પ્રસંગ : ૬૫

અનાદિમુક્તના આ પૃથ્વી પર આગમનનો એક માત્ર હેતુ જીવોનું કલ્યાણ કરવાનો હોય છે. પાત્ર મુમુક્ષુ જીવોને ભગવાનનું સુખ પ્રાપ્ત કરાવવું. બીજા જીવોને ઊર્ધ્વગતિ તરફ ગમન કરાવવું. અને એ હેતુ બર લાવવા મુક્ત અનેક રીતે કાર્ય કરે છે. સંકલ્પ દ્વારા, આશીર્વાદ આપીને, દયા આણીને, હિંમતના વચનો કહી તેને સાચી દિશા બતાવીને કે તીર્થોમાં જઈ પોતાના પાવન પાદચિહ્નો ત્યાં પાડી સંકલ્પ કરે છે કે, અહીં આવનારા દરેક જીવનું ઊર્ધ્વીકરણ થાય. તેઓ જે શુભ ભાવના સાથે આવ્યા હોય તે પૂર્ણ થાય. અને તેમનો ભગવાન પ્રત્યેનો ભાવ દિન-પ્રતિદિન વધતો જાય.

આવા જ કોઈ શુભ આશયથી એક વખત મામા તીર્થયાત્રા કરવા નીકળ્યા હતા. ફરતાં-ફરતાં ઋષિકેશમાં આવ્યા. ત્યાં દરેક મંદિરે દર્શન કરી શુભ સંકલ્પ કરે, અહીં આવનારા જીવનું મહારાજ કલ્યાણ કરે. આમ કેટલાય મંદિરો અને આશ્રમોમાં જઈ સંકલ્પ કર્યો. એવામાં કોઈએ સમાચાર આપ્યા કે, અહીં એક આશ્રમમાં દૂધાધારી ઋષિ રહે છે. જેઓ કેટલાય વર્ષોથી ફક્ત દૂધનું જ સેવન કરીને રહે છે. અને તપશ્ચર્યા કરે છે. સેવકે મામાને કહ્યું, "આપણે ત્યાં જવું જોઈએ. તમે તેને દર્શન આપો તો તેની તપશ્ચર્યા ફળે અને ભગવાનની ભક્તિમાં તે વધુ આગળ તરફ ગતિ કરે." મામા કહે, "સારું જઈ આવીશું." બીજા આશ્રમમાં જવામાં અને મંદિરોમાં ગયા તેમાં રાત પડી ગઈ અને સેવક તો તપસ્વીની વાત ભૂલી ગયો. રાત્રે ઉતારામાં સેવક મામા પાસે બેઠો હતો ત્યારે તેને તપસ્વીની વાત યાદ આવી. આથી મામાને કહે, "મામા, આપણે દૂધાધારી તપસ્વીના આશ્રમે જવાનું ભૂલી ગયા. કાલે તો આપણે અહીંથી નીકળી જવાના છીએ. બીજે જવામાં મને તો એ યાદ જ ન રહ્યું." મામા કહે, "તું ભૂલી ગયો હોઈશ મને તો યાદ જ હતું, પરંતુ મહારાજની મરજી તેને દર્શન આપવાની નહોતી. તેથી હું ત્યાં ગયો નહિ. તેને વર્ષોની તપશ્ચર્યા છે, પરંતુ એ તપશ્ચર્યા હજી કાચી છે. તેમાં અભિમાનરૂપી ત્રૂટી રહેલી છે. તપસ્વીને પોતાની તપસ્યાનું અભિમાન છે. તેથી જ તેને તેની તપશ્ચર્યાનું ફળ પ્રાપ્ત થતું નથી. ભગવાનને રાજી કરવા તપ કરવું તેનો વળી ગર્વ શું? ગુમાન રાખે પછી ભગવાન ક્યાંથી રાજી થાય? આવા ગુમાનને લીધે બીજા સદગુણોનો પણ તેનામાં વિકાસ ન થાય. જેના કારણે આધ્યાત્મિક ઉન્નતિ અટકી પડે અને કોઈ પ્રાપ્તિ ન થાય. ભગવાનને રાજી કરવા નિર્માની થવું પડે. કોઈ જાતનું માન-અભિમાન, અહંકાર ન હોય ત્યારે ભગવાન રાજી થાય ને તપશ્ચર્યાનું ફળ પ્રાપ્ત થાય. ઋષિમાં એટલી કચાશ હોવાથી તેને વિલંબ થઈ ગયો. હવે જ્યારે એ ગર્વનો ત્યાગ કરશે અને કેવળ ભગવાનને રાજી કરવા તપ કરશે, ત્યારે ઉન્નતિને માર્ગે ચાલશે."

આવી સૂક્ષ્મ વાત સેવક તો ક્યાંથી સમજી શકે? અનાદિમુક્ત મામા જ્યારે વાતોનું રહસ્ય ઉદઘાટન કરે, ત્યારે જ તેની જાણ થાય. નહિતર આવા સૂક્ષ્મ રહસ્યો સમજવા અઘરા છે. આવી નાની-નાની અનેક બાબતો હોય જે આધ્યાત્મિકતામાં આગળ વધતા અટકાવતી હોય. જે મોટા કૃપા કરે ત્યારે ઓળખાય. અને તેઓ દયા લાવી ત્રૂટી દૂર કરે અથવા દૂર કરવા માર્ગદર્શન આપી સહાય કરે ત્યારે થઈ શકે. માટે જ આધ્યાત્મિક માર્ગે ચાલવા અનાદિમુક્તરૂપી પથદર્શક અતિ આવશ્યક છે.