પ્રસંગ : ૭૩

મૂળી સ્વામિનારાયણ મંદિરના સંતો મુક્તરાજ મામા પાસે પધાર્યા હતા. મામાએ તેમને હાર પહેરાવ્યા, ધોતિયાં ઓઢાડ્યાં, ફળ-ફળાદિ આપી તેમનું સન્માન કરી આતિથ્ય કર્યું.

મામાને ત્યાં કોઈ પણ આવે મામા યથાયોગ્ય આતિથ્ય કરે જ. જમવાના સમયે જો કોઈ આવ્યું હોય તો તે મામાને ત્યાંની પ્રસાદી લીધા વગર ગયું ન હોય. મામા તેને જમાડીને પછી જ રજા આપે. આ અનુભવ મામાના પરિચયમાં આવનાર મોટાભાગનાનો હશે જ.

સંતોને પણ મામાએ સરસ આવકાર આપ્યો. સંતો એક પ્રાર્થના લઈને આવ્યા હતા. મૂળી મંદિરમાં "બ્રહ્માનંદ" નામથી ભોજનાલય બનાવવાનું હતું. સંતોએ તેની યોજના વિશે મામાને વિગતે માહિતી આપી અને પ્રાર્થના કરી કે, "આ કાર્ય હાથમાં લીધું તો છે પણ પૂર્ણ થશે કે કેમ? એ શંકા થયા કરે છે. આથી આપની પાસે આવ્યા છીએ. આપ શુભ સંકલ્પ કરો અને આશીર્વાદ આપો જેથી કાર્ય સારી રીતે સંપન્ન થાય." મામાએ બધી વિગતો જાણી તેને બરાબર સમજી પછી કહે, "તમારો વિચાર ઘણો ઉત્તમ છે. મંદિરમાં ભોજનાલય થવું જ જોઈએ. આ તો મહારાજનું કાર્ય કહેવાય. મહારાજ તેમાં જરૂર સહાય કરશે. અને ભોજનાલય ખૂબ સુંદર થશે. હું મહારાજને પ્રાર્થના કરીશ. અને આવા સારા કામમાં મહારાજ જરૂર રાજી થશે. આ કાર્ય માટે હું પણ પ્રથમ સેવા લખાવું છું. મહારાજ આ કાર્ય ખૂબ સરસ રીતે પૂર્ણ કરાવશે." મામાના આશીર્વચનો મળવાથી સંતોને હિંમત આવી ગઈ કે હવે જરૂરથી ભોજનાલય સારી રીતે બનશે. મુક્તરાજના શુભ સંકલ્પ અને શુભ આશીર્વાદ આપણી સાથે છે. હવે કોઈ વિઘ્ન નહિ આવે. મામાના વચનોનું બળ અને મામા તરફથી મળેલી આર્થિક સેવાનો સ્વીકાર કરી સંતો પાછા મૂળી પધાર્યા. "બ્રહ્માનંદ ભોજનાલય"નું કામ આરંભાયું. મામાના શુભાશીર્વાદથી સંતોની યોજના કરતાં પણ વધુ વિશાળ ભોજનાલયનું નિર્માણ થયું જે હાલ મૂળી મંદિરમાં મોજુદ છે.

મુક્ત પાસે જે કોઈ હૃદયના ખરા ભાવથી શુભ કાર્ય માટે આશીર્વાદ માગે તેને મુક્તરાજ રાજી થકા શુભ સંકલ્પ કરી આશીર્વાદ આપતા અને તેમના આશીર્વાદ પ્રમાણે જ કાર્ય સંપન્ન થતું.