પ્રસંગ : ૫૮
સમાજમાં રહેતા આપણે સૌ સામાજિક પ્રાણીઓ. સમાજના નીતિ-નિયમો પ્રમાણે ચાલનારા. સમાજે જેને સારું કહ્યું તેને સારું માનનારા અને જેને ખરાબ કહ્યું તેને ધૂતકારનારા અને એ પ્રમાણે જ જીવન વ્યતિત કરનારા. આમ જ જીવતા હોવાથી બુદ્ધિ પણ એ દાયરામાં રહીને જ વિચારે અને કાર્ય કરે. આધ્યાત્મિકતા તરફ બહુ આગળ ન વધ્યા હોવાથી, એ પંથે કેવા-કેવા દિવ્ય સુખ રહ્યા છે તેનાથી અજાણ હોવાથી, આ લોકની ચીજ-વસ્તુઓથી મળતા સુખોને સુખ માનીએ છીએ. આ લોકમાં કહેવાતી સુખ-સાહ્યબીના પ્રસાધનો જેમ જેની પાસે વધારે, તેમ તે વધુ સુખી. જેમ પ્રસાધનો ઓછા તેમ તે ઓછા સુખી.
આ લોકના જીવોની સામાન્ય રીતે આ જ સુખની વ્યાખ્યા હોવાથી અને સુખ-દુઃખને એ રીતના માપદંડથી તોલવાની ટેવ પડવાથી પૂર્ણ મુક્તને પણ એ રીતે સુખી કરવા વ્યર્થ પ્રયત્નો કરી, પોતાના મનને સેવા કર્યાનો ખોટો સંતોષ પ્રદાન કરી પોતે જ પોતાને ધન્ય માને છે. અને મેં આના કરતાં વધુ સેવા કરી, માટે હું વધુ ભગવદીય કે હું વધુ પાત્ર એમ માનવા પ્રેરાય છે. અને એ અલ્પ સેવા પણ સ્વાર્થ રહિત તો હોતી જ નથી. વસ્તુગતે હકીકત એ છે કે, પૂર્ણમુક્તને આ લોકની ભૌતિક વસ્તુઓ શું સુખ આપવાની હતી? જેઓ અખંડ દિવ્ય સુખની અનુભૂતિ કરતા હોય તેઓને આ લોકની વસ્તુ કઈ રીતે સુખદાયી બને? મહારાજ કહે છે કે, "અનંતકોટી બ્રહ્માંડોના વિષય સુખ વારી-ફેરીને નાંખી દઈએ તો પણ એ દિવ્ય સુખના લવ તુલ્ય પણ નથી આવતું."
જે લોકો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઈ મામાને ઓળખતા થયા તેઓ જાણતા કે મામા પૂર્ણ મુક્ત છે. તેમની સેવા તે મહારાજની સેવા બરાબર છે. આથી પોતાની સૂઝ-સમજ પ્રમાણે મામાની સેવા કરી તેમનો રાજીપો મેળવવા પ્રયત્નો કરતા. ભલે એ સેવા પાછળ સ્વાર્થ રહેલો હોવા છતાંય મામા તેઓ પર રાજીપો દર્શાવતા. એ સેવાના બદલામાં સેવકોની દરેક પ્રકારે રક્ષા કરતા, એ સાચી રીતે પ્રભુને શરણે જાય, પ્રભુનો સાચો આશ્રિત બને, તેનામાં સારા ગુણો વૃદ્ધિ પામે, દુર્ગુણો દૂર થાય તેવી તકેદારી રાખતા. જો સેવકમાં જરાય કચાશ દેખાય તો દૂર કરતા, એમ સાચા અર્થમાં રક્ષક બનતા. ક્યારેક કોઈ સેવકના મનમાં સંકલ્પ થયો હશે કે હું મામાની સાચી સેવા કરું છું અને મામા મારા પર વિશેષ રાજીપો જણાવે છે. મામા અંતર્યામીપણે તેના એ સંકલ્પને જાણી ગયા.
મામાને થયું આ તો અહંકાર કહેવાય. આવા સંકલ્પો પાછળથી જીવનું રૂડું કરતા નથી. આ બધા સેવકો સારા છે. મહારાજની પ્રસન્નતાના સાધનો કરે છે. આવા સંકલ્પોથી તેમના એ માર્ગમાં વિઘ્ન આવશે. મારે સાચું માર્ગદર્શન આપવું રહ્યું જેથી ફરી ક્યારેય આવા ખોટા સંકલ્પો તેમને થાય નહિ. આથી સેવકો જ્યારે મામા પાસે બેઠા હતા, ત્યારે મામાએ વાત કાઢી કે, "કેટલાકને એમ થાય કે અમે મામાની બહુ સેવા કરી છે જેથી મામા મારા પર વધુ રાજી થશે, મને વધુ આશીર્વાદ આપશે, પરંતુ આવું વિચારવું ભૂલ ભરેલું છે. તમે મારી શું સેવા કરવાના હતા? આ લોકની પૈસાથી ખરીદી શકાય તેવી ભૌતિક વસ્તુ લાવીને આપો અને માનો છો કે બહુ મોટી સેવા કરી? અરે એવી વસ્તુઓ મારે કોઈ ઉપયોગની નથી. મારે મન તેનું કોઈ મૂલ્ય નથી. તે વસ્તુઓ તો હું પણ પૈસા આપી લાવી શકું. એ કાંઈ સેવા કહેવાય? સેવા તો ઉલટાની હું તમારા બધાની કરું છું, સર્વે પ્રકારે મુસીબતોથી તમારી રક્ષા કરું છું, યોગ-ક્ષેમનું વહન કરું છું, તમે મહારાજને આશ્રિત થયા છો તો તેમના રાજીપાનો પથ દર્શાવું છું. શારીરિક-માનસિક આર્થિક બધી ઉપાધિઓથી તમારી રક્ષા કરું છું, તમારા માટે મહારાજને પ્રાર્થના કરું છું. તમે જે કાંઈ મને આપો છો તે પાછળ નાનો-મોટો સ્વાર્થ રહેલો હોય છે. જ્યારે મારે તો કોઈ જાતનો સ્વાર્થ હોતો નથી. હું તો નિઃસ્વાર્થ તમારા બધાની સેવા કરું છું. તમને ભગવાનનું દિવ્ય સુખ મળે તેવા પાત્ર બનાવું છું. અને ધારો કે તમારા પ્રયત્નોમાં કાચપને લીધે પાત્ર ન પણ થાવ તો અંતકાળે મહારાજ એ સુખમાં તમને લઈ જાય તેવી મહારાજને પ્રાર્થના કરું છું. સાચી સેવા આ છે, જીવની રક્ષા કરવી તે. તમે સેવા કરો છો તેમ માની અહંકારી થશો નહિ. આ લોકની નાશવંત વસ્તુઓ મારે શા કામની? મહાપ્રભુજીનું સુખ એક કામનું છે. ઊંડો વિચાર કરશો તો તથ્ય જરૂરથી સમજાશે."
સેવકો સમજુ હતા ટકોર સમજી ગયા. મામાના પગમાં પડી કહેવા લાગ્યા, "મામા, આપ તો પથદર્શક છો. અમે તો હજી આધ્યાત્મિકતાની કેડી પર પગલી પાડનારા છીએ, આથી અમારામાં હજી ઘણા દુર્ગુણો હોય, આપ અમને આવી રીતે વારંવાર સાચું માર્ગદર્શન આપી દુર્ગુણો દૂર કરવા જરૂરથી સહાય કરજો. ખરેખર આપ જ અમારી સેવા કરો છો. અમે તો કાંઈ કરતા નથી. થોડું-ઘણું જે ગ્રહણ કરો છો તે પણ અમારા જીવના રૂડા માટે કરો છો. બાપા કહે છે તેમ મુક્તને તો કાંઈ જરૂર હોતી નથી જીવના કલ્યાણ માટે ગ્રહણ કરતા હોય છે. તેમ આપ પણ પૂર્ણ મુક્ત છો. મહારાજનું અખંડ દિવ્ય સુખ ભોગવો છો. આપને આ લોકના સુખ શું વિસાતમાં? અમને ક્યારેય કોઈ વાતનો અહંકાર ન આવે તેવી અમારા બધા પર કૃપા કરજો." સેવકોના મુખે આવા નિર્માનીપણાના વચન સાંભળી મામા રાજી થયા.
જે પૂર્ણ સ્થિતિને પામેલા છે તેઓ જ નિઃસ્વાર્થભાવે સેવા કરી શકે છે. બાકી બીજા બધાને નાનો-મોટો સ્વાર્થ રહેલો હોય જ છે, પરંતુ એ બધામાં આ લોકનો લૌકિક સ્વાર્થ ન રાખતાં કેવળ ભગવાન અને તેમના મુક્તનો રાજીપો ઉતરી આપણા જીવનું રૂડું થાય એ સ્વાર્થ રાખીએ તો ઉત્તમ કહેવાય. કોઈ પણ પૂર્ણ મુક્તના જીવન જોઈશું તો ખ્યાલ આવશે કે તેઓ દરેક પરિસ્થિતિમાં સમ વર્તી બતાવે છે. સંજોગોની પરાકાષ્ઠા હોય તેવામાં પણ આદર્શ જીવન જીવે. મામાનું બાળપણ અને યુવાવસ્થાનું જીવન જોઈશું તો આર્થિક સંકણામણની પરાકાષ્ઠા. બે ટંકનું ખાવાનું પણ માંડ મળે તેવી પરિસ્થિતિ બતાવી, પરંતુ તેવામાંય પ્રભુના સુખના આનંદની એ જ મસ્તી. અને પાછલી જિંદગીમાં આ લોકની દ્રષ્ટિએ સારો કહેવાય તેવો વ્યવહાર બતાવ્યો ત્યારે પણ એ જ સાદગી અને એ જ પ્રભુ-સુખના આનંદની મસ્તી. દરેક સમય-સંજોગો-પરિસ્થિતિમાં સરખું વર્તન તે પૂર્ણ મુક્ત સિવાય બીજાથી શક્ય નથી.