પ્રસંગ : ૮૨

મહાઅનાદિમુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી એમ કહેતા કે, "મુક્ત તીર્થરૂપ છે." પૂ. પર્વતભાઈની વાત સત્સંગમાં સૌને ખ્યાલમાં જ છે કે, તેઓના ચરણોમાં અડસઠ તીરથ રહેતા. અનાદિમુક્તને કોઈ તીર્થયાત્રા કરવાની જરૂર રહેતી નથી. પરંતુ એક રહસ્યની વાત એ પણ છે કે અનાદિમુક્ત જ્યારે કોઈ તીર્થ સ્થળે જાય, ત્યારે ત્યાં શુભ સંકલ્પ કરે. તેમના શુભસંકલ્પ અને પાવન પગલાંથી તીર્થ સજીવન થાય અને પછી ત્યાં જનારના મનોરથ પૂર્ણ થાય.

અનાદિમુક્ત તીર્થને સજીવન કરવા અને તે સ્થળને પવિત્ર માની અને પોતાને પવિત્ર કરવા જે જીવો ત્યાં આવે તેના મનોરથ પૂર્ણ થાય, આત્યંતિક કલ્યાણ થાય તેવા શુભ સંકલ્પ તીર્થસ્થાનોમાં જઈને કરે છે. જીવોના કલ્યાણ કરવાના આશયથી મુક્ત તીર્થાટન કરે છે. આવા જ આશયથી મામા થોડા હરિભક્તો સાથે તીર્થોમાં પધાર્યા હતા. એ વખતે છપૈયા પણ પધાર્યા હતા. છપૈયામાં ત્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. હરિભક્તોની ભીડ ઘણી હતી. ક્યાંય ઊભા રહેવાની જગ્યા નહોતી. અને તેમાંય મહારાજના અભિષેક વખતે તો લોકો દર્શન માટે ધક્કા-મુક્કી કરવા લાગ્યા. મામા ઘનશ્યામ મહારાજ પાસે ઊભા રહી દર્શન કરતા હતા, પરંતુ પાછળ અતિશય ભીડને કારણે એક વૃદ્ધા ભીડમાં ચગદાઈને નીચે પડી ગયાં. થોડીવાર તો લોકોને ખ્યાલ ન આવ્યો લોકો તેમની ઉપર પગ મૂકે. લોકોના ધક્કાથી વૃદ્ધા બેભાન થઈ ગયાં. લોકોમાં ખબર પડતાં બૂમા-બૂમ થઈ ગઈ અને લોકો તેનાથી દૂર ખસવા લાગ્યા. વૃદ્ધા નિશ્ચેષ્ટ પડ્યાં હતાં. કોઈએ મામાને વાતની જાણ કરતાં તેઓ વૃદ્ધા પાસે આવ્યા. લોકો મામાને કહે, "ડોશી મરી ગયા લાગે છે." મામાએ ખિસ્સામાંથી ચરણરજ કાઢી, ભગવાન સંભારી સાથે આવેલા સેવકને વૃદ્ધાના મુખમાં ચરણરજ આપવા કહ્યું. સેવકે થોડી ચરણરજ ડોશીમાના મુખમાં મૂકી અને થોડીવારમાં જ ડોશીમાને ચેતના આવી. તેઓ ધીમે રહીને બેઠા થયાં અને પૂછવા લાગ્યાં મને કોણે બચાવી? બધાને નવાઈ લાગી કે આ શું કહે છે? વૃદ્ધાએ વિગતે વાત કરી કે, "હું નીચે પડી અને બેભાન થઈ ગઈ હતી. મને તો એમ જ કે લોકો મારા પર પડે છે ને હું મરી જઈશ. પરંતુ એ અવસ્થામાં કોઈએ મારા મોઢામાં કાંઈક નાખ્યું ને ચમત્કાર થયો મને તરત ભાન આવ્યું ને હું બચી ગઈ. બેભાન હોવા છતાં મને એ ખ્યાલ આવ્યો કે મારા મોઢામાં કોઈકે કાંઈક મૂક્યું તેનાથી હું સાજી થઈ બેઠી થઈ છું એ વાતની ભગવાને મને જાણ કરી."

બધાએ મુક્તરાજ તરફ નિર્દેશ કરી કહ્યું આમણે ચરણરજ આપી હતી. ડોશીમા કહે, "એ રજ મારા મોઢામાં મૂકાતાં જ હું ચેતના અનુભવવા લાગી. એ રજમાંથી અલૌકિક સુગંધ આવતી હતી. એ કેવી સુગંધ હતી તેની મને ખબર નથી. એવી સુગંધ મારા જીવનમાં મેં ક્યારેય અનુભવી નથી. કોઈ અજબ જ સુગંધ હતી. અને એ રજના કારણે જ હું બચી જવા પામી છું. નહિતર આજે મારું મોત નક્કી હતું." આમ કહી વૃદ્ધા મામાને પગે લાગી પ્રાર્થના કરી આભાર વ્યક્ત કરવા લાગી. આ જોઈ ત્યાં હાજર રહેલા લોકો પણ મામાને પગે લાગી કોઈ મોટા પુરુષના તેમને દર્શન થયા તેમ સમજી પોતાને ધન્યભાગ્ય માની રાજી થયા. બધાય પર મામાએ આશીર્વાદ વરસાવ્યા.