પ્રસંગ : ૭૮
અનાદિમુક્તમાં અનંત સામર્થ્ય હોય છે, શ્રીજીમહારાજના કલ્યાણકારી ગુણો તેમનામાં પણ જોવા મળે છે, તેઓ સર્વજ્ઞ છે. આવું જાણપણું હોવા છતાં આપણે સામાન્ય જીવો તેમના આવા અનેક ગુણોમાંથી કોઈ એક ગુણના દર્શન થતાં કૃત-કૃત્ય થઈ જઈએ છીએ. તેઓ માટે તે સહજ વાત હોય છે. જો કે આવા ગુણોના દર્શન થવાથી મુક્ત પ્રત્યેનો મહિમા, વિશ્વાસ, શ્રદ્ધા વધુ દૃઢ બનતા હોય છે.
મામાના અંતર્યામીપણા વિશેનો એક પ્રસંગ છે. વાત ત્યારની છે જ્યારે મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યો હતો. આખા દેશમાં એ સમાચાર ફેલાયા. બધાની જેમ એક બહેનને પણ એ સમાચાર મળ્યા. સમાચાર મળતાં તેઓ ભારે ચિંતામાં સરી પડ્યાં. થોડી વાર સૂનમૂન થઈ બેસી રહ્યાં. પછી તેમનાથી રહેવાયું નહિ ને તેઓ રઘવાયા થઈ મામા પાસે દોડી આવ્યાં. આવીને મામાને પ્રાર્થના કરતાં કહે, "મામા, મોરબીમાં ડેમ તૂટ્યાના સમાચાર આવ્યા છે અને મારો ભાઈ અત્યારે મોરબીમાં જ છે. મને તેની બહુ ચિંતા થાય છે. આપ મહારાજને પ્રાર્થના કરો કે તેઓ મારા ભાઈની રક્ષા કરે." આમ કહેતાં બહેન રડી પડ્યાં. મામાએ તેમને શાંત પડવા કહ્યું અને બોલ્યા, "તમે નાહક ચિંતા કરો છો. તમારા ભાઈને કાંઈ નહિ થાય અત્યારે તેઓ મોરબીમાં છે જ નહિ. તેઓ તો રાજકોટમાં છે અને સહીસલામત છે. તમે ઘરે જાવ થોડી વારમાં તેમના તરફથી તેઓ સલામત છે તેવો ફોન આવશે." આવું સાંભળતાં બહેનના જીવમાં જીવ આવ્યો. મામાને કહે, "સારું થયું હું આપની પાસે આવી તો મને તરત ભાઈ વિશે સમાચાર મળ્યા. તેઓ સલામત છે જાણી મને કોઈ ચિંતા નથી. મોરબીના સમાચાર સાંભળતાં મનમાં ધ્રાસકો બેસી ગયો હતો. હવે ચિંતા નથી." બહેન મામાને પગે લાગી ઘરે પહોંચ્યાં ને થોડી વારમાં જ તેમના ભાઈનો સલામતીનો ફોન આવ્યો. બહેને ભાઈને કહ્યું, "મને તો તારી ચિંતા ક્યારની દૂર થઈ ગઈ હતી. તારો ફોન આવતાં પહેલાં જ મને ખબર હતી કે તું રાજકોટમાં સહીસલામત છે." આવું સાંભળતાં ભાઈને અચરજ થયું. તેમણે પૂછ્યું, "તમને કોણે ફોન કર્યો હતો?" બહેને મામાની વાત કરી ત્યારે ભાઈએ હસતાં-હસતાં કહ્યું, "ત્યારે મેં અમસ્તો ફોન કર્યો. તમને તો ખબર જ હતી."
આમ અનાદિમુક્ત અંતર્યામીપણું જણાવી વાત કહી દેતા હોય છે.