પ્રસંગ : ૬૨

વલ્લભવિદ્યાનગર એટલે વિદ્યાર્થીઓ માટેનું વિદ્યાધામ. અહીંના સેવકો પર મામાનો વિશેષ રાજીપો. આથી મામા જ્યારે પણ વડતાલ પધારે, ત્યારે મોટેભાગે વિદ્યાનગર સેવકોને મળવા પધારે. એવા જ એક સમયે તેઓ પધાર્યા હતા. ત્યારે સેવકો તેમને વિદ્યાનગરના રામકૃષ્ણ આશ્રમમાં લઈ ગયા હતા. આશ્રમમાં જઈ મામા સ્વામી રામકૃષ્ણ પરમહંસ તથા સ્વામી વિવેકાનંદની મૂર્તિઓ આગળ આંખો બંધ કરી મૌન રાખી ઊભા રહ્યા. સામાન્ય રીતે મામા જ્યાં પણ જાય ત્યાં ભાવથી વંદન કરી નમન કરે, પણ અહીં થોડી વધુ વાર ઊભા રહ્યા. અને પછી આશ્રમમાં બધે ફર્યા. સાથે આવેલા હરિભક્તોએ આની ખાસ નોંધ લીધી નહિ, પરંતુ એક સેવકની નજરમાં એ આવી ગયું. મામાની સાથે એકાંત મળતાં જ તેણે મામાને પૂછ્યું, "મામા, આપ આશ્રમમાં મૂર્તિઓ સામે કેમ વધુ સમય ઊભા રહ્યા હતા?" વાત સાવ નાની છે. સામાન્ય જીવો એ વિશે ઊંડું વિચારી પણ ન શકે. એમ વિચારે કે ભાવે સહિત દર્શન કરે છે અને વધુ તો એમ કે આશ્રમના વિકાસ અર્થે ભગવાનને પ્રાર્થના કરતા હશે. એથી વિશેષ વિચારી ન શકે. પણ રહસ્યની વાત મુક્ત સમજાવે ત્યારે સમજાય બાકી સમજી શકાય તેવી હોતી નથી.

મામા કહે, "જે મુક્ત પુરુષ હોય તેમની સમક્ષ તેમનાથી ઉચ્ચ કક્ષાને પામેલા મુક્ત આવે, ત્યારે તે મુક્તમાં રહેલા ભગવાનના તેમને મુક્તની ઇચ્છાથી દર્શન થાય છે. તેમ આ બંનેને પણ મુક્તમાં રહેલા ભગવાનના દર્શન થતાં હોવાથી તેઓ એ ભગવાનને વંદન કરી રહ્યા હતા. આથી હું ત્યાં થોડી વધુ વાર ઊભો રહ્યો."

પૂર્ણ મુક્તનું સામાન્ય લાગતું વર્તન પણ કેવું રહસ્યોદઘાટન કરાવનારું હોય છે. એટલે જ કહે છે ને કે મુક્તના કોઈ વર્તનમાં ક્યારેય સંકલ્પ કરવા નહિ. રહસ્ય જાણ્યા સિવાય ખોટા સંકલ્પ કરી નાહક જીવનું બગાડવું! મોટા મુક્તને વિશે તો હંમેશાં દિવ્યભાવની જ દ્રઢતા કર્યા કરવી. શ્રીજીમહારાજે પણ કહ્યું છે કે સત્પુરુષને વિશે દેવબુદ્ધિ રાખીને તેમને સેવવા. દેવબુદ્ધિ એટલે ભગવાન જેવા, ભગવાનનું પરમ સાધર્મ્ય પામેલા, એમ દિવ્યભાવ લાવીને તેમનો જોગ-સમાગમ-સેવા કરવી. એમ કરવાથી શ્રીહરિની પ્રસન્નતા થાય છે.