પ્રસંગ : ૫૫

શ્રીજીમહારાજના વ્યતિરેક સ્વરૂપનું જેઓ અખંડ સુખ ભોગવતા હોય તેઓ સ્વયં સુખરૂપ હોય છે. તેમના જોગમાં આવનાર દરેકને એક અનેરી શાંતિનો અનુભવ થાય છે, તેમના સાંનિધ્યમાં લૌકિક સંકલ્પો વિરામ પામે છે, મનમાં કોઈ ક્‌લેશ કે ગ્લાનિનો અનુભવ થતો નથી. તેઓ પોતે દુઃખ, શોક, ગ્લાનિથી પર પૂર્ણ સુખરૂપ હોવાથી તેમની નજીક આવનારને પણ તેવો અનુભવ થાય છે. અને તેમનું જીવન પરિવર્તન પામી સુખ પ્રાપ્તિ કરે છે.

એક સેવકને ત્યાં એક કાર ડ્રાઈવર નોકરી કરે. જ્યારે તેણે નોકરી સ્વીકારી એ વખતે તેને દારૂનું બહુ વ્યસન હતું. દારૂ વગર તેને જરાય ચાલે નહિ. પણ જ્યારે સેવકને ત્યાં નોકરી સ્વીકારી અને મામાના દર્શન કરવા આવ્યો. પહેલી જ વાર મામાના દર્શન થતાં તેને મનમાં શાંતિનો અનુભવ થયો અને કુદરતી જ તેને મનમાં એમ થયું કે આવા મહાન વ્યક્તિ જ્યાં હોય અને જો મારે તેમની સેવા કરવી હોય, તો મારે દારૂના વ્યસનને તિલાંજલિ આપી દેવી જોઈએ. આમ વિચાર કરતાંની સાથે જ તેણે દારૂ છોડી દીધો. નહિતો દારૂના વ્યસનીના મન એવા કમજોર થઈ ગયા હોય છે કે કેટલીય વખત તેઓ નક્કી કરે કે હવે દારૂ છોડી દઈશ, પણ થોડા દિવસ પછી પાછું શરૂ થઈ જ જાય, પરંતુ આમણે તો એક જ વખત મામાના દર્શન કર્યા ને મનમાં દારૂ છોડી દેવાનો સંકલ્પ કર્યા પછી જીવનમાં ક્યારેય તેને હાથ ન લગાડ્યો. આ કેવી મોટી વાત કહેવાય! પછી તો મામાને જ્યારે પણ કારમાં જવું હોય, ત્યારે તેઓ જ સેવા બજાવે. મામા બેઠા હોય ત્યારે સાવચેતીપૂર્વક સરસ ગાડી ચલાવે. રસ્તામાં ખાડા આવે કે બ્રેક મારે ત્યારે મામાને જરા પણ તકલીફ ન પડે તેની ખાસ તકેદારી રાખે. તેમણે નોકરી પર રહ્યા ત્યાં સુધી ખરા ભાવથી મામાની સેવા બજાવી. આજે પણ તેઓ મામાને જ પોતાના ગુરુ માને છે. મિશનમાં દર્શન કરવા આવે ત્યારે એમ કહે, "આ સ્થાનમાં આવીને જેવી શાંતિનો અનુભવ મને થાય છે તેવો બીજે ક્યાંય થતો નથી."

અનાદિમુક્તનો પ્રભાવ જ એવો જબરદસ્ત હોય છે કે નીચલા સ્તરના લોકો હોય કે ઉચ્ચ વર્ગના તેમના પ્રભાવ હેઠળ આવ્યા વગર રહી શકે નહિ. અને પ્રભાવમાં આવનારનું આમૂલ પરિવર્તન થઈ જતું એ મામાના પ્રભાવની અસર બતાવે છે.