પ્રસંગ : ૫૬
જગતમાં દૈવી જીવો અને આસુરી જીવો અનાદિકાળથી ચાલ્યા આવે છે. દૈવી જીવો નિઃસ્વાર્થભાવે લોકોને મદદ કરે. બને તેટલું પોતાનું જીવન નીતિપૂર્વકનું આધ્યાત્મિકતાવાળું બનાવે. કોઈને ન દુભવે. ઈર્ષા-દ્વેષ-છળ-કપટ વગેરેથી દૂર રહે. જ્યારે આસુરી જીવો આનાથી વિપરીત રીતે વર્તતા જોવા મળે. ઈર્ષા-દ્વેષ, છળ-કપટ, કોઈને હેરાન કરવો વગેરે રમતો તેના મગજમાં ચાલ્યા જ કરતી હોય. આને આમ હેરાન કરું અને આને તેમ કષ્ટ પહોંચાડું! અને આવું કરવાથી તેમને એક પ્રકારનો વિકૃત આનંદ મળતો હોય છે. આવા લોકોને માનસિક બીમાર પણ કહી શકાય. તેઓના ઈર્ષા-દ્વેષ અતિ વધી જાય અને જેના પ્રત્યે ઈર્ષા હોય તેને દેખીતી રીતે હેરાન ન કરી શકે, ત્યારે ભૂવા-તાંત્રિક અને મેલી વિદ્યાનો સહારો લઈને પણ તેઓ સામી વ્યક્તિને હેરાન કરી પોતાની વિકૃતિને સંતોષ પ્રદાન કરતા હોય છે.
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનના મકાનનું કામ ચાલતું હતું ત્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના ઍન્જિનિયર ત્યાં આવતા. તેમને કોઈ તાંત્રિક બહુ જ હેરાન કરતો હતો. તે એવી રીતે કે, તેઓ જેવા ઘરની બહાર નીકળે ને તેમને નાનો-મોટો અકસ્માત થઈ જાય. રાત્રીના તેમને ભયંકર દ્રશ્યો દેખાય, વિવિધ પ્રકારના અવાજો સંભળાય, આથી રાત્રે પૂરતી ઊંઘ લઈ શકે નહિ. પછી તો તેમને એવો ભય પેસી ગયો કે તે તાંત્રિક નક્કી મને મારી નાખશે. જ્યારથી તેઓ મિશનમાં આવતા થયા ને મામાના દર્શન કર્યા, ત્યારથી તેમને મનમાં હાશ થઈ કે આમની પાસે હવે મને જરૂરથી રસ્તો મળશે. પોતે જે હેરાનગતિમાંથી પસાર થઈ રહ્યા હતા તે વિશે તેઓએ મામાને વિગતે વાત કરી. મામાને પ્રાર્થના કરી કે મને આમાંથી બચાવો નહિ તો મારું મૃત્યુ નક્કી છે. મામાએ તેમની વાત સાંભળ્યા પછી કહ્યું, "અત્યાર સુધી એણે તમને ભલે હેરાન કર્યા, પણ હવેથી એ તાંત્રિક તમને કાંઈ કરી શકશે નહિ. એ શું બગાડી શકવાનો છે? તમે નિશ્ચિંત થઈ જાઓ. જરાય ગભરાશો નહિ. આ ચરણરજ આપું છું તે પાણીમાં નાંખી તે પાણી રોજ પીજો. અને આ પ્રસાદીની સાકર લ્યો, હવે તમને એ તાંત્રિક કાંઈ કરી શકશે નહિ." મામાના આવા આશીર્વાદ મળતાં ભાઈને ખૂબ હિંમત આવી. મનમાંથી સઘળો ભય જાણે અદ્રશ્ય થઈ ગયો. તેઓ એકદમ નિર્ભય બની ગયા. મામાના આશીર્વાદે તેમનામાં નવો આત્મવિશ્વાસ જન્માવ્યો હતો. તેઓ ઘરે ગયા ત્યારે રસ્તામાં તેમને કોઈ અકસ્માત નડ્યો નહિ. ઘણા વખતથી તેઓ રાત્રે શાંતિથી સૂતા નહોતા. તે દિવસથી તેઓ શાંતિની ઊંઘ લેતા થઈ ગયા. પછીથી તેમની બધી જ તકલીફો દૂર થઈ ગઈ અને તેમને કોઈ તાંત્રિક હેરાન કરવા સમર્થ રહ્યો નહિ. આમ થતાં તેઓ શાંતિનો અનુભવ કરવા લાગ્યા અને મામાનો ઉપકાર માની તેઓ મામાને વંદી રહ્યા.
દૈવી શક્તિ સમક્ષ આસુરી શક્તિઓ સમર્થ રહેતી નથી, તો આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પૂર્ણ મુક્ત જ્યારે આશીર્વાદ આપે તો પછી મેલીવિદ્યા ક્યાં ઊભી રહી શકવા સમર્થ રહે? સંકલ્પ માત્રમાં એ મેલીવિદ્યાની અસર દૂર થઈ જ જાય.