પ્રસંગ : ૮૩
એક સમયની વાત છે. અગત્યનું કામ હોવાથી મામા સેવક સાથે બળદિયા ગયા હતા. બળદિયા કામ પતાવી પાછા અમદાવાદ આવવા નીકળવાનું થયું એવે સમયે જ મામાને શરીરે સારું જણાય નહિ. સેવકે જોયું તો મામાને શરીરે તાવ હતો. સેવકને ચિંતા થઈ કે હવે અમદાવાદ કઈ રીતે જવાશે? એકાદ દિવસ અહીં રોકાઈ મામાને સારું થાય પછી જ નીકળીશું. સમય થતાં મામાએ સેવકને નીકળવાનું કહ્યું. અને કહ્યું જલદી નીકળીએ નહિ તો મોડું થશે તો અમદાવાદના કામ અટવાઈ જશે. સેવક કહે, "મામા, આપના શરીરે ઘણો તાવ છે. કામ તો થયા કરશે. આપને જરા સારું થાય પછી નીકળીએ." મામા કહે, "નીકળવું તો પડશે. હું ગાડીની પાછલી સીટમાં સૂઈ જઈશ. તમે અને હરિભક્ત આગળ બેસી જજો ઝડપથી ગાડી ચલાવજો. અમદાવાદ પહોંચી પછી આરામ કરીશ. ત્યાંનું કામ પણ અગત્યનું છે, માટે નીકળી જઈએ."
મામાનું સૂચન સેવકને બહુ રુચ્યું નહિ, પણ આજ્ઞા થઈ એટલે કાંઈ બોલાય તો નહિ. તેઓ તૈયાર થઈ મામાને પાછલી સીટમાં સૂવાડી નીકળ્યા. મોરબી પહોંચ્યા ત્યાં એકદમ વરસાદ પડવો શરૂ થઈ ગયો. સેવક વિચારવા લાગ્યો અત્યારે ઝડપથી જવું છે ત્યારે આ વરસાદે વિઘ્ન કર્યું. આવા વરસાદમાં ગાડી ઝડપથી કઈ રીતે ચલાવવી? સેવકે ગાડીનું વાઈપર ચાલુ કર્યું, પણ જાણે તેની જરૂર જણાઈ નહિ. કાચ ઉપર જાણે પાણી પડતું ન હતું. આગળ જુએ તો વરસાદ જોરથી પડતો જણાય. સેવકે ગાડી ધીમી પાડી પાછળ જોયું તો પાછળ પણ એકદમ વરસાદ પડતો હતો. આગળ પણ વરસાદ હતો, પરંતુ ગાડી પર પડતો ન હતો. આવું જોઈ સેવકને ઘણું આશ્ચર્ય થયું. ગાડી પર વરસાદ પડતો ન હોવાથી સેવક ઝડપથી ગાડી ચલાવી શકે. ખાતરી કરવા સેવકે બે-ત્રણ વખત પાછળ જોયું. પાછળ વરસાદ, ગાડીની આગળ વરસાદ, પરંતુ ગાડી પર નહિ. દરેક વખતે એવું જ દેખાય! સેવકે સાથેના હરિભક્તને વાત કરી તેઓએ પણ ખાતરી કરતાં એમ જ જણાયું. આમ થતાં સેવક ઝડપથી ગાડી ચલાવી અમદાવાદ પહોંચી ગયા. હરિભક્ત અને સેવક આવું અચરજ જોઈ આશ્ચર્ય પામ્યા હતા. અનાદિમુક્ત ધારે તે કરી શકે. કુદરતને પણ વશ રાખી પોતાની મરજી પ્રમાણે તેની પાસે અમલ કરાવે.