પ્રસંગ : ૧૦૩

શ્રીજીમહારાજ અનાદિમુક્તને જીવોના કલ્યાણ કરવાના શુભ આશયથી પૃથ્વી પર મોકલે છે. અનાદિમુક્ત શ્રીજીમહારાજની એ આજ્ઞાનું પાલન કૃપાવર્ષાની લ્હાણી કરી કરે છે. દરેક જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવાનો સંકલ્પ લઈ તેઓ પધારે છે અને દરેક જીવ પર દયા લાવી તેમનું કલ્યાણ થાય તેવા સંકલ્પ કરે છે. મામા જ્યારે વિદેશ ગયા હતા, ત્યારે નાયગરા ધોધ પાસે ગયા હતા. એ વખતે બીજા બધા ધોધની વિશાળતા અને સુંદરતા નિરખતા રહ્યા, જ્યારે મામાએ ખિસ્સામાંથી ચરણરજ કાઢી મહારાજને સંભાર્યા અને સંકલ્પ કર્યો કે આ પાણી જે-જે પીવે તે બધાનું કલ્યાણ મહારાજ કરે! કેટલી કરુણા દ્રષ્ટિ! તેવી જ રીતે સમુદ્રકિનારે ગયા ત્યાં પણ પાણીમાં ચરણરજ નાંખીને સંકલ્પ કર્યો કે સમુદ્રના બધા જીવોને મનુષ્ય જન્મ મળે ને એ બધા જીવોનું કલ્યાણ થાય! કેટલી બધી દયા, કેટલી કરુણા, કેવડી કૃપાવર્ષા! મહારાજે જે કામ કરવા પૃથ્વી ઉપર મોકલ્યા હતા તેની લ્હાણી કરી. સમુદ્રમાં કેટલા જીવ હોય તે બધાનું કલ્યાણ! કેવડી મોટી વાત! એક સેવકને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે સહજ જાણવાની ઇંતેજારીથી તેણે મામાને પૂછ્યું, "મામા, આપે આવો સંકલ્પ કર્યો તો સમુદ્રમાં તો કરોડો જીવ હોય તે બધા જો મનુષ્ય યોનીમાં આવે તો અત્યારે જ પૃથ્વી પર આટલી બધી વસ્તી છે. જો એ બધા જીવો મનુષ્ય તરીકે જન્મે તો કેટલી બધી વસ્તી થઈ જાય ને પૃથ્વી પર કેટલો ખીચડો ભેગો થાય?" મામા કહે, "તું તારી સીમિત દ્રષ્ટિથી વિચારે છે. બ્રહ્માંડમાં આ એક જ પૃથ્વી છે? અનંત પૃથ્વીઓ છે, જેમાં અનંત જીવો છે. ગમે ત્યાં મહારાજ તેમને જન્મ ધરાવી શકે. મહારાજની કાંઈ આ પૃથ્વી સુધીની મર્યાદા થોડી છે! જ્યાં ધારે ત્યાં જીવને લઈ જઈ જન્મ ધરાવી કલ્યાણ કરી શકે કે નહિ?" આવું સાંભળતાં સેવક અચંબામાં પડી ગયો. આવું તો એ ક્યાંથી વિચારી શકે?

અનાદિમુક્તની દયા તે આનું નામ. અકારણ કૃપાવર્ષા તે આનું નામ, કલ્યાણની લ્હાણી આનું નામ! આ છે અનાદિમુક્તનું કાર્ય. તુચ્છ જેવા જીવને પણ કલ્યાણનો હક્કદાર બનાવી દે છે.