પ્રસંગ : ૮૫

સંપ્રદાયના ગ્રંથોમાં અને બાપાશ્રીની વાતોમાં એમ આવે છે કે અનાદિમુક્તમાં અનંત સામર્થ્ય રહેલું હોય છે. તેઓ નિરાવરણ દ્રષ્ટિ ધરાવે છે, તેઓને કોઈ આવરણો નડતા નથી. અન્ય લોકોને આ બધું વાંચીને જ સંતોષ પ્રાપ્ત કરવાનો હોય છે. જ્યારે આપણા સૌના એ મોટા સદભાગ્ય કહેવાય કે આપણે એવા નિરાવરણ દ્રષ્ટિવાળા સમર્થ અનાદિમુક્તના જોગમાં આવ્યા, તેમના સાંનિધ્યમાં રહ્યા, તેમના સેવા-સમાગમનો લાભ મળ્યો અને આપણામાંથી મોટા ભાગનાને તેમના સામર્થ્યના દર્શન પણ થયા. આ બહુ મોટા ભાગ્યની વાત કહેવાય. મામા અપાર શક્તિઓ અને સામર્થ્ય ધરાવનારા અનાદિમુક્ત હોવા છતાં તેઓ પોતાનું સામર્થ્ય ઢાંકીને વર્તતા. છતાંય અમુક પ્રસંગોએ તે છતું થઈ જતું.

એક વખત ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં મામા સેવક સાથે પુસ્તકો લેવા ગયા હતા. મામાને એક પુસ્તક જોઈતું હતું, જે કાર્યાલયમાં કામ કરનાર માણસ એ પુસ્તક નથી, આવશે ત્યારે તમને મળશે તેમ કહેતો હતો. મામાએ તેને કહ્યું, "તમે બરાબર જુઓને ઉપર હશે." મામા ઘણીવાર ત્યાંથી પુસ્તકો લેતા એટલે મામાને તેઓ સારી રીતે ઓળખતા. મામાના કહેવાથી એક માણસ જોઈ આવ્યો આવીને કહે, "મેં જોયું પુસ્તક નથી. તમને મંગાવી આપીશું. બે-ચાર દિવસ પછી તપાસ કરજો." મામા કહે, "તમે બરાબર જુઓને મળી જશે." આવું સાંભળતાં કાર્યકર જરા અકળાઈ ગયો ને કહે, "હું અહીં કામ કરું છું મને ન ખબર હોય કે કયું પુસ્તક છે અને કયું નથી? બે-ચાર દિવસ પછી આવીને લઈ જજો."

મામાએ હવે તેને સ્પષ્ટ રીતે પ્રભાવશાળી અવાજમાં કહ્યું, "તમે બરાબર જોતા નથી. ઉપર-છેલ્લું જોઈને પાછા આવો છો. ઉપરના માળે ત્રીજા નંબરના રેકમાં બીજી લાઈનમાં ડાબે હાથેથી ચોથા નંબરે પુસ્તક પડ્યું છે. તમે જઈને બરોબર જોઈ લઈ આવો." આમ પુસ્તક વિશેનું ચોક્કસ સ્થાન સાંભળતાં કાર્યાલયનો માણસ દિગ્મૂઢ થઈ જરા ખચકાઈ ગયો. તેને થયું કોઈ આટલું ચોક્કસ કઈ રીતે કહી શકે? આમને કઈ રીતે ખબર પડી કે ઉપરના માળે પુસ્તક એ જ જગ્યાએ પડ્યું છે! જરા જોઈ આવવા દે. તે તરત ઉપર ગયો અને જોયું તો બરાબર મામાએ બતાવેલ જગ્યાએથી જ પુસ્તક મળી ગયું. તેને ભારે નવાઈ લાગી. નીચે આવી મામાને પૂછવા લાગ્યો, "તમને કઈ રીતે ખબર પડી કે પુસ્તક ત્યાં જ પડ્યું છે?" મામાએ ઉત્તરમાં ફક્ત સ્મિત વેર્યું ને પુસ્તક જોવા લાગ્યા. પેલા કાર્યકરે પૂછવાનું ચાલુ જ રાખ્યું, કે તમને કઈ રીતે ખબર પડી? તમે તો ક્યારેય ઉપર ગયા નથી. ઉપર કેટલા રેક છે તે કઈ રીતે ગોઠવેલા છે એ બધા વિશે તમે કઈ રીતે માહિતગાર થયા? તેને બહુ આશ્ચર્ય થયું હતું. સાથેના સેવકે મામાનો મહિમા સમજાવતાં તેને કહ્યું, "તેઓ ભગવાનના બહુ મોટા સંત છે. તેમને આવરણ જેવું કાંઈ હોતું જ નથી. તેઓ બહુ સમર્થ છે." આમ સમજાવ્યું ત્યારે જ તેણે પ્રશ્નોની ઝડી બંધ કરી અને તે મામાને પગે લાગ્યો ને આશીર્વાદ માગ્યા.

આવા તો અનેક નાના-મોટા પ્રસંગો હોય જે મામાના સામર્થ્યને છતાં કરી આપણને સૌને મામાના સામર્થ્યની પ્રતીતિ કરાવતા હોય.