પ્રસંગ : ૮૯
છપૈયા ધામ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટ્ય સ્થાન. એ સ્થાનના દર્શન કરીએ ત્યારે એક અજબ દિવ્યતાનો અનુભવ થાય. એમ અનુભવાય કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની દિવ્ય પાવન પગલીઓ આ સ્થાનમાં પડી છે તેની આ દિવ્યતા સાક્ષી પૂરે છે. મામા હરિભક્તો, સેવકો સાથે આ સ્થાનમાં પધાર્યા ને સ્થાનની દિવ્યતામાં ઉમેરો થયો. ત્યાં દર્શન કરી અયોધ્યા જતાં રસ્તામાં મખોડા તીર્થ આવે છે. ત્યાં મામા બધા સાથે નદીકિનારે દર્શન કરવા બેઠા હતા. એવામાં અચાનક જ તોફાન આવ્યું. ગાજ-વીજ અને વરસાદની સાથે બરફના કરા પડવા પણ શરૂ થઈ ગયા. તોફાન એકદમ ભયંકર હતું, પરંતુ મામા તો શાંત ચિત્તે ભગવાન સંભારતા આંખો બંધ કરી બેઠા હતા. સેવકે પ્રાર્થનાના સ્વરમાં મામાને કહ્યું, "મામા, આ તોફાન જલદી બંધ થાય તો સારું નહિ તો આપણી આગળની યાત્રા મુશ્કેલ બનશે."
મામાએ સેવક સામે સૂચક દ્રષ્ટિ કરતાં કહ્યું, "આ તોફાન તો હમણાં બંધ થઈ જશે તેની ચિંતા કરવાની જરાય આવશ્યકતા નથી. પરંતુ જીવનમાં તો અનેક આંતરિક-બાહ્ય તોફાનો અને વિઘ્નો આવે એવે સમયે શાંત ચિત્ત રાખી નિર્ભય થઈ ધીરજથી ભગવાનને રાજી કરવાના યત્નો કર્યા કરવા. હિંમત હારવી નહિ. તો મહારાજ રાજી થાય અને એ મુશ્કેલીના સમયમાં રક્ષા કરે." મામાએ વાત પૂરી કરી ને તરત જ તોફાન-વરસાદ-કરા બધું અચાનક જ બંધ થઈ ગયું અને યાત્રા આગળ વધી.
કહે છે ને કે મુક્ત કોઈ વાત કરે તેની પાછળ હાર્દ રહેલું હોય છે. તેઓ અમસ્તા જ કોઈ વાત કરતા હોતા નથી. માટે જ્યારે તેમણે કોઈ વાત કરી હોય એ વખતે કદાચ એ વાત આપણને લાગુ ન પણ પડતી હોય, છતાં તે વાતો મારા માટે જ છે અને એટલે જ તેમણે કહી છે તેમ માની વાતને જીવનમાં ઉતારી લેવી. યાદ ન રહેતી હોય તો લખી રાખવી જેથી સમય આવે વાંચી તેમાંથી માર્ગદર્શન મેળવી શકાય. સેવકના જીવનમાં પણ એવું જ થયું. મામાએ વાત કરી ત્યારે તેના જીવનમાં કોઈ તોફાન નહોતું, પરંતુ પાછળથી તેણે જીવનમાં ઘણા સંઘર્ષો-મુશ્કેલીઓ-ઝંઝાવાતોનો સામનો કરવો પડ્યો. એ વખતે તેણે મખોડા તીર્થ પર કહેલી મામાની વાણી યાદ કરી અને એ પ્રમાણે હિંમત રાખી, નિર્ભય થઈ ધીરજપૂર્વક ભગવાન સંભારી એ સંઘર્ષોનો સામનો કરી ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કર્યો.