પ્રસંગ : ૧૦૬

આપણે સૌ આ લોકના જીવો મુક્તપુરુષની દરેક ક્રિયા કે ઘટનાને તેના સૂક્ષ્મ રહસ્યોથી અજાણ હોવાથી તેની મૂલવણી પોતાની સીમિત બુદ્ધિ દ્વારા સીમિત રીતે કરતા હોઈએ છીએ. અનાદિમુક્તનું પૃથ્વી પર આવવું, પોતાનો પ્રભાવ જણાવી કોઈ ઉપર રાજી થઈ આશીર્વાદ વરસાવવા કે કોઈને તેની પાત્રતા પ્રમાણે દિવ્ય અનુભવો કરાવવા કે પછી સામાન્ય જીવોની જેમ સામાન્ય રીતે જીવન જીવવું કે મંદવાડ ગ્રહણ કરવો એ બધું જ શ્રીજીએ એમને આ લોકમાં આવી કરેલી આજ્ઞાઓમાંનું એક કાર્ય માત્ર હોય છે. આપણે એ ક્રિયાઓને આપણી સીમિત બુદ્ધિ પ્રમાણે મુલવવાના નિષ્ફળ પ્રયત્નો કરીએ છીએ અને પાછા ગર્વ અનુભવીએ છીએ કે અનાદિમુક્તને સારી રીતે જાણીએ છીએ. અનાદિમુક્ત કોણ છે? તેમનું સામર્થ્ય કેટલું અને કેવું છે? તે પૂર્ણ મુક્તની દિવ્યતાને આપણે આ લોકની સીમિત લૌકિક બુદ્ધિથી કઈ રીતે મૂલવી શકીએ?

પૂર્ણ મુક્તનું દરેક વર્તન, દરેક ક્રિયા શ્રીજીની આજ્ઞા મુજબનું હોઈ જીવોના કલ્યાણ માટે જ હોય છે. પૃથ્વી પરની તેમની જીવનલીલામાંની એક હોય છે. આ લોકમાં તેઓ મંદવાડ ગ્રહણ કરે તે પણ જીવોના કલ્યાણ અર્થે ગ્રહણ કરેલી જીવનલીલા જ છે. સામાન્ય જીવો કદાચ આને સાવ સરળ માની તેનું મહત્ત્વ સમજી ન શકે, પરંતુ એ સ્થિતિને પામેલા મુક્ત આ બધી જીવનલીલાના મહત્ત્વને જાણે અને માણે છે.

એક વખત મુક્તરાજ મામાએ મંદવાડ ગ્રહણ કર્યો હતો. એ વખતે વારાફરતી સેવકો સેવામાં હાજર રહી મુક્તરાજની સેવા ચીવટથી કરતા. એક વખત એક સેવક મામાના પલંગ પાસે બેઠો હતો ને બેઠા-બેઠા ઝોલું આવવાથી માથું ખાટલા પર નમી ગયું. અને એ વખતે તેને જાણે સ્વપ્ન આવતું હોય તેવું જણાયું કે કેટલાંક દૈવી પુરુષો અને સંતો મામાના દર્શન કરવા આવ્યા. મામાને પ્રણામ કર્યા. ચંદન, કંકુ, કેસર અને અક્ષતથી મામાના ભાલમાં ચાંદલો કર્યો, હાર પહેરાવ્યો, પૂજા કરી અત્યંત પ્રસન્નતાપૂર્વક મામાની મંદવાડની લીલાના દર્શન કર્યા અને અદ્રશ્ય થઈ ગયા. એ જ વખતે સેવકની આંખ ઉઘડી ગઈ. સેવકને ખ્યાલ જ ન આવ્યો કે આ સાચું હતું કે સ્વપ્ન! તે વિચારમાં પડી ગયો. થોડીવારે ખચકાતાં-ખચકાતાં મામાને આ વિશે પૂછ્યું. મામા કહે, "સ્વપ્ન અવસ્થા તારે હતી. મુક્તને એવું કાંઈ હોતું નથી. તને જે દેખાયું તે સત્ય હતું. મુક્ત દ્વારા દરેક ક્રિયા શ્રીજીમહારાજ કરતા હોય છે. આથી અત્યારે આ મંદવાડની લીલાના દર્શન કરવા દૈવી પુરુષો અને સંતો આવ્યા હતા. આ લોકમાં મંદવાડ ગણાય, પરંતુ તેનું પ્રયોજન અનેક જીવોના કલ્યાણ કરવા એ જ છે. પૃથ્વી પર આવી મુક્ત શ્રીજી ઇચ્છાથી દરેક ક્રિયા કરે છે. તેમાં મંદવાડની પણ એક ક્રિયા છે. આ લીલા વિશેષ હોવાથી દૈવી પુરુષો અને સંતોને દર્શનીય હોઈ તેઓ મુક્ત દ્વારા કરાતી મહારાજની દિવ્ય લીલાના દર્શન કરવા આવે છે. બાકી મુક્તને તો મંદવાડ જેવું કાંઈ હોતું જ નથી. તેઓ તો સદાય મૂર્તિને સુખે સુખિયા હોય છે. દેહના કષ્ટ તેમને સ્પર્શતાં નથી."

આ પ્રસંગથી સેવકને ઘણો આનંદ થયો. તે પોતાને ધન્ય માનવા લાગ્યો કે મુક્તના પ્રતાપે આજે તેને પણ આવા અલૌકિક દિવ્ય દર્શનનો લાભ મળ્યો. તે મામાની વધુ મહિમાએ સહિત સેવા કરવા લાગ્યો.

આ છે મુક્તના મંદવાડની લીલા અને તેનું રહસ્ય.