગ્યા. સેવક તરત સેવા કાર્યમાં જોડાઈ ગયો. આ પ્રસંગ બાદ તેમના સાળાને આજ દિન સુધી ફરી પાછો ક્યારેય દુઃખાવો ઉપડ્યો નથી. આજે પણ આ વાત યાદ કરી તેઓ રોમાંચિત થઈ જાય છે. આ વાત બધાને કહે છે અને મામાને સંભારી પોતાને ધન્ય માને છે.