પ્રસંગ : ૬૪
અનાદિમુક્તની સેવા કરવાથી અનેક રીતે લાભ થાય છે. આધ્યાત્મિક પથ પર જવા માટેના પાત્ર તો ધીમે-ધીમે થતા જ જઈએ છીએ, પરંતુ એ સિવાય બીજી નાની એવી કેટલીય બાબતો જાણવા, શીખવા મળે અને એમ કરતાં ઉમદા જીવન ઘડતર થાય. જેનામાં જેવી આવડત અને ભાવ તે પ્રમાણે મામાને ત્યાં સેવા કરે. પણ એટલું તો દરેક જણ અચૂક સમજતા કે અહીં સેવા કરવાથી જીવનમાં ઘણો લાભ મળશે. બહેનોને મામાની પ્રત્યક્ષ રીતે સેવાનો લાભ ન મળતો આથી તેઓ માસી પાસે આવી માસીની સૂચના પ્રમાણેનું થોડું-ઘણું કાર્ય કરી સેવા મળ્યાનો સંતોષ મેળવી લે.
પચોમાસાની ઋતુમાં એક બહેન પૂ. માસી પાસે આવી સેવા કાર્યમાં રત હતા. અને એ વખતે મામાની નજર એ બહેન પર ગઈ. મામાએ ઘડિયાળમાં જોયું ને બહેનને પૂછ્યું, "તમારે નોકરીએ નથી જવાનું? તમારો સમય તો થઈ ગયો છે." બહેન કહે, "મામા, આજે વરસાદ ઘણો પડતો હોવાથી મને આળસ થઈ આથી હું નોકરીએ નથી ગઈ. મને એમ કે આજનો દિવસ માસી પાસે સેવા કરી પસાર કરું." કોઈ મહત્ત્વના કારણ વગર રજા પાડી છે એવું સાંભળતાં મામા કહે, "અત્યારે ચોમાસાની ઋતુ છે. વરસાદ તો રોજ પડે, તેથી તમે રોજ રજા પાડશો? તમારા માસીને એવું કોઈ અગત્યનું કામ નથી. તમે તમારી નોકરીએ જાવ. આપણે આપણું કર્તવ્ય પૂરી નિષ્ઠાથી બજાવવું જોઈએ. તમારા કામના તેઓ તમને પૈસા ચૂકવે છે પછી તેમાં આળસ કેમ? આપણે જ્યાં કામ કરતા હોઈએ, ત્યાં પૂરી નૈતિકતાથી અને પૂરી નિષ્ઠાથી આપણી ફરજ બજાવીએ તે જ ભગવાનને ગમે અને તો જ ભગવાન આપણા પર રાજી થાય. જે કામ કરીએ છીએ તે પણ ભગવાનનું સોંપેલું છે અને તેમનું જ કાર્ય છે, તેમ વિચારી કરીએ તો ગાફલાઈ રહે નહિ. જીવનમાં આ હંમેશાં યાદ રાખવું અને દરેક કાર્ય કરતાં પૂર્વે ભગવાનને સંભારી તેમને સાથે રહેવા પ્રાર્થના કરવી એટલે કાર્ય બરાબર થાય. ઋતુ પ્રમાણે તડકો, વરસાદ, ઠંડી બધું થયા કરે, તેથી આપણે કાંઈ વારંવાર રજા પાડી કર્તવ્યચ્યૂત ન થવાય. અનિવાર્યતા સિવાય અમસ્તી રજાઓ પાડવી નહિ. હવેથી ક્યારેય આવું કરતા નહિ. અત્યારે ઊભા થઈ ઉતાવળે ફરજ પર પહોંચી જાવ." બહેન કામ પડ્યું મૂકી ઊભા થઈ મામાને કહે, "મારી ભૂલ થઈ હવે ક્યારેય આવું નહિ કરું. તમે કહો છો તેમ શ્રીજીમહારાજનું સોંપેલું કાર્ય છે તેમ માનીને જ કાર્ય કરીશ. આજે આપે નોકરી પ્રત્યે સાચું કર્તવ્ય બજાવવાની સાચી સમજ આપી છે તે બદલ આપની આભારી છું." મામા બહેન પર રાજી થયા ને બહેન તરત નોકરીએ પહોંચી ગયા.
પ્રસંગ ઘણો નાનો છે, પણ વાત મોટી અને ગહન છે. આજના સંજોગોમાં દરેક વ્યક્તિએ વાત સમજવા જેવી છે. આપણે જ્યાં કામ કરતા હોઈએ, ત્યાં પૂરી નિષ્ઠાથી અને નીતિપૂર્વક પોતાનું કર્તવ્ય બજાવવું અને કામ શ્રીજીમહારાજનું છે એમ વિચારી કરવાથી આપો આપ કામમાં ચોકસાઈ આવે ને કામ બરોબર જ થાય ને ભગવાનની પ્રસન્નતા થાય. ભગવાનની પ્રસન્નતા થવાથી જીવનમાં સારા ગુણોનો વિકાસ થાય, સારા ગુણોના વિકાસથી આચાર-વિચાર સારા થાય અને એમ કરતાં સમગ્ર જીવન આદર્શમય બને અને એ જ મહત્ત્વનું છે ને!