પ્રસંગ : ૭૧

અમદાવાદ શાહીબાગના મંદિરમાં આવતા હરિભક્તો દર્શન કરી સભામંડપમાં ગોઠવાઈ જતા હતા. જેઓ સભામંડપમાં નહોતા બેઠા તેઓ દૂર ઊભા રહી જોતા હતા. દર્શન કરતાં પણ હરિભક્તોના મન સભામંડપમાં હતા. બધા હરિભક્તો ફક્ત સાંભળી રહ્યા હતા કોઈ કાંઈ બોલતું ન હતું. ધીમા અવાજે શરૂ થયેલી વાતે ધીમે-ધીમે ચર્ચાનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને એ ચર્ચા ધીમે-ધીમે ઉગ્ર સ્વરૂપમાં ફેરવાઈ રહી હતી. તે એટલી હદ સુધી કે બે પક્ષમાંથી એક પક્ષના સભ્યો વધુ ઉગ્ર બનતા આવેશમાં આવી જઈ બીજા પક્ષને મારવા ઊભા થયા હતા.

બનાવની વિગત એવી હતી કે ઈસ્કોન મંદિરના સંતો અમદાવાદના શાહીબાગ મંદિરમાં મહારાજના દર્શન કરવા આવ્યા હતા. ત્યાં આવી કૃષ્ણ ભક્તિના ભજનો ગાયા ને સભામંડપમાં મંદિરના સંતો સાથે વાદમાં ઉતર્યા કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી નથી. કૃષ્ણ ભગવાન જ સર્વોપરી છે. જ્યારે સંતો મહારાજ સર્વોપરી છે, તેમ કહેતા હતા. જે વાત ઈસ્કોનના સંતો કોઈ રીતે માનવા તૈયાર ન હતા. કેટલાય ગીતાના શ્લોકો ટાંકી કૃષ્ણ ભગવાન સર્વોપરી છે તેમ સાબિત કરવા તત્પર હતા. તો સામે પક્ષે સંતો પણ વચનામૃતના અવતરણો ટાંકી મહારાજ સર્વોપરી છે તેમ સમજાવવા મક્કમ હતા. જેમાં ઈસ્કોનવાળા કૃષ્ણ ભગવાનને સર્વોપરી સાબિત કરવામાં સફળ નહોતા થઈ શકતા જેથી તેઓને પોતાની હાર જણાઈ રહી હતી. અને આ વાત તેઓ પચાવી શકે તેમ નહોતા. જેથી ક્રોધાવેશમાં એક સંત ઊભા થઈ પોતાનું મૃદંગ ઊંચું કરી સ્વામીને મારવા તૈયાર થઈ કહેવા લાગ્યા, "અમે કૃષ્ણના સાચા સંત છીએ. અમે કહીએ છીએ કે કૃષ્ણ સર્વોપરી છે તે વાત કેમ માનતા નથી. હવે નહિ માનો તો આ મૃદંગ માથામાં મારીશ." ક્રોધમાં તે સંત ગમે-તેમ બોલવા લાગ્યા. ક્રોધે કરીને તેમનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. એવે સમયે મામા ત્યાં હાજર હતા. તેમણે સંતને શાંત પાડ્યા ને કહ્યું બંને પક્ષ મારી વાત સાંભળી પછી નિર્ણય કરજો. મામાએ એટલા સ્વસ્થ અને શાંત રહી પ્રભાવશાળી અવાજમાં કહ્યું કે બધા મામાની વાણી સાંભળવા મજબૂર થઈ ગયા.

મામાએ કહ્યું કોણ સર્વોપરી છે એ ચર્ચાનો વિષય જ નથી. એ તો અનુભવનો વિષય છે. અનુભવે કરીને જ એની ખાતરી થાય છે. ચર્ચા કે વાદ-વિવાદથી ક્યારેય કોઈ નિર્ણય નથી થઈ શકતો. વાદ-વિવાદથી દુશ્મનાવટ વધે છે. વિષયવસ્તુને વધુ સારી રીતે સમજવા કે જ્ઞાન પ્રાપ્તિ માટે ચર્ચા થાય તે યોગ્ય પણ છે અને આવકારદાયક પણ છે, પરંતુ વાદ-વિવાદ કરવાથી કોઈ અર્થ સરતો નથી. Argument for the sake of argumentથી કાંઈ વળતું નથી. કોણ સર્વોપરી છે તેનો વિવાદ કરી તમે શું સાબિત કરવા ધારો છો? જ્યારે હાર-જીતનો પ્રશ્ન હોય હરીફાઈ થતી હોય, ત્યારે કોઈ એક પક્ષ પાસે બીજા પક્ષના પ્રશ્નોના ઉત્તર ન હોય તો એક પક્ષ જીતે છે અને કોણ જીત્યું એ નક્કી કરવા કોઈ જજ જોઈએ કે જે વિષય વસ્તુથી પૂર્ણપણે વાકેફ હોય તે જ વ્યક્તિ નક્કી કરી શકે કે કોણ વધુ જ્ઞાની છે. અહીં તો જે વિષય પર આટલો બધો ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે તે વિષયથી બંને પક્ષ અજાણ છે. અધૂરું જ્ઞાન ધરાવનારો છે. આ વિષય અનુભવને આભારી છે અને બંને પક્ષ બિનઅનુભવી છે. તમારામાંથી કોણે કૃષ્ણ ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા છે. તે કહો? અને આ પક્ષે કોણે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા છે તે કહો? બંને પક્ષમાંથી એક પણ સંત એક શબ્દ બોલી શક્યા નહિ. મામા કહે, બંને પક્ષમાંથી કોઈએ પોતાના ઇષ્ટદેવના દિવ્યસ્વરૂપના દર્શન કર્યા નથી તો પછી કોઈ પણ કઈ રીતે કહી શકે કે પોતાના ઇષ્ટદેવ સર્વોપરી છે? પછી ઈસ્કોનના સંત સામે દ્રષ્ટિ કરતાં કહ્યું, આપ પોતાને સાચા સંત કહો છો આપ તો સાચા સંતના લક્ષણોથી વાકેફ જ લાગતા નથી. પ્રભુના સાચા સંતમાં આવો ક્રોધ હોય? હજી તો તમે તમારા આવેગો ઉપર જ કાબૂ નથી મેળવ્યો ત્યાં સર્વોપરીપણાની વાત કઈ રીતે કરી શકો? મેં સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય તેજોમય દર્શન કર્યા છે. અખંડ તે દિવ્ય સુખમાં ગુલતાન રહું છું. મને એ સુખનો અનુભવ છે. અને એ અનુભવે કરીને હું કહું છું કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. ઉપાસનાના ભેદે કરીને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. આ વાત હું સ્વાનુભવે કહી શકું છું. તમારા કોઈમાંથી કોઈનેય એવો અનુભવ થયો હોય તો મને કહો.

મામાના પ્રભાવશાળી, આકર્ષક અને સંમોહક અવાજથી બધા અંજાઈ ગયા. તેમની સમજાવટથી દરેકના મનમાંથી વાદ-વિવાદ દૂર થઈ તે ચર્ચાનું શમન થઈ ગયું. મામાના સત્ય વચન પાસે કોઈ એક શબ્દ બોલી શકવા સમર્થ રહ્યું નહિ. સ્વાનુભવની વાત હોય ત્યાં બિનઅનુભવી શું બોલી શકે?