પ્રસંગ : ૯૫

પોતાના વતનથી દૂર વિદેશમાં જે સત્સંગી હરિભક્તો રહેતા હોય તેઓને મનમાં હંમેશાં એમ રહ્યા કરે કે દૂર પરદેશમાં છીએ તો રખે સત્સંગ ઘસાઈ જાય. માટે તેઓ એ બાબત વધુ સતર્ક હોય. ઘણા કુટુંબમાં તો અહીંના હરિભક્તો કરતાંય વિશેષ ધર્મનિયમ પાળતા જોવા મળે. તેઓને જ્યારે પણ સત્સંગ સમાગમનો લાભ મળે તે લેવાનું તેઓ ચૂકે નહિ. એવા સમયે પોતે સમાગમ કરે અને બાળકોમાં ધાર્મિક સંસ્કાર પડે તે હેતુથી તેઓને પણ તેમાં સહભાગી બનાવે.

એવા જ કોઈ એક સમયે ટોરેન્ટોમાં સત્સંગની પ્રસિદ્ધ સંસ્થા તરફથી શિબિરનું આયોજન થયું હતું. એ વખતે મામા વિદેશ પ્રવાસે હતા. સંસ્થાના સંતો મામાને સારી રીતે ઓળખે. મામાની સ્થિતિથી તેઓ વાકેફ આથી સંતોએ મામાને શિબિરમાં આવવાનું નિમંત્રણ આપ્યું. જેથી હરિભક્તોને લાભ થાય, ભગવાનનો મહિમા બરાબર સમજાય. મામા ત્યાં પધાર્યા. ત્યાંના અગ્રગણ્ય હરિભક્તોએ મામા પ્રત્યે બહુ ધ્યાન આપ્યું નહિ. સમાજમાં ગૃહસ્થ હરિભક્ત પ્રત્યે જાણે નહિ ત્યાં સુધી લોકોને બહુ ભાવ બેસે નહિ. તેમાંય મામાની પ્રકૃતિ એકદમ શાંત. જરાય બાહ્યાડંબર નહિ. આથી આયોજકો પોતાના કાર્યમાં રત રહ્યા, પરંતુ બીજે દિવસે વહેલી સવારે મામા નિત્ય વિધિથી પરવારી પૂજા કરવા બેઠા હતા એ વખતે અગ્રગણ્ય હરિભક્ત મામાની રૂમ પાસેથી પસાર થયા અને સહજ તેમની નજર રૂમમાં ગઈ. તેમણે જે જોયું તે જોતાં તેમના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. જીવનમાં ક્યારેય આવું દ્રશ્ય તેમણે જોયું નહોતું. મામાની રૂમમાં તેજ-તેજ તેમને દેખાયું. મામાની પૂજાની મૂર્તિમાંથી ને મામામાંથી તેજ નીકળતું હરિભક્તના જોવામાં આવ્યું. થોડીવાર સુધી એમ ને એમ ઊભા રહી દર્શન કરતા રહ્યા. એ સમયે મામાની રૂમમાં જવું તેમને યોગ્ય ન લાગ્યું. તેઓ સંસ્થાના સંતો પાસે ગયા ને રૂમમાંથી નીકળતા તેજ વિશે સંતોને વાત કરી. ત્યારે એક સંતે મામાની સ્થિતિ વિશે, મામાના સામર્થ્ય વિશે હરિભક્તને સમજાવ્યું અને કહ્યું, "તેઓ ખરા સંત મૂર્તિ છે. તેમનો જોગ-સમાગમ કરવા જેવા છે. માટે જ અમે તેમને અહીં આવવા નિમંત્રણ આપ્યું છે. તેઓ બહુ મોટા, મહાન અને સમર્થ છે." આવું સાંભળતાં હરિભક્તને મામા પ્રત્યે ખૂબ આદરભાવ સહિત મહિમા થયો. તેઓ તરત મામા પાસે આવ્યા. પગે લાગી પોતાને ત્યાં પધરામણી કરવા વિનંતી કરી અને પોતાને ઘરે ઠાકોર જમાડવા આગ્રહ કર્યો. મામાએ તેમની વિનંતીનો સ્વીકાર કર્યો. તેમને ઘરે જઈ મામાએ મહારાજના મહિમાની થોડી વાતો કરી આથી તેઓ ઘણા રાજી થયા. મામાને પગે લાગી આશીર્વાદ આપવા કહ્યું. મામાએ રાજી થઈ તેમને આશીર્વાદ આપ્યા.