પ્રસંગ : ૯૧

મામા જ્યારે વિદેશ પ્રવાસે ગયા હતા એ વખતે મિશીગનમાં હરિભક્તોના આગ્રહને વશ થઈ ગળાની તકલીફ બાબતે હૉસ્પિટલમાં બતાવવા ગયા હતા. તેઓ તો હંમેશાં કહેતા, "મને ગળાની કોઈ ગંભીર તકલીફ નથી. મહારાજ જેમ રાખે તેમ રાજી થકા રહેવું." છતાં હરિભક્તોએ ઘણો આગ્રહ કર્યો. હૉસ્પિટલમાં તેમને બે-ત્રણ જાતના ટેસ્ટ કરાવવાના હતા. તેમાં એક ટેસ્ટ સ્વરતંતુની ચકાસણી બાબતનો હતો. એ ટેસ્ટ બહેન ડૉક્ટરો કરવાની હોવાથી મામાએ તે કરાવવાની ના પાડી. બહેન ડૉક્ટરોએ મામાને કહ્યું, "અમે તમારો સ્પર્શ નથી કરવાના. ફક્ત તમે જે બોલશો તે સાંભળવાના જ છીએ અને તમારા બોલાયેલા અવાજ ઉપરથી અમને તમારા સ્વરતંતુઓ વિશેની માહિતી મળશે. માટે આપ આરામથી ટેસ્ટ કરાવી શકશો, તેની આપ ના પાડશો નહિ." ડૉક્ટરોની આવી વાત સાંભળતાં મામાને સંતોષ થયો અને તેમણે ટેસ્ટ કરાવવાની હા પાડી. ડૉક્ટરોએ કહ્યું, "આપ થોડીવાર કાંઈક બોલો." મામા કહે, "શું બોલું?" ડૉક્ટર કહે, "તમારે જે બોલવું હોય તે બોલી શકો છો તેમાં કોઈ નિયમ નથી." મામા કહે, "હું ભગવાન વિશે બોલું?" ડૉક્ટરે હા પાડી. આથી મામા ભગવાન અને ભગવાનની દિવ્યતા વિશે અંગ્રેજીમાં બોલ્યા. મામાને બોલવાનું હતું થોડીક જ વાર, પરંતુ તેઓ તો લગભગ ત્રીસ મિનિટ જેવું બોલ્યા. મામા બોલતા અટક્યા નહિ અને ડૉક્ટરોએ પણ તેમને અટકાવ્યા નહિ. મામા ભગવાનની દિવ્યતા વર્ણવવામાં ગુલતાન બન્યા ને ડૉક્ટરો સાંભળવામાં મશગુલ.

ઘણી વખત મામા એમ કહેતા, "ભગવાનની વાતો કરવામાં હું એવો ગુલતાન બની જાઉં છું કે મને સમયની સતર્કતા રહેતી નથી. ભગવાનની વાત કરતાં એ સુખમાં લીન થઈ જવાથી વાતમાં લીંક પણ રહેતી નથી. મહારાજનું સુખ જ એવું છે કે એ સુખમાં તેમની વાતોમાંય ભૂલ પડી જાય છે."

મામા ભગવાન વિશે, ભગવાનની દિવ્યતા વિશે જે બોલ્યા તેવું ત્યાંના ડૉક્ટરોએ જીવનમાં ક્યારેય સાંભળ્યું નહોતું. આથી તેઓ પણ સાંભળવામાં રત થઈ ગયા હતા. મામાએ બોલવાનું બંધ કર્યું ત્યારે જ બધા ધ્યાનભંગ થયા અને બધાને સમયનો ખ્યાલ આવ્યો કે લગભગ અર્ધો કલાક જેવો સમય વીતી ગયો છે. ડૉક્ટરોએ મામાને કહ્યું, "અત્યારે તમે જે બોલ્યા તેવું તો અમે ક્યારેય સાંભળ્યું નથી. જન્મથી અમે ક્રિશ્ચિયન છીએ. ધર્મ વિશે વાંચ્યું પણ છે, પરંતુ આવું ક્યારેય વાંચ્યું નથી કે નથી કોઈ પાસેથી સાંભળ્યું. અમારે આ વિશે વધુ જાણવું છે. આધ્યાત્મિકતા વિશે ભગવાનની દિવ્યતા વિશે, તેમના દિવ્ય સુખ વિશે વધુ જાણવાની અમને જિજ્ઞાસા થાય છે. આપ અમારે ત્યાં આવીને રહો. અમે તમારો જોગ કરી આધ્યાત્મિક જ્ઞાન મેળવીશું." એ ડૉક્ટર બહેનોને મામા શું જવાબ આપે? મામા થોડા તેમને ત્યાં રોકાવા જવાના હતા? મામા હસ્યા બહાનું બતાવવા ખાતર બતાવ્યું. "તમે બહેનો છો હું બહેનો સાથે નથી રહેતો. આથી તમારી સાથે હું કઈ રીતે રહું?" ત્યારે તે બહેનો કહે, "અમે બીજા ઘરમાં રહેવા ચાલી જઈશું અને તમારી પાસે જ્ઞાન સાંભળવા આવીશું." આવું સાંભળતાં મામાએ હસતાં-હસતાં બીજું કારણ દર્શાવ્યું, "તમારો અને અમારો ખોરાક તદ્દન જુદો છે. તમે જે ખોરાક ખાઓ છો તેનો અમે સ્પર્શ પણ કરતા નથી." બહેનોને તો જાણે કોઈ પણ ભોગે મામાને પોતાને ત્યાં લઈ જવા હતા. મહિમા એવી જ વસ્તુ છે. મહિમા થાય ત્યારે વ્યક્તિ ગમે તે કરવા રાજી હોય. મામાની આવી વાત સાંભળી બહેનો કહે, "અમે અમારું ઘર એકદમ સ્વચ્છ બનાવી દઈશું. ફ્રીજ પણ બદલી નાખીશું, પણ તમે અમારે ત્યાં રહેવા પધારો. આપની અનુકૂળતા પ્રમાણેની બધી જ વ્યવસ્થા અમે આપને કરી આપીશું."

ભગવાન અને ભગવાનની દિવ્યતા વિશે મામાની વાણી સાંભળી ડૉક્ટર બહેનો એટલા બધા પ્રભાવિત થયાં હતાં કે મામા માટે બધું જ કરવા તત્પર હતાં. મામાએ ત્યાં રહેવાની પોતાની અસમર્થતા દર્શાવતા બંને બહેનો નિરાશ થયાં. જવાનો સમય થયો ત્યારે સેવકોએ તેમની ફી આપવાની વાત કરી, ત્યારે તેમણે ચોખ્ખી ના પાડી દીધી અને કહે, "આ મહાન વ્યક્તિ પાસેથી અમને આજે જિંદગીમાં ન સાંભળી હોય તેવી દિવ્ય વાતો સાંભળવા મળી છે. અમારે આમની પાસેથી ફી ન લેવાય. અમે લઈ ન શકીએ. આમની પાસેથી તો આશીર્વાદ લેવાય. આટલી સેવા કરવાનો અમને લાભ આપો." બંને ડૉક્ટર બહેનો મામાની વાણીથી પ્રભાવિત થયાં હતાં અને ભગવાનની આવી દિવ્યતા વિશે વિચારતા રહી પોતાને ધન્ય માનવા લાગ્યાં કે પોતાને આવું અદભુત જ્ઞાન ધરાવતી વ્યક્તિના દર્શનનો લાભ મળ્યો.

મામાએ ગળા બાબત બે-ત્રણ ટેસ્ટ કરાવ્યા અને દરેક વખતે ડૉક્ટરો મામાની વાણીથી અને મામાના વ્યક્તિત્વથી એવા પ્રભાવિત થઈ જતા કે કોઈ ડૉક્ટર મામા પાસેથી કોઈપણ જાતની ફી લેતું નહિ. આમ કરી તેઓ મામાની નાની અમસ્તી પણ સેવા કર્યાનો સંતોષ મેળવતા. મામાના કહ્યા પ્રમાણે ડૉક્ટરોના નિદાનમાં પણ એવું જ આવ્યું કે બહુ બોલવાથી અને ગળાનો વધુ શ્રમ લેવાથી સ્વરતંતુ જાડા થઈ ગયા છે, બાકી બીજી કોઈ ગંભીર બીમારી નથી.

પૂર્ણ સ્થિતિને પામેલા મુક્તની વાણી-વર્તન સમાન હોવાથી વ્યક્તિ પ્રભાવ હેઠળ આવ્યા વગર રહે નહિ. તેમાં ય અનુભવ સિદ્ધ વાણી બોલાતી હોય એ તો વિશિષ્ટ જ હોય ને? અનુભવની વાણી તો અનુભવી સિવાય અહીંયા પણ કોઈએ ન સાંભળી હોય તો પશ્ચિમના ડૉક્ટરોએ તો ક્યાંથી સાંભળી હોય! વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જ્ઞાનમાં આટલો ફેર!