પ્રસંગ : ૮૦
એક વખત એક સેવકને ત્યાં વડોદરાથી તેમના મામાનો ફોન આવ્યો કે નાનીમા બાથરૂમમાં પડી ગયા અને અત્યારે કોમામાં જતાં રહ્યાં છે. અને હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. ડૉક્ટરો કહે છે, માથામાં ઈજા થવાથી આમ થયું છે તેથી હવે ક્યારે ભાન આવે તે કહી શકાય નહિ. આવા સમાચાર મળવાથી સેવક તથા ઘરના સર્વે ચિંતિત થઈ ગયા. સેવક તરત મામા પાસે આવ્યો ને બધી વિગતે વાત કરી. મામાએ વાત શાંતિથી સાંભળ્યા પછી પૂછ્યું, "અત્યારે રાત્રે વડોદરા કઈ રીતે પહોંચશો?" સેવકે કહ્યું, "ટેક્ષી મળે તો કરીને જઈશ." મામાએ સંમતિ આપી ને કહ્યું, "સારું, જવાની તૈયારી કરો અને જતી વખતે મારી પાસેથી ચરણરજ લઈ જજે." સેવકે ઘડિયાળમાં જોતાં કહ્યું, "મામા, અત્યારે જ ઘણું મોડું થઈ ગયું છે, હજી અમને નીકળતાં બીજો થોડો સમય થાય તો પછી બહુ મોડું થઈ જશે." મામા કહે, "તેનો વાંધો નહિ. હું અત્યારે ચરણરજ તૈયાર કરી રાખું છું. ગમે તેટલું મોડું થયું હોય પણ ચરણરજ લઈને પછી જજે."
જવાની તૈયારી કરી સેવક મામા પાસે આવ્યો. મામાએ ચરણરજ તેના હાથમાં મૂકતાં કહ્યું, "લે આ. કોઈ બહેનને કહેજે કે તારા નાનીમાને આખા શરીરે આ ચરણરજ ચોપડી દે. મહારાજ બધું સારું કરશે." સેવક મામાના આશીર્વાદ લઈ ગયો. વડોદરા પહોંચતાં જ તેઓ પ્રથમ હૉસ્પિટલમાં ગયા. નાનીમા બેભાન અવસ્થામાં ખાટલામાં સૂતાં હતાં. સેવકના માએ નાનીમાના આખા શરીરે ચરણરજ ચોપડી. થોડીવાર બેસી બધા ઘરે આરામ કરવા ગયા. સવારે નાનીમાને ભાન આવી ગયું. ભાનમાં આવતાં જ તેમણે સેવકને બોલાવી લાવવાની વાત કરી. સેવક આવતાં તરત સેવકને કહે, "તારા ભગવાન સ્વામિનારાયણ અને તારા ગુરુજી અહીં આવ્યા હતા. તારા ભગવાને મારા આખા શરીરે કાંઈક રજ જેવું ચોપડ્યું અને મને તરત સારું થઈ ગયું ને મારી આંખો ખૂલી ગઈ. મેં જોયું તો હું અહીં સૂતી હતી. હું બાથરૂમમાં પડી ગઈ પછી મને કશી જ ખબર રહી નહોતી. હું ક્યાં છું, કેમ છું તેનું મને કાંઈ ભાન રહ્યું નહોતું, પણ પછી તારા ભગવાન અને તારા ગુરુજીએ આવી મને સાજી કરી દીધી."
આવું સાંભળતાં સેવકને આશ્ચર્ય થયું. નાનીમાને કહે, "ચરણરજ તો તમને માએ ચોપડી હતી. અને તમે ક્યાં કોઈ દિવસ મારા ગુરુજીના દર્શન કર્યા છે, પછી તમે તેમને કઈ રીતે ઓળખ્યા?" નાનીમા કહે, "તું જેવું તેમનું વર્ણન કરતો હતો તેવા જ તે પ્રભાવશાળી હતા અને તારા ભગવાનની મૂર્તિ તો મેં નિહાળી જ છે. તારા ગુરુજીએ મને મનમાં ખાતરી કરાવી કે અમે એ જ છીએ." આવું સાંભળતાં સેવક કૃત-કૃત્ય થઈ ગયો. મનોમન મામાનો આભાર વ્યક્ત કર્યો અને થયું કે ઓ હો! મામા કેવા દયાળુ છે. જેને સ્વામિનારાયણ ભગવાનની ઓળખ નથી, મામાના ક્યારેય દર્શન કર્યા નથી, તેમના વિશે વિશેષ કોઈ ભાવ નથી, તેમના પર પણ કેવી કરુણા વરસાવી!! હું ધન્ય બની ગયો. પાછા આવી સેવકે મામાને બધી વાત કરી ત્યારે મામાએ કહ્યું, "શુભ સંકલ્પ કરી અને મહારાજને પ્રાર્થના કરીને મેં એ ચરણરજ આપી હતી. આથી જ્યારે ચરણરજ તેમના શરીર પર લગાડાતી હતી એ વખતે એ શુભ સંકલ્પને કારણે એમને એમ દર્શન થયા કે મહારાજ ચરણરજ લગાડે છે અને જ્યારે મહારાજ સ્પર્શ કરે પછી સારું થઈ જ જાય ને!"
સેવકના નાનીમા સત્સંગી નહોતા, મામાના તેમણે ક્યારેય દર્શન કર્યા નહોતા છતાં તેમને સારું થઈ ગયું. આ છે અનાદિમુક્તનો પ્રતાપ. સંકલ્પ કરી આપેલી ચરણરજ પણ કેવું કાર્ય કરી શકે છે